શક્તિમાં દૂષણ-ભૂષણ બન્ને સમાયેલાં હોય છે

17 July, 2022 02:31 PM IST  |  Mumbai | Swami Satchidananda

જે લોકો નશામાં ચૂર થઈને વાતવાતમાં જેનું ને તેનું અપમાન કરતા રહે છે તેમના શત્રુઓ વધી જાય છે. ઘણા શત્રુઓ ઊંઘ હરામ કરી દે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

પૈસાની વાત ચાલુ રાખીને જો એક જ વાક્યમાં આ મુદ્દાનું સમાપન કરવાનું હોય તો કહી શકાય કે પ્રત્યેક માણસે પોતપોતાની ક્ષમતા પ્રમાણે અને પૂરેપૂરી ન્યાય-નીતિથી હકનો પૈસો કમાવો જ જોઈએ અને એ આવક સાથે બને એટલા વધુ ને વધુ  સ્વાવલંબી બનવું જોઈએ. જે લોકો પ્રયત્ન કરવા છતાં સ્વાવલંબી થઈ ન શકતા હોય તેમને સ્વાવલંબી થવામાં સહાયક બને તે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર સુખી-સમૃદ્ધ બને.
અગાઉ બે-ચાર વખત કહ્યું છે એમ લક્ષ્મીનો ત્યાગ નહીં પણ લક્ષ્મીનાં દૂષણોનો ત્યાગ કરવો એ જ સાચો ત્યાગ છે. લક્ષ્મીની સાથે આવનારાં દૂષણો પણ જાણવાં જોઈએ. લક્ષ્મી સાથે આવતાં મુખ્ય દૂષણો પાંચ છે: અહંકાર, અન્ય પ્રત્યે તુચ્છતા, લોભ, દુરુપયોગ અને ઉડાઉપણું અને એને લીધે આવતો લક્ષ્મીનો અનાદર.
લક્ષ્મી એક મહાન શક્તિ છે અને શક્તિમાત્રમાં દૂષણ-ભૂષણ બંને રહેતાં જ હોય છે. દારૂની માફક શક્તિ પણ નશો ચડાવતી હોય છે. લક્ષ્મીનો પણ નશો ચડતો હોય છે. આ નશાને કારણે માણસને અહંકાર થઈ જતો હોય છે. અહંકાર માણસને ભાન ભુલાવે છે. કોઈ અહંકાર બીજાના અપમાન વિનાનો હોતો નથી. તેથી તે ઘણા લોકોનું અપમાન કરતો થઈ જાય છે. જે લોકો નશામાં ચૂર થઈને વાતવાતમાં જેનું ને તેનું અપમાન કરતા રહે છે તેમના શત્રુઓ વધી જાય છે. જેને ઘણા શત્રુઓ હોય તે પેલાની ઊંઘ હરામ કરી દે છે. અસુરક્ષા વધી જાય છે એટલે ચિંતા અને ભય પણ વધી જાય છે. એટલે લક્ષ્મીનું પ્રથમ દૂષણ અહંકાર છે. એનાથી બચવાનો ઉપાય ભક્તિમાર્ગ છે. 
લક્ષ્મી મારા પ્રભુની કૃપાપ્રસાદી છે. આ લક્ષ્મી તો તેની જ છે, મારું કશું નથી. આજે છે અને કાલે ન પણ હોય, પણ જ્યાં સુધી મારી પાસે છે ત્યાં સુધી એનો અહંકાર કર્યા વિના હું પૂરેપૂરો આદર જાળવીશ. 
આવી ભાવનાથી કોઈ લક્ષ્મીનો સ્વીકાર કરે તો તેને નશો ન ચડે. જેમ-જેમ લક્ષ્મી વધે તેમ-તેમ તેની નમ્રતા, વિનય, વિવેક વધતાં જાય. એવો લક્ષ્મીપતિ ધન્યતા અનુભવે તો સાથોસાથ જુગાર, વ્યસન, કુમિત્રો અને કુમાર્ગ સેવન જેવાં અનેક દૂષણોથી મુક્ત થઈ શકાય જો તે ઈશ્વરપરાયણ અને સત્સંગી જીવન જીવતો હોય તો. શક્તિ મેળવવી એ પ્રથમ સાધના છે, પણ શક્તિનાં દૂષણોથી મુક્ત રહેવું એ બીજી સાધના છે. આ બંને સાધનાઓ કરનાર અબજોપતિ બનીને પણ લક્ષ્મીનાં દૂષણોથી મુક્ત રહીને મહાન પરમાર્થનાં કાર્યો કરી શકે છે અને મહાપુરુષ બની શકે છે.

 જે લોકો નશામાં ચૂર થઈને વાતવાતમાં જેનું ને તેનું અપમાન કરતા રહે છે તેમના શત્રુઓ વધી જાય છે. ઘણા શત્રુઓ ઊંઘ હરામ કરી દે છે.

columnists astrology swami sachchidananda