12 October, 2025 02:19 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતિકાત્મક તસવીર
કીડીઓને ખોરાક અને એમાં પણ ખાંડ આપવાથીયે શુક્રના દોષો દૂર થાય છે અને સંપત્તિ-પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.
શુક્ર એટલે કે વીનસ ગ્રહને કુંડળીનો રાજા માનવામાં આવે છે. આ એવો રાજા છે જે સુખ-સાહ્યબી અને સંપત્તિનો કારક છે તો સાથોસાથ જાતીય સુખની બાબતમાં પણ ઐશ્વર્ય આપવાનું કામ કરે છે. કુંડળીમાં જેનો શુક્ર નબળો હોય તે આ બધી બાબતોમાં હંમેશાં દુઃખી રહે છે. સત્તાસ્થાન પર પહોંચવા માટે જેમ સૂર્ય અનિવાર્ય ગ્રહ છે એવી જ રીતે સત્તા પર પહોંચ્યા પછી પૉપ્યુલરિટી પામવા માટે શુક્ર સ્ટ્રૉન્ગ હોવો જરૂરી છે. કહેવાનો ભાવાર્થ એ કે શુક્ર એક એવો ગ્રહ છે જેની ગરીબને સૌથી વધુ આવશ્યકતા છે તો શ્રીમંતને પોતાની શ્રીમંતાઈ અકબંધ રાખવા માટે એની અનિવાર્યતા રહે છે. જોકે ઘણી વખત એવું પણ જોવા મળે કે દેખીતી રીતે શ્રીમંતાઈ હોય અને પછી પણ વ્યાજનાં ચક્કરો ચાલતાં હોય, લેણિયાતનો રાફડો ફાટ્યો હોય અને સંસારમાં રહેલી સુખ-સાહ્યબીનો આનંદ લઈ શકાતો ન હોય. એવા સમયે માનવું, ધારવું કે શુક્ર દૂષિત છે.
દૂષિત શુક્રને ફરીથી સક્ષમ બનાવવા અને દેવાંમાંથી બહાર નીકળવાના બહુ સરળ રસ્તાઓ છે. જોકે એનો નિયમિત અમલ થતો રહેવો જોઈએ. દૂષિત શુક્રને સક્ષમ બનાવવાના કેટલાક ઉપાયો જાણવા જેવા છે.
આપો મહિલાને આદર
વાઇફ કે ગર્લફ્રેન્ડથી લઈને ઘરમાં જો મા-બહેન કે દીકરી હોય તો તેમનો પૂરો આદર-સત્કાર કરો, કારણ કે શુક્રનો વાહક મા લક્ષ્મી છે. ગૃહલક્ષ્મી નારાજ હોય ત્યાં ક્યારેય લક્ષ્મીનો કાયમી વાસ નથી રહેતો, પણ જન્મનો શુક્ર સારો હોવાથી એણે એ ઘરમાં રહેવું પડે છે. જોકે એ રહે છે રિસાયેલી હાલતમાં અને રિસાયેલી હાલતમાં રહેલી લક્ષ્મી હંમેશાં દેવાકારક બને છે. સ્ત્રીદાક્ષિણ્ય જાળવો અને તેમનું સન્માન કરો. દિવસમાં એક વખત ઉપર કહ્યાં એ મહિલા પાત્રોને ખુશ કરવાના પ્રયાસ પણ અપ્રતિમ પરિણામ આપવાને સમર્થ છે.
આ ઉપરાંત જરૂરિયાતમંદ નાની દીકરીઓને પણ મદદ કરવાથી શુક્ર બળવાન બને છે અને દેણામાંથી મુક્તિ અપાવે છે.
વધારો સફેદનો વપરાશ
સફેદ રંગ શુક્રનો પસંદીદા રંગ છે. દૂષિત શુક્રને સક્ષમ બનાવવા માટે દિવસની શરૂઆત સફેદ રંગથી કરો. દિવસની શરૂઆત આપણે બ્રશથી કરીએ છીએ એટલે શક્ય હોય તો વાઇટ બ્રશ અને વાઇટ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ ઉપરાંત જમવા બેઠા પછી સૌથી પહેલાં વાઇટ આઇટમ આરોગવાનું રાખો. મીઠાઈ હોય તો ઉત્તમ, પણ ધારો કે એ ન ખાઈ શકાય તો ચપટીક રાંધેલો ભાત કે એક કણી ખાંડની ખાઈને પણ જમવાનું શરૂ કરી શકાય.
દિવસની શરૂઆત સફેદ આઇટમથી કરો છો એવી જ રીતે દિવસના છેલ્લા ખોરાક તરીકે પણ સફેદ આઇટમ લેવાનું રાખવું જોઈએ.
ખુશ્બૂ શુક્રને છે પસંદ
શુક્રને સફેદ રંગનાં ફૂલના અત્તર સાથે સીધો સંબંધ છે. મોગરાનું જો અત્તર વાપરવાનું શરૂ કરો તો બેસ્ટ. અન્યથા વાઇટ ઑર્કિડ કે ગુલાબનું અત્તર પણ વાપરી શકાય. જોકે સફેદ ઑર્કિડ કે ગુલાબમાંથી જ અત્તર લેવામાં આવ્યું છે કે નહીં એની ખાતરી ન હોવાથી શક્ય હોય તો મોગરાના ફૂલનો ઉપયોગ વધારે હિતાવહ છે. મોગરાનું એક ફૂલ ખિસ્સામાં રાખવું અને એ ખિસ્સામાં સાથે રૂમાલ પણ રાખવો જેથી ફૂલ પોતાની ખુશ્બૂ એ રૂમાલને આપતો રહે. દિવસ દરમ્યાન આ રૂમાલથી ચહેરો સાફ કરતા રહેવાથી શુક્રની દૂષિત અસર ઓસરે છે અને ચહેરા પર પ્રસન્નતા પણ આવશે. શુક્ર દૂષિત હોય એવા સમયે શરીરસુખમાં પણ ઓટ આવે છે. ઉપર મુજબનો ઇલાજ અમલમાં મૂકવાથી જીવનમાં વિજાતીય આકર્ષણ દાખલ થાય કે પછી શરીરસુખ આપનારા સાથી સાથે મનદુઃખ ચાલતું હોય તો એ દૂર થાય.