ક્યારેક બોલતા હોઈએ સાચું, પરંતુ સાચું વિચારતા નથી

02 June, 2021 12:07 PM IST  |  Mumbai | Morari Bapu

ભૂતકાળને પાછળ મૂકીને આજથી સંકલ્પ કરો કે આજથી, આ ઘડીએથી અમારો આહાર સાચો રહેશે 

GMD Logo

આહાર, આચાર, વિચાર, વ્યવહાર, ઉચ્ચાર અને આધાર. સત્ય માટે જેનું ધ્યાન રાખવાનું છે એ આ ૬ મહત્ત્વની વાત. આ ૬માંથી આપણે આહાર પર ગયા ગુરુવારે વાત કરી. હવે વાત આવે છે આચારની. આહાર આચાર પર ઘણી અસર કરે છે. 
તામસી ખોરાક ખાનારા અને સા‌ત્ત્વ‌િક ખોરાક ખાનારાનો આચાર જુઓ. બન્નેના આચરણમાં તમને જમીન-આસમાનનો ફરક વર્તાશે. પ્રકૃતિનો નિયમ તો એવો છે કે જે પ્રાણી હોઠથી પાણી પીએ તે ક્યારેય માંસાહારી ન હોય. જે પ્રાણી જીભથી પાણી પીએ એ જ માંસાહારી હોય છે. જુઓ તમે, માંસાહારી પ્રાણીઓ જીભથી પાણી પીતાં દેખાશે. બિલાડી જીભથી પાણી પીએ છે; વાઘ, સિંહ, દીપડા, ચિત્તા બધાં જીભથી પાણી પીએ છે. એ બધાં માંસાહારી છે, પણ એની સામે જુઓ તમે બીજા જીવોને. માણસ હોઠથી પાણી પીએ છે એટલે તે માંસાહારી ન હોઈ શકે. ગાય હોઠથી પાણી પીએ છે, એ માંસાહારી નથી. બળદ, ભેંસ હોઠથી પાણી પીએ, એ માંસાહારી નથી. હરણ હોઠથી પાણી પીએ, એ પણ માંસાહારી નથી. 
આપણે આપણો સ્વધર્મ બદલાવી નાખ્યો છે. પાણી હોઠ વડે પીતા હોવા છતાં આહાર અયોગ્ય કરીએ છીએ. જો તમારો આહાર સાચો ન હોય તો તમારો આચાર કેવી રીતે આદર્શ બને? તમારું આચરણ કેવી રીતે મૂલ્યવાન બની શકે? અશક્ય છે, પણ એ અશક્ય વાતને પાછળ મૂકીને આગળ વધવું એ માનવધર્મ છે. ચાલો, આજ સુધી જે થયું એ ભલે થઈ ગયું. ભૂલી જાઓ એ સમયને, એ કાળને. ભૂતકાળને પાછળ મૂકીને આજથી સંકલ્પ કરો. કોઈ પણ સત્કાર્ય, શુભ કાર્ય કરીએ ત્યારે પુરોહિત સંકલ્પ કરાવે છે એ જ રીતે આજે આ વાત ચાલે છે ત્યારે એવો સંકલ્પ કરો કે આજથી, આ ઘડીએથી અમારો આહાર સાચો રહેશે. સાચા આહારને જ હવેથી પ્રાધાન્ય આપીશું અને સાચા આહારને જ હવેથી જીવનનો હિસ્સો બનાવીશું. યાદ રહે, હું તમારા પર કોઈ જાતનું દબાણ નથી કરતો, દબાણ કરવું પણ નથી; પણ જે સાચું છે, જે સત્ય છે એ કહું છું અને એટલે જ કહેવાનું, તમારો આચાર સત્ય રહે. 
આહાર અને આચાર પછીના ક્રમે આવે છે વિચાર. ક્યારેક આપણે બોલતા હોઈએ સાચું, પણ આપણે સાચું વિચારતા નથી. જે રીતે ધર્મરાજ યુધિષ્ઠિર, જેમનો ઉલ્લેખ સત્યની બાબતમાં હું વારંવાર કરતો રહું છું. તમે કુરુક્ષેત્રના યુદ્ધનો એ પ્રસંગ યાદ કરો, તમને સમજાઈ જશે કે બોલવું સાચું, પણ વિચારવું સાચું નહીં એનો અર્થ શું થાય. વિચારની આ જ વાત હવે આપણે કરીશું આવતી કાલે.
 
ભૂતકાળને પાછળ મૂકીને આજથી સંકલ્પ કરો કે આજથી, આ ઘડીએથી અમારો આહાર સાચો રહેશે 
morari bapu astrology columnists