કયા ગ્રહને સ્ટ્રૉન્ગ બનાવવાથી કઈ તકલીફ દૂર થશે?

16 March, 2025 07:46 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

દરેકે દરેક કામ કે ઇચ્છાને કોઈ ને કોઈ ગ્રહ સાથે સીધો સંબંધ છે, પણ એ માટે એની જાણકારી હોવી બહુ જરૂરી છે. શું પ્રાપ્ત કરવા માટે કયા ગ્રહને વધારે સ્ટ્રૉન્ગ બનાવવો જોઈએ એ જાણવા જેવું છે

પ્રતીકાત્મક તસવીર

જૉબ નથી, શાંતિ નથી, આખો દિવસ મૂડલેસ રહો છો, એકાગ્રતા જળવાયેલી નથી રહેતી?

આ કે આ સિવાયના પણ કેટલાક પ્રશ્નો એવા છે જેનું સોલ્યુશન ગ્રહ દ્વારા મેળવી શકાય છે. કયા ગ્રહને સ્ટ્રૉન્ગ કરવાથી શું લાભ મળે અને એ માટે શું કરવું જોઈએ એ જાણવું અને જાણ્યા પછી એને અનુસરવું જરા પણ અઘરું નથી. જુઓ,

સત્તા નથી મળતી?

સત્તા પર હો, બહુ બધા પાવર તમને મળ્યા હોય અને એ પછી પણ તમારા શબ્દોનું વજન ન હોય કે પછી અથાગ મહેનત કર્યા પછી પણ જો પ્રમોશન ન મળતું હોય, પાવર સોંપવામાં ન આવતો હોય તો એવા સમયે સૂર્ય ગ્રહને મજબૂત કરવાનું કામ કરવું જોઈએ. સૂર્ય સત્તાનો કારક છે. સૂર્યને મજબૂત કરવાના ઘણા રસ્તાઓ અત્યંત સરળ છે જેમાં નિયમિત રીતે સૂર્યને પાણી ચડાવવાનું પહેલા નંબરે આવે છે તો સાથોસાથ સૂર્યના બીજ મંત્રનું પઠન કરવું પણ લાભદાયી પુરવાર થાય છે.

શરીરમાં ક્ષમતા નથી?

કોઈ બીમારી ન હોય અને એ પછી પણ એનર્જી ન હોય. કંઈ કરવાનો મૂડ ન આવતો હોય કે પછી કંઈ ચૅલેન્જિંગ કામ સામે આવે તો પણ એ કરવાની ઇચ્છા ન થાય અને આખો દિવસ થાક લાગ્યા કરતો હોય તો તેમણે પોતાનો મંગળ ગ્રહ મજબૂત કરવો જોઈએ. મંગળ માત્ર શૌર્યકારક જ નહીં, શક્તિ આપવાનું કામ પણ કરે છે અને એનર્જી પ્રદાન પણ કરે છે. મંગળને મજબૂત કરવાનો સૌથી સરળ રસ્તો હોય તો નિયમિતપણે લાલ કલરનાં કપડાં પહેરવાં કે પછી મસૂરની દાળનું નિયમિત સેવન કરવું. આ ઉપરાંત મંગળવારે એકટાણાં કરવાથી પણ મંગળ પ્રભાવશાળી બને છે.

સુખ કે ખુશી નથી મળતાં?

ખુશી ક્યારેય દુન્યવી ચીજવસ્તુમાં હોતી નથી, એ મનમાં જન્મે છે. તમામ પ્રકારનાં ભૌતિક સુખ હોય અને એ પછી પણ જો જીવનમાં ખુશી ન હોય તેમણે ગુરુ ગ્રહને પ્રબળ બનાવવાનું કામ કરવું જોઈએ. ગુરુ સંતોષ આપવાનું કામ તો કરે જ છે પણ સાથોસાથ ગુરુ તૃપ્તિ આપવાનું કામ પણ કરે છે. અભાવમાં પણ સંપૂર્ણતાનો ભાવ મળતો રહે એ જોવાની જવાબદારી ગુરુની છે. ગુરુને મજબૂત કરવા માટે ચણા કે બેસનથી બનેલી આઇટમનું સેવન કરવું લાભદાયી છે. જો ગુરુવારે ગુરુ દત્તાત્રેયના મંદિરે જઈ શકાતું હોય તો એ પણ લાભદાયી નીવડે છે. યાદ રહે, વિશ્વના તમામ ગુરુઓના ગુરુ દતાત્રેય છે.

શાંતિનો અભાવ છે?

જેનો ચંદ્ર દૂષિત હોય તેને ક્યાંય શાંતિ મળતી નથી. એવી વ્યક્તિને બેચેની રહ્યા કરે છે તો સાથોસાથ એવી વ્યક્તિને અકળામણ પણ પુષ્કળ રહે છે. શાંતિ માટે ચંદ્રને મજબૂત કરવો જોઈએ. આખી રાત ચંદ્રપ્રકાશ નીચે રાખવામાં આવેલું પાણી સવારના સૌથી પહેલાં પીવું અને એ ક્રમ નિયમિત રીતે પાળવો લાભદાયી છે તો સાથોસાથ ચંદ્રને સ્ટ્રૉન્ગ બનાવવા વધુમાં વધુ પાણી પીવાનું પણ ખૂબ લાભદાયી છે.

સતત સંકડામણ રહે છે?

આર્થિક રીતે સતત ખેંચ રહેતી હોય અને દર મહિને બે છેડા ભેગા કરવામાં પરસેવો છૂટી જતો હોય તો શુક્રને મજબૂત કરવો જોઈએ. શુક્રને મજબૂત કરવા માટે શ્વેત વસ્ત્રો સૌથી ઉત્તમ છે. રોજ સફેદ વસ્ત્ર પહેરવાં શક્ય ન હોય તો રોજ સવારે અન્ન તરીકે પહેલો દાણો મોઢામાં મૂકતાં પહેલાં ખાંડ ખાવી જોઈએ. ધારો કે ડાયાબિટીઝનો પ્રૉબ્લેમ હોય તો તેમણે રોજ દિવસની શરૂઆત દૂધથી કરવી જોઈએ. આ ત્રણેત્રણ રસ્તા અપનાવવાથી શુક્ર પ્રભાવશાળી બને છે.

નોકરી-વ્યવસાય નથી?

કાર્ય અપાવવાનું કામ શનિનું છે. જો નોકરી ન હોય કે પછી વ્યવસાય કરવા માગતા હો પણ એ શરૂ ન થઈ શકતો હોય તો વહેલામાં વહેલી તકે શનિ ગ્રહને સ્ટ્રૉન્ગ કરવો જોઈએ. શનિ દરેક કાર્યમાં મોડું કરાવે છે, પણ જો શનિ સ્ટ્રૉન્ગ થાય તો એ પોતાની મોડું કરવાની જે તાકાત છે એ છોડી દે છે. શનિને મજબૂત કરવા માટે અડદનું સેવન ઉત્તમ છે તો હનુમાનજીના મંદિરે દર શનિવારે દર્શનાર્થે જવું અને ત્યાં ભૂખ્યાને
ભોજન કરાવવાથી પણ શનિને મજબૂત બનાવી શકાય છે.

સંબંધો લાંબો સમય ટકતા નથી?

આવું કરાવે છે નબળો બુધ. સંબંધોને સોનાની ખાણ ગણાવવામાં આવે છે ત્યારે નબળો બુધ ખોટી દિશામાં પોતાનો ઉપયોગ કરીને સ્વાર્થ શોધવાનું કે પછી સામેવાળાને સ્વાર્થી પુરવાર કરવાનું કામ કરે છે, જેને લીધે સંબંધોમાં અંતર ઊભું થવા માંડે છે અને સંબંધો આગળ વધતા અટકી જાય છે. બુધને મજબૂત કરવાથી સંબંધો સ્ટ્રૉન્ગ થાય છે. બુધને મજબૂત કરવા માટે બુધવારે વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ તો સાથોસાથ મગનું સેવન પણ વધારવું જોઈએ.

astrology life and style columnists