સફળતા મળે અને પ્રસન્નતા તૂટે, સામગ્રીઓ મળે અને સદ્ગુણો ઘટે

09 September, 2021 01:16 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

આવી ઉમદા વાત મુંબઈમાં રહેતો એક યુવક જાણતો હોય અને જાણ્યા પછી એવું બને નહીં એની તકેદારી પણ રાખતો હોય એવું જોઈએ એટલે ખરેખર મહાવીરના સંતાન તરીકે ગર્વની લાગણી થાય અને સાથોસાથ મનમાં ખુશી પણ અપાર જન્મે

સફળતા મળે અને પ્રસન્નતા તૂટે, સામગ્રીઓ મળે અને સદ્ગુણો ઘટે

ઉંમર એ યુવકની અત્યારે કદાચ ૩૪ વર્ષની આસપાસની છે. પ્રભુભક્તિ તેની ગજબની છે. પ્રભુભક્તિની દિશામાં તેના તરફથી થતું પ્રત્યેક આયોજન જાણવા જેવું અને માણવા જેવું હોય છે. પરમાત્માની સન્મુખ તેના તરફથી મુકાતાં ઉત્કૃષ્ટ કોટિનાં દ્રવ્યો જોતાં આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. રોજ સવારે ઠાઠમાઠથી તે પરમાત્માની પૂજા કરે અને એ પૂજા ચાલતી હોય એ દરમ્યાન તેના કંઠે સ્તવન પણ સતત ચાલુ હોય. સ્તવનો પણ તેને કદાચ ૧૨૫થી વધારે કંઠસ્થ છે. 
જલદી-જલદી પરમાત્માની પૂજા પતાવી દેવાનું તેને ફાવતું નથી. તે મનથી, દિલથી પૂજા કરે અને મજાની વાત તો એ છે કે પરમાત્માની પૂજામાં તેનો પૂરો પરિવાર તેની સાથે હોય છે. સવારથી આવી જાય અને ખંતપૂર્વક પૂજા કરે. જરા પણ ઉતાવળ નહીં, જરા પણ હાય-હોય નહીં. 
માત્ર પ્રભુપૂજામાં જ તેને રસ છે એવું પણ નથી, ગુરુભક્તિ પણ તેની પ્રશંસનીય છે, સમર્પણભાવ પણ તેનો જોરદાર છે, સાધર્મિક ભક્તિમાં પણ તેને એટલો જ રસ અને જરૂર પડે ત્યાં કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના તે ઊભો રહી જાય. સામાયિક કરવાનું પણ તેનું રોજનું ચાલુ છે અને તપ પણ તે કર્યા જ કરે. 
એક બાજુ ધર્મપ્રવૃત્તિમાં તેને આટલો બધો રસ છે તો બીજી બાજુ પાપ-નિવૃત્તિ માટે પણ તે એટલો જ જાગ્રત છે. તેની સાથે થયેલી આ વાતચીત પરથી તમને પણ એ દેખાશે અને સમજાશે.
‘ઑફિસે જવાનું?’
‘લગભગ ૧૨ વાગ્યા પછી...’
‘અને પાછા કેટલા વાગ્યે આવવાનું?’
‘છ વાગ્યે.’
‘તો પછી જમવાનું?’
‘ઘરે આવીને...’
સહજભાવે મેં તેને સૂચન કર્યું.
‘એવું કરવાને બદલે ચોવિહાર હાઉસમાં જમી લેતો હોય તો?’
‘થઈ શકે, પણ મહારાજ સાહેબ, એમાં એક નુકસાન એ થાય કે ચોવિહાર હાઉસમાં જમી લીધા પછી પાછું ઑફિસમાં બેસવાનું થાય અને ઑફિસમાં બેસીએ એટલે ધંધો પણ ચાલુ રહે. એના કરતાં ઘરે જ આવી જવાનું રાખવાથી ઘણા લાભ થાય.’ તેણે લાભ ગણાવવાનું શરૂ કર્યું, ‘ધંધાના લોભથી બચી જવાય, પરિવાર સાથે જમવાનું બને તો આખું કુટુંબ સાથે બેસીને જમીએ. જમી લીધા પછી સ્તવન થઈ શકે અને પ્રતિક્રમણ કરવા પણ બેસી શકાય...’
યુવકે વાત આગળ વધારતાં કહ્યું,
‘મહારાજસાહેબ, શું કહું હું તમને, જિંદગીનાં આટલાં વર્ષોમાં ધર્મને અત્યારે જે રીતે સમજ્યો છું, જે રીતે ધર્મ મને સમજાયો છે એવું અગાઉ ક્યારેય બન્યું નહોતું, ક્યારેય સમજ્યો નહોતો. પાપની ભયંકરતા અત્યારે જે રીતે સમજાઈ છે એ રીતે અગાઉ ક્યારેય સમજાઈ નથી. હવે સાવધ બનીને આગળ ન વધતો રહું તો પછી હું શું સમજ્યો કહેવાઉં?’
‘સાચી વાત છે, જાગ્યા ત્યારથી સવાર...’
‘મેં પણ જાતને આ જ વાત કહી... તમે માનશો નહીં, મહારાજસાહેબ, આજ સુધીમાં ટિફિનમાં પણ હું ક્યારેય જમ્યો નથી. જમવાનું ઘરે એટલે ઘરે જ અને એ પણ પરિવારના સભ્યો સાથે જ. મહાવીરસ્વામીએ આટઆટલી અનુકૂળતા આપી એ પછીયે જો મજૂરોની જેમ ટિફિનમાં જમવાનું હોય, એકલા જ જમવાનું હોય, ટેન્શનમાં જ જમવાનું હોય તો પછી મહાવીરકૃપાનો અર્થ શો?’
એ યુવકની સમજ પર માન થતું હતું ત્યાં તો તેણે એવી વાત કહી કે તેના પર માન બેવડાઈ ગયું.
‘અરે મેં તો મારી દીકરી માટે સ્કૂલ પણ એવી જ પસંદ કરી છે મહારાજસાહેબ કે તેને ક્યારેય સ્કૂલમાં ટિફિનમાં જમવાનો પ્રસંગ આવે જ નહીં.’ 
‘એટલે?’
‘એટલે કે સ્કૂલનો સમય જ એવો છે કે મારી બેબી ઘરેથી જમીને જાય અને સાંજે ઘરે આવીને જમે છે અને તેને પણ સાથે જ જમવાની આદત પાડી છે.’
‘અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે?’
‘ના રે, અંગ્રેજી માધ્યમમાં આવી પસંદગીનો અવકાશ જ નથી એટલે મેં ગુજરાતી માધ્યમની સ્કૂલ જ પસંદ કરી છે. સફળતા મળતી રહે અને પ્રસન્નતા તૂટતી રહે, સામગ્રીઓ મળતી રહે અને સદ્ગુણો ઘટતા રહે. મેં આવી એક પણ પ્રકારની જીવનપદ્ધતિ પર પસંદગી ઉતારી કે નથી તો મારા પરિવારના કોઈને પણ એવી વાતો પર પસંદગી ઉતારવા દીધી.’ યુવકે વંદન કર્યા અને કહ્યું, ‘આપ આશીર્વાદ આપો તો એવા આપો કે પાપનિવૃત્તિના ક્ષેત્રે સત્ત્વ એટલું બધું વધતું રહે કે બેપાંચ વર્ષ બાદ ધંધામાંથી સર્વથા નિવૃત્ત થઈ જાઉં અને જીવનને વધુ ને વધુ ધર્મારાધનાઓથી વિભૂષિત બનાવતો જાઉં.’
તેની આંખો અશ્રુભીની હતી.
‘અનંતકાળના સંસાર પરિભ્રમણમાં બીજું બધું વારંવાર મળશે, પણ જિનશાસન સાથેનો મનુષ્યભવ ક્યાં વારંવાર મળવાનો છે? અત્યારે એ હાથમાં આવી જ ગયો છે, ઈશ્વરે એટલી ઉદારતા દાખવી દીધી છે ત્યારે સમય, શક્તિ અને સંપત્તિનું વધુ ને વધુ રોકાણ ધર્મક્ષેત્રે કરીને એની પ્રાપ્તિને સાર્થક બનાવી લેવાની તક ન ઝડપું તો મારા જેવો કોઈ મૂર્ખ ન કહેવાય મહારાજસાહેબ...’ 
યુવકના જવાબમાં ઉત્સાહ હતો તો તેના ચહેરા પર ચમક હતી અને આંખોમાં ઉલ્લાસ હતો, જે જોઈને હું આનંદિત તો થયો, પણ સાથોસાથ આજના આ 
કપરા સમયમાં પણ આ પ્રકારના જીવાત્માઓ છે એ જોઈને મારું મન પણ ખુશીઓથી ભરાઈ ગયું. પર્યુષણ પર્વ આવી સમજણ આપે અને સૌ જીવનો ઉદ્ધાર કરે એવી અપેક્ષા સાથે આજે વિરામ લઈએ.

columnists astrology