મનમાંથી હુંકાર કાઢે એના હૈયે જ સમર્પણભાવ આવે

24 October, 2021 12:17 PM IST  |  Mumbai | Swami Sachidanand

સાગર પણ સરિતાનું સ્વાગત કરવા ઘુઘવાટ કરીને ભરતીનાં પ્રચંડ મોજાંઓના બાહુ દ્વારા દૂર-દૂર સુધી સામૈયું લઈ જાય છે. જેમ સરિતા તથા સાગરની કુદરતી પ્રક્રિયા છે એમ સ્ત્રી-પુરુષની પણ કુદરતી પ્રક્રિયા છે.

મિડ-ડે લોગો

ગઈ કાલે કહ્યું એમ, અભિન્ન થવા માટે એકબીજામાં સમાઈ જવું અનિવાર્ય છે. 
બે નદીઓ જ્યારે એકમેકમાં સમાઈ જાય ત્યારે એને સંગમ કહેવાય છે અને સંગમને આપણે તીર્થ માનીએ છીએ. તીર્થ અર્થાત્ પવિત્ર અને પુણ્યલક્ષી. પ્રેમથી મળવું એ સૌથી મોટું પુણ્યકાર્ય છે. વાત બે નદીઓની કરીએ છીએ, પણ બે નદીઓના પરસ્પરના મિલન કરતાં પણ સરિતા અને સાગરનું મિલન અત્યંત અદ્ભુત છે. સાગરમાં સરિતા સમાય છે, સમાઈ જવા માટે તો એ છેક હિમાલયથી દોટ મૂકે છે. સમાઈ ગયા પછી એ સાગરમય થઈ કૃતકૃત્ય થઈ જાય છે. સાગર પણ સરિતાનું સ્વાગત કરવા ઘુઘવાટ કરીને ભરતીનાં પ્રચંડ મોજાંઓના બાહુ દ્વારા દૂર-દૂર સુધી સામૈયું લઈ જાય છે. જેમ સરિતા તથા સાગરની કુદરતી પ્રક્રિયા છે એમ સ્ત્રી-પુરુષની પણ કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાંથી પ્રગટેલું સ્ત્રીનું સમર્પણ, અર્થાત્ પુરુષમાં-પતિમાં સમાઈ જવું અને આ સમર્પણભાવ જે દર્શાવે એ છે સમર્પિત સ્ત્રી.
વાતની શરૂઆતમાં આપણે પાંચ પ્રકારની માનસિકતા કે વ્યવહારુ જીવન જીવતી મહિલાની વાત કરી, જેમાં પહેલા સ્થાને છે સમર્પિત સ્ત્રી.
લગ્નસંસ્થા તો માત્ર સ્ત્રી-સમર્પણની બાહ્ય વ્યવસ્થા તથા બાહ્ય પ્રસિદ્ધિ છે જેના દ્વારા પોતાના માટે તથા સમાજના માટે સમર્પણનું ક્ષેત્ર નિશ્ચિત અને પ્રસિદ્ધ થઈ જાય. વરવું તથા સમર્પિત થવું એ પરસ્પરની પોષક પ્રક્રિયા છે. પોતાના અસ્તિત્વને પ્રભુમાં સમાવી દેનાર ભક્ત જેમ પ્રભુમય થઈ જાય છે એમ પતિમાં સમર્પિત થનાર સ્ત્રી પતિ સાથે અભિન્ન થઈને પતિમય બની જાય છે. સમર્પણભાવ અસ્તિત્વને ભુલાવવાનું અને સુખી કરવાનું શીખવે છે. પતિ અને પતિના પરિવારને સુખી કરનારી સ્ત્રી માત્ર યાદ નથી રહેતી, એવી સ્ત્રી આખા પરિવારમાં પૂજાય છે અને એ પૂજામાં શ્રદ્ધા હોય છે. ઘણી સ્ત્રીઓને તમે જુઓ તો એ સવારથી રસોડામાં હોય. બધા માટે જાતજાતનું બનાવ્યા કરતી હોય. નાનામાં નાનું બાળક પણ એ જોતું હોય અને એટલે જ તેને જ્યારે ભૂખ લાગે ત્યારે તે એ સ્ત્રી પાસે જ જાય. અન્નપૂર્ણા સમાન આ સ્ત્રીને જીવનમાં કોઈ દુખી કરી ન શકે, પણ એને માટે પરિવાર સાથે સમર્પિતભાવથી રહેવું પડે અને પરિવારને સમર્પણભાવ આપવો પડે. મનમાંથી હુંકાર કાઢે એના હૈયે સમર્પણભાવ આવે. સાસુ-સસરા અને પરિવારના અન્ય સભ્યોને ગણકાર્યા વિના પોતાને માટે કે પતિ માટે સારું-સારું બનાવી શકે એ સ્ત્રીની પાકકળામાં ધૂળ પડે.
એક પરિચિત ડૉક્ટરનાં આદર્શ પત્નીએ જે વાત કરી એ ખરેખર સાંભળવા, સમજવા અને જીવનમાં ઉતારવા જેવી છે. આવતી કાલે એ પ્રસંગ વિશે વાત કરીશું.

astrology columnists swami sachchidananda