હવા ગ્રહણ કરવાથી પાપ લાગે એવી લઘુતાગ્રંથિથી નહીં પીડાઓ

28 November, 2022 04:20 PM IST  |  Mumbai | Swami Satchidananda

પણ બૅક્ટેરિયા એટલા સૂક્ષ્મ હોય છે કે એનાથી બચવું કઠિન છે. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પર્યાવરણની દૃષ્ટિએ હવાની અશુદ્ધિ અલગ વસ્તુ છે. અમુક પ્રકારના કપડાની પટ્ટી કે માસ્ક પહેરવાથી થોડા પ્રમાણમાં હવાનાં દૂષણોથી બચી શકાય છે, પણ બૅક્ટેરિયા એટલા સૂક્ષ્મ હોય છે કે એનાથી બચવું કઠિન છે. 

ગયા વીકથી ચાલતી આ વાતને આટલી લાંબી એટલા માટે કરવી પડી કે હવે કોઈ આ સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવાણુઓની હિંસાને પાપ માને કે એથી બચવા સ્થૂળ ઉપાય કરે તો એ અવ્યાવહારિક થઈ જશે. જીવવા માટે પ્રત્યેક પ્રાણીએ વાયુ તો લેવો જ પડશે, વાયુ વિના તો જીવન જ શક્ય નથી. જો વાયુ લેવો અનિવાર્ય છે તો એમાં આવનારા સારા-નરસા જીવાણુઓ પણ સાથે આવવાના જ છે, એને રોકી શકાય જ નહીં. વળી, આ બધા જંતુઓ શરીરમાં જતાં મરી જ જાય છે એ માન્યતા પણ સાચી નથી. 

પ્રથમ તો જીવાણુઓની વૃદ્ધિ ગુણાંક પદ્ધતિથી થાય છે એટલે જોતજોતામાં એ અસંખ્ય, કહો કે કરોડો અને અબજોમાં ફેરવાઈ જાય છે. થૂંક, લાળ, કફ, રક્ત, માંસ, આહાર-વિષ્ટા બધેબધી જગ્યાએ અને દરેકેદરેક સ્થળે સૂક્ષ્મ જીવાણુઓના ઢગલેઢગલા બેઠા હોય છે. હિતકારી સારા જીવાણુઓ અંદરના સૈનિકો સાથે મૈત્રી કરીને શરીરને આરોગ્ય આપે છે અને ખરાબ જીવાણુઓ યુદ્ધમાં નષ્ટ થઈ જાય છે. આ કુદરતી વ્યવસ્થા છે. આ પ્રકારની હિંસા અનિવાર્ય છે, કલ્યાણકારી છે. એના વિના માણસ આરોગ્યપૂર્વક જીવી શકે જ નહીં. આ પ્રકારની હિંસામાં નથી તો પાપ થતું કે નથી પુણ્ય થતું. આ કુદરતસહજ પ્રક્રિયા છે. હા, બની શકે તો માણસ શુદ્ધ-ચોખ્ખી હવાવાળા ક્ષેત્રમાં રહે તો તેને હવામાંથી આરોગ્ય પ્રાપ્ત થશે. હવા ગ્રહણ કરવાથી ‘પાપ લાગે છે, પાપ લાગે છે’ એવી લઘુતાગ્રંથિથી પીડાવાની કોઈ જરૂર નથી.

એક બીજો પ્રશ્ન એ પણ થાય છે કે આ બૅક્ટેરિયામાં અલગ કોઈ આત્મતત્ત્વ નથી. કોઈ પૂર્વનાં કર્મોને કારણે એ આવા જીવાણુઓ થયા નથી, એમ પૂર્વેનાં કર્મોને ભોગવવા કે ભોગવાવા કોઈના શરીરમાં આવ્યા નથી. ડૉક્ટરોની દવાથી અબજોની સંખ્યામાં એમનો નાશ થાય છે, એનાથી કોઈ પાપ લાગતું નથી. આરોગ્ય માટે એમનો નાશ કરવો જરૂરી છે. જેને આરોગ્યની જરૂર ન હોય અને જેઓ આવા બૅક્ટેરિયાના નાશમાં પાપ માનતા હોય તેઓ ખુશીથી દવા લીધા વિના બીમાર રહી શકે છે, પણ જેને બીમારી ન જોઈતી હોય અને આરોગ્ય જોઈતું હોય તેમણે યોગ્ય જે-તે ઔષધ લેવાં જ રહ્યાં.

આ જ પ્રકારના જંતુઓ અને એની સાથે અહિંસાના ગેરવાજબી કહેવાય એવા સિદ્ધાંતોની વાતોને આપણે આવતી કાલે કન્ટિન્યુ કરીશું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology swami sachchidananda