મોક્ષની કોઈ શરત નથી, એ તમારા કર્મના આધારે જ મળે

27 September, 2022 05:19 PM IST  |  Mumbai | Swami Satchidananda

પ્રથમ પ્રશ્ન એ કે મોક્ષમાં ક્યારેય કોઈ શરત એવી નથી કે ગૃહત્યાગ કરો તો જ તમને મોક્ષ મળે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ભર્તૃહરિ માટે પિંગળા જીવનસર્વસ્વ હતી. તેઓ તેમના વાસ્તવિક રૂપને પચાવી કે સ્વીકારી ન શક્યા. તીવ્ર આઘાતમાં તેમણે રાજપાટ, ઘરબાર વગેરે બધું છોડી દીધું અને યોગીના રૂપમાં ભ્રમણ કરવા લાગ્યા. 

આ ભ્રમણકાળમાં તેમણે વૈરાગ્યશતક ગ્રંથ લખ્યો, જેમાં વાસનામૂર્તિ સ્ત્રીની ભારે નિંદા કરવામાં આવી છે.

ભર્તૃહરિની માનસિક સ્થિતિ એવી થઈ ગઈ હતી કે તેઓ ચાહે તો પણ ઘરમાં રહી શકે એમ નહોતા. આવી સ્થિતિમાં ગૃહત્યાગ થાય એને વૈરાગ્યથી થયેલો ગૃહત્યાગ કહેવાય, પણ બધા લોકોના જીવનમાં આવા આઘાત-પ્રત્યાઘાત થતા નથી. કદાચ નાની-મોટી ઘટનાઓ થાય તો પણ તેઓ આટલી હદે પ્રતિક્રિયા વ્યક્ત કરતા નથી. લડી-ઝઘડીને કે મારામારી કરીને અથવા એકબીજાનો ત્યાગ કરીને, કાઢી મૂકીને, અબોલા રહીને પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી દેતા હોય છે. બધા કાંઈ ગૃહત્યાગ કરતા નથી અને આવેશમાં કદાચ કોઈ ગૃહત્યાગ કરી બેસે તો પણ થોડા જ દિવસમાં આવેશ ઊતરી જતાં પાછો ઘરે આવી જાય છે. 

વાત જ્યાં હતી ત્યાં જ પાછી આવી જાય છે, પણ જે લોકો તીવ્ર આઘાતને સહન ન કરી શકવાથી વૈરાગ્યવાન થઈને નીકળી પડ્યા તેઓ સહાનુભૂતિને પાત્ર છે. સહાનુભૂતિ તો બધાની સાથે રાખવી જરૂરી છે. અંતે તો આ બધા પોતાના જ માણસોથી ઘાયલ થયેલા દરદી-જખમી માણસો છે, પણ જેનો ઘા ઘણો ઊંડો છે અને રુઝાવાનું નામ નથી લેતો એવા દૂઝતા ઘાવાળા ઘાયલ માણસ પ્રત્યે વધુમાં વધુ સહાનુભૂતિ રાખવી જરૂરી છે.

જેમને સકારણ વૈરાગ્ય નથી થયો, પણ અગાઉ વર્ણવી એવી કોઈ ખાસ પરિસ્થિતિવશ ગૃહત્યાગ કરવો પડ્યો છે તેઓ પણ સહાનુભૂતિને પાત્ર છે. અંતે તો તે પણ કોઈ ને કોઈ રીતે દુખિયારા તો છે જ. એટલું યાદ રહે કે કોઈ પણ કારણસર માણસે ગૃહત્યાગ કર્યો હોય, અંતે તો તે કોઈ ને કોઈ ગૃહને કોઈ પણ રીતે શરણે જતો જ હોય છે, કારણ કે ઘર વિના જીવવું નિતાંત કઠિન હોય છે, પણ આપણે જેનો વિચાર કરવાનો છે એ માત્ર મોક્ષ માટે જ ગૃહત્યાગને અનિવાર્ય માને છે અને કશા જ આઘાત વિના મોક્ષ મેળવવા માટે ગૃહત્યાગ કરે છે તેમનો વિચાર કરવાનો છે. પ્રથમ પ્રશ્ન એ કે મોક્ષમાં ક્યારેય કોઈ શરત એવી નથી કે ગૃહત્યાગ કરો તો જ તમને મોક્ષ મળે. જરા પણ એવો નિયમ નથી. જે કોઈએ મોક્ષ મેળવ્યો છે એ પૈકીના ૮૦-૯૦ ટકાના મોક્ષને તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે તેમણે ગૃહત્યાગ કે સંસારની જવાબદારીઓનો ત્યાગ નથી કર્યો.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists swami sachchidananda astrology life and style