ઈગોને કારણે નમતું ન જોખવાના સ્વભાવને લીધે દામ્પત્ય-જીવન બગડતું હોય છે

23 April, 2024 07:50 AM IST  |  Mumbai | Swami Satchidananda

સંયમ સાથેનો પ્રેમ અને સંયમ સાથેનો સંબંધ લાગણીમાં ઘનિષ્ઠતા લાવવાનું કામ કરે છે.

પ્રતીકાત્મક તસવીર

સંન્યાસીઓ ત્યાગની વાતો શું કામ આટલીબધી કરે છે એ મને ક્યારેય સમજાતું નથી. મોટા ભાગના ગ્રંથોના અધ્યયન પછી કહું છું કે સંસારી સંબંધોનો કે પછી સ્ત્રીના ત્યાગની વાત કોઈમાં કરવામાં નથી આવી. ગ્રંથોના આધારે જ કહું છું કે પતિએ પત્નીનો કે પત્નીએ પતિનો નહીં પણ તેમના સંબંધોમાં આવનારાં દૂષણોનો ત્યાગ જ ખરો ત્યાગ છે. જે દૂષણોથી પતિ-પત્નીનું જીવન કડવું ઝેર થઈ જાય છે એનો ત્યાગ થાય એ અત્યંત આવશ્યક છે. 

આ દૂષણોમાં એક છે બેવફાઈ અથવા તો વ્યભિચાર. બન્નેએ એકમેકમાં સંતોષ માનીને પૂરેપૂરી વફાદારી રાખવી જરૂરી છે. વફાદારીનો ભંગ કરાવનારા માણસોનો ત્યાગ કરવો જરૂરી છે. બીજા નંબરે આવે છે નીરસતા, શુષ્કતા. બન્નેને પરસ્પર પ્રેમ જ ન હોય તો નીરસતા કે શુષ્કતા આવી જાય, શુષ્કતાથી જીવન બોજરૂપ બની જાય એટલે બન્નેએ પરસ્પર ભરપૂર પ્રેમ કરવો. હજાર પ્રયત્નો પછી પણ જો પ્રેમ ન જ થઈ શકતો હોય તો બન્નેએ હસતાં-હસતાં, રાજીખુશીથી છૂટાં થવું. પશ્ચિમના દેશોમાં આ રીતે છૂટા પડનારાઓના મનમાં કડવાશ હોતી નથી અને આપણે ત્યાં કડવાશ સિવાય કશું હોતું નથી. ત્રીજા નંબરે આવે છે અતિ લોલુપતા. બન્ને વચ્ચે વાસનાનું એટલુંબધું આકર્ષણ હોય કે જીવનનાં કર્તવ્યો જ ન કરી શકતાં હોય કે જવાબદારીઓ નિભાવી ન શકતાં હોય તો એ દૂષણ છે. બન્ને વચ્ચે આકર્ષણ તો હોવું જ જોઈએ, પણ એ એટલુંબધું ન હોવું જોઈએ કે એને કારણે નોકરી, ધંધો કે સ્વજનો પ્રત્યેની જવાબદારીઓ પણ અટકી જાય. વાસનાના અતિરેકને સંયમથી નિયંત્રિત કરી શકાય. સંયમ ભજન-સત્સંગ જેવાં કાર્યોથી આવતો હોય છે. સંયમ સાથેનો પ્રેમ અને સંયમ સાથેનો સંબંધ લાગણીમાં ઘનિષ્ઠતા લાવવાનું કામ કરે છે, માટે સંયમ જરૂરી છે અને સંયમ થકી સંસાર આગળ વધતો રહે એ પણ અનિવાર્ય છે.

એ પછીના ક્રમે આવે છે સંબંધોમાં અભિમાનને ક્યારેય આવવા ન દો. અભિમાન અથવા ઈગોને કારણે કે પછી નમતું ન જોખવાના સ્વભાવને કારણે દામ્પત્ય-જીવન બગડતું હોય છે. એનો ત્યાગ કરવો અનિવાર્ય છે. પોતાના માણસ પાસે નમતું જોખવું કે સમાધાનવૃત્તિ રાખવી એ સદ્ગુણ છે. ખાસ કરીને સ્ત્રીઓએ તો ખાસ આ ગુણ કેળવવો જોઈએ. અહીં કોઈ પક્ષપાત નથી, પણ સ્ત્રીઓના સ્વભાવમાં જક્કી વલણ સહજ રીતે જોવા મળ્યું છે એટલે સૂચન કર્યું છે. દામ્પત્ય-જીવનમાં સ્વભાવગત દૂષણો પણ છે. જો એનાથી પતિ-પત્ની મુક્ત થાય તો ઘરમાં જ મોક્ષનું સુખ ઊતરી આવે. બને ત્યાં સુધી પતિ-પત્નીએ કદી પણ છૂટાં ન પડવું જોઈએ. એકમેકને ભરપૂર પ્રેમ કરતાં-કરતાં જ જીવનનો અંત આણવો જોઈએ. પ્રેમ એ કોઈ પાપ નથી. પ્રેમ એ જ પરમાત્માનું પ્રગટ રૂપ છે. 

life and style astrology columnists swami sachchidananda sex and relationships