સત્ય પણ કલ્યાણકારી હોય તો જ પ્રગટાવવું હિતકર કહેવાય

26 March, 2024 07:37 AM IST  |  Mumbai | Swami Satchidananda

જ્યારે એવી માનસિકતા વધારે સારી રીતે પ્રજ્વળે છે ત્યારે કર્તવ્ય સાચી રીતે નિભાવી શકાય છે.

પ્રતીકાત્મક તસવીર

પરિણામની પરવા કર્યા વિના સત્ય બોલનારે કોઈ ને કોઈ બલિદાન આપવું જ પડતું હોય છે. લોકોની રુચિ તથા ગમાઅણગમાનું ધ્યાન રાખીને જન-મન-રંજન માટે બોલનારને ઘી-કેળાં મળતાં હોય છે, પણ આવા માણસો સંન્યાસી ન થઈ શકે. સંન્યાસીનાં કપડાં પહેરીને પણ ‘ખમ્મા-બાપુ’, ‘ખમ્મા-બાપુ’ કહેનારા ને કરનારા ભાટ-ચારણોનું કામ કરતા હોય છે. એવા લોકો પાસેથી તમે સાચી સલાહ કે માર્ગદર્શનની અપેક્ષા ન રાખી શકો. કહ્યું એમ લોકોની રુચિ તથા ગમાઅણગમાનું ધ્યાન રાખીને જન-મન-રંજન માટે બોલનારા સંન્યાસી નથી થઈ શકતા તો એવી જ રીતે એવું બોલનારા ક્યારેય તટસ્થ સંસારી પણ નથી રહી શકતા. તટસ્થ રહેવા માટે જે રીતે ત્રાહિતના ભાવને મહત્ત્વ નથી આપવાનું હોતું એવી જ રીતે તટસ્થ રહેવા માટે અંગત રાગદ્વેષને પણ મહત્ત્વ આપવાનું નથી હોતું. જે એ કરી શકે છે એ જ તટસ્થ રીતે માર્ગદર્શક બની શકે છે.

જેમ સંબંધો બાંધવા, વધારવા તથા ખરી-ખોટી રીતે એને પોષવા એ એક સાચા ન્યાયાધીશ માટે પણ હાનિકારક હોય છે એમ જ એક સાચા સંન્યાસી માટે પણ હાનિકારક હોય છે. બન્ને જો આવા સંબંધોમાં લલચાઈ જાય તો પોતાનું કર્તવ્ય સારી રીતે ન બજાવી શકે. વાત જ્યારે કર્તવ્યની હોય ત્યારે સંબંધો બાંધવા અને એને વધારવાનું મૂલ્ય નથી હોતું, પણ એને બદલે સંબંધોને સાચો માર્ગ આપવાની માન​સિકતા શિરમોર રહેવી જોઈએ. 

જ્યારે એવી માનસિકતા વધારે સારી રીતે પ્રજ્વળે છે ત્યારે કર્તવ્ય સાચી રીતે નિભાવી શકાય છે. ભગવદ્ગીતામાં અર્જુનના વિષાદને શાંત કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ બહુ સરસ વાત કહી છે. શ્રીકૃષ્ણએ કહ્યું છે કે ઘણી વાતો જાણવા છતાં પણ ઢાંકી દેવામાં કે ભૂલી જવામાં જ કલ્યાણ છે. સત્ય પણ કલ્યાણકારી હોય તો જ પ્રગટાવવું હિતકર છે. જે સત્યના પ્રગટ થવાથી કોઈનું જીવન રહેંસાઈ જતું હોય એવા સત્યને પ્રગટ કરવું એ વિવેકનું પગલું ન કહેવાય. સંસારીની જીવનપ્રક્રિયા એટલી જટિલ છે કે પ્રત્યેક પગલું પરિસ્થિતિનો વિવેક કરીને ભરાય તો જ કલ્યાણ થાય. ક્રોધની બાબતમાં પણ વિવેકની જરૂર ખરી જ. વિવેક હોય તો ક્રોધ પણ કલ્યાણકારી થઈ જાય, પણ જો વિવેક ભૂલ્યા તો અકલ્યાણનો માર્ગ દરેક દિશાથી દેખાવાનો શરૂ થઈ જાય. અહીં એ પણ કહેવાનું કે શ્રદ્ધાને પણ વિવેકની આંખો તો હોવી જ જોઈએ. જો આવી આંખ ન હોય તો શ્રદ્ધા અંધશ્રદ્ધા બની જાય છે અને અંધશ્રદ્ધાથી વધારે હાનિકારક આ જગતમાં બીજું કંઈ નથી.

columnists life and style astrology