કરોડો રૂપિયા કરતાં પણ જૂઠાણાંનો ભાર વસમો

27 July, 2021 06:30 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

અમેરિકામાં સ્થાયી થયાને ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો, જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર આવ્યું. તેમણે મારી સામે કેસ કર્યો. મેં વકીલ તો રોક્યો, પણ તેણે મને સલાહ આપી કે હું જે સલાહ આપું એ રીતે જ વર્તજો

મિડ-ડે લોગો

સાયન ઉપાશ્રયનું સ્થળ છે. જેઠ મહિનાની સખત ગરમીનો સમય અને અચાનક એક યુવક તેની પત્ની સાથે આવે છે. ચહેરા પરથી યુવકને ક્યાંક જોયો હોય એવું યાદ ન આવ્યું, પણ તેની સાથે આવેલો બીજો યુવક પરિચિત હતો. વંદન કરીને બન્ને બેઠાં.
‘સાહેબ, આ મારો મિત્ર છે. નવેક વર્ષથી અમેરિકામાં છે. હમણાં આવ્યો છે. આપનો પરિચિત છે.’
‘મારો પરિચિત?’
‘હા.’ મારી જિજ્ઞાસાને ઓળખીને પેલા યુવકે જવાબ આપ્યો, ‘અમેરિકા જવાનું બન્યું એ પહેલાં આપનાં થોડાં પ્રવચનો સાંભળ્યાં હતાં, અમેરિકામાં પણ આપનાં પુસ્તકો વાંચું છું. આ આપની સાથેનો મારો પરિચય. અહીં આવ્યો ને સાંભળ્યું કે આપ સાયનમાં જ છો એટલે વંદન કરવા આવ્યો.’
‘અમેરિકામાં ધર્મારાધના?’
‘ખાસ કોઈ નહીં, છતાં સમ્યક્ સાહિત્યના વાંચને અને સાધર્મિકોના સહવાસે નાનકડી-નાનકડી ધર્મસાધનાઓ ચાલુ રાખી છે. બાકી તો ડૉલર પાછળ દોડતા રહેવાનું. ડૉલર એ જીવન અને ડૉલર એ પ્રાણ.’
વાત આગળ વધે એ પહેલાં તેની સાથે આવેલા મિત્રએ કહ્યું,
‘સાહેબ, એની સત્ત્વશીલતાનો પ્રસંગ એના જ મોઢે સાંભળવા જેવો છે.’ 
આગ્રહ કર્યો એટલે તે અમેરિકન યુવકે વાત કરી.
‘અમેરિકામાં સ્થાયી થયાને ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો, જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર આવ્યું. તેમણે મારી સામે કેસ કર્યો. મેં વકીલ તો રોક્યો, પણ તેણે મને સલાહ આપી કે હું જે સલાહ આપું એ રીતે જ વર્તજો. મેં તેમને સ્પષ્ટતા સાથે કહ્યું કે તમારે મારો કેસ લડવાનો છે, જીતવાનો જ છે એવું મેં કહ્યું નથી. બાકી કોર્ટમાં હું મારા ગુરુભગવંત દ્વારા મળેલા સત્યનો જ સ્વીકાર કરીશ, સત્ય સિવાય કંઈ જ નહીં બોલું.’
યુવકે વાત આગળ વધારતાં મારી 
સામે જોયું.
‘મહારાજસાહેબ, મેં તો વકીલને સ્પષ્ટ કહી દીધું, પણ મારી પત્નીએ મને ખાસ કહ્યું કે પૈસા નહીં રહે તો આપણે પાછા ભારત ચાલ્યાં જઈશું, પણ કોર્ટમાં તમે જૂઠું તો ન જ બોલશો.’
‘પછી?’
‘કોર્ટમાં મેં મારી ભૂલ કબૂલી લીધી. આપણા રૂપિયાના હિસાબે પોણાબે કરોડ રૂપિયાનો મને દંડ થયો.’
‘પોણાબે કરોડ!!!’
‘હા, પણ મહારાજસાહેબ, પૈસા ખાતર આત્મા ન વેચ્યો એનો મને જે આનંદ આવ્યો છે એ આનંદની સામે પોણાબે કરોડ ચૂકવવા પડ્યાની કોઈ વેદના મને થઈ નથી. આખરે, જૂઠું બોલવાના પાપથી તો બચી ગયો!’ 
યુવકના શબ્દોમાં છલકાઈ રહેલી ખુમારીએ મન ખુશીઓથી ભરી દીધું.

astrology columnists