નિરાધાર પુરુષને ઓછી, પણ સ્ત્રીને અનેક ચિંતા હોય છે

21 November, 2021 02:40 PM IST  |  Mumbai | Swami Sachidanand

માતા-પિતા કે ભાઈ કાં હોતાં નથી, કાં તો નથી હોવા બરાબરનાં અને કાં તો છે, પણ નૂર વિનાનાં છે. તેઓ પોતે જ પોતાનું ગાડું નથી ખેંચી શકતાં એટલે પુત્રી કે બહેનને આશ્રય નથી આપી શકતાં. 

પ્રતીકાત્મક તસવીર

સમર્પિત, આશ્રિત અને સ્વાશ્રિત પછી આવે છે નિરાશ્રિત સ્ત્રી. આ સ્ત્રીનો ચોથો પ્રકાર છે. એવી કેટલીયે સ્ત્રીઓ હશે જેમને ઊંચે આભ અને નીચે ધરતી સિવાય કોઈનો પણ આશ્રય કે આધાર નથી હોતો. તે બિચારી સમર્પિત થઈને પતિપ્રિય ન થઈ શકી. પોતાના, સમાજના કે પતિના વાંકે તેણે પતિનું ઘર છોડવું પડ્યું અથવા વિધવા થઈને પતિ ગુમાવ્યો, પણ સાથોસાથ ઘરનો આશ્રય પણ ગુમાવ્યો. આ પ્રકારની સ્ત્રીને પિયરમાં પણ કોઈ આશ્રય નથી હોતો. માતા-પિતા કે ભાઈ કાં હોતાં નથી, કાં તો નથી હોવા બરાબરનાં અને કાં તો છે, પણ નૂર વિનાનાં છે. તેઓ પોતે જ પોતાનું ગાડું નથી ખેંચી શકતાં એટલે પુત્રી કે બહેનને આશ્રય નથી આપી શકતાં. 
સમાજના રિવાજોને કારણે આવી સ્ત્રી પુનર્લગ્ન કરી શકતી નથી અને કાં તો સંતાનો છે એટલે તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પુનર્લગ્ન વિશે વિચારી નથી શકતી. ત્રીજું પણ કારણ છે, તેની પોતાની શારીરિક અને સ્વભાવગત સ્થિતિને કારણે કોઈ તેને સ્વીકારવા તૈયાર નથી અથવા તો એક વાર સખત દાઝેલી, હવે વારંવાર દાઝવાના ભયથી પોતે જ લગ્નવેદીની જ્વાળાઓથી દૂર ભાગે છે. સૌ સૌનાં પોતપોતાનાં અલગ-અલગ કારણો હોય છે. વૃદ્ધાવસ્થામાં સંતાન વિના અથવા છતા સંતાને નિરાશ્રિત થનારી પણ અસંખ્ય સ્ત્રીઓ હોય જ છે. 
કોઈ પણ કારણસર પુરુષ જ્યારે નિરાધાર બને છે ત્યારે તેને માત્ર પેટ ભરવાનો તથા પડ્યા રહેવાનો જ પ્રશ્ન હોય છે. પેટ ભરવા માટે આ દેશમાં અન્નક્ષેત્રો તથા ભિક્ષાવૃત્તિનું સરળ સાધન છે. રાત ટૂંકી કરવા ફુટપાથ, રેલવે-પ્લૅટફૉર્મ, ધર્મશાળાઓ જેવાં અનેક સાધનો છે એટલે કોઈ પણ નિરાધાર પુરુષ થોડાં કષ્ટ સાથે જીવન જીવી શકે છે, પણ જ્યારે કોઈ સ્ત્રી નિરાધાર બને છે ત્યારે તેને માટે સૌથી મોટો પ્રશ્ન સ્વરક્ષાનો છે. જો તેનામાં થોડી પણ ચમક હોય તો લુખ્ખાઓ અને બીજાં તત્ત્વો તેને પોતાને આધીન થવા ફરજ પાડતાં હોય છે. આધાર વિનાની નિરાધાર સ્ત્રી આવાં અનિષ્ટો સામે શારીરિક તથા માનસિક એમ બન્ને રીતે લાંબો સમય ટક્કર લઈ શકતી નથી અને એક-બે વાર પરાજિત થયા પછી પરાજય તેનું જીવન બની જાય છે. 
કોઈ વાર વૃંદાવન કે કાશીની યાત્રા કરજો અને જોજો કે ત્યાં સેંકડો બંગાળી વિધવાઓ લગભગ નિરાધાર સ્થિતિમાં જીવન પસાર કરી રહી છે. મોટા ભાગે ઊંચા વર્ગની આ સ્ત્રીઓ વિધવા થઈને જીવન માટેનો કોઈ આધાર ન રહેતાં અહીં આવે છે. ભજનાશ્રમ જેવી ભક્તિસંસ્થા તેમની પાસેથી શ્રીકૃષ્ણકીર્તન કરાવડાવી થોડી સહાય આપે છે. આ થોડી સહાય તથા બાકીની ભિક્ષાવૃત્તિથી જીવન ખેંચવાનો તેઓ પ્રયત્ન કરે છે.

columnists astrology swami sachchidananda