દયાની આવરદા લાંબી હોતી નથી, કરુણા કાયમી હોય છે

29 July, 2021 08:25 AM IST  |  Mumbai | Morari Bapu

મહાનગરોમાં ટ્રાફિક-સિગ્નલ પર મહેમાનોની હાજરીમાં ભિખારીને પૈસા આપવા પડે તો એ મજબૂરી છે, કરુણા નથી.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આશિષ રાજે

દયા અને કરુણામાં ફેર છે. તમે બજારમાં જઈ રહ્યા હો અને કોઈ પડી ગયું હોય, બેભાન થઈ ગયું હોય અને તમને દયા આવી જાય, પણ માત્ર બે મિનિટ પૂરતી; એની આવરદા લાંબી નથી હોતી. આ બે મિનિટ પૂરતી દયા દર્શાવી તમે ત્યાંથી તમારા કામે જતા રહો છો. કહેવાનો મતલબ એટલો કે દયા ત્યાં સુધી સીમિત રહે છે, પરંતુ એ જ દયા જ્યારે કાર્યરત થઈ જાય અને આગળ વધે ત્યારે એ કરુણા બની જાય છે. જો તમે રસ્તામાં પડેલી એ બેભાન થઈ ગયેલી વ્યક્તિને તમારા ઘરે લઈ જાઓ, તેની સારવાર કરો, તમારું કામ થોડી વાર અટકી જાય તો એની ચિંતા કર્યા વિના માણસાઈના ધર્મને આગળ ધપાવો તો એ દયા, દયા ન રહેતાં કરુણા બને છે. દયા કદાચ દિલમાં રહે છે, જ્યારે કરુણા આખી કાયામાં નિવાસ કરે છે.
કરુણા દુર્ગમ છે, દયા સુગમ છે. દયા તો તમે દેખાદેખીમાં પણ દાખવો છો. મહાનગરોમાં ટ્રાફિક-સિગ્નલ પર મહેમાનોની હાજરીમાં ભિખારીને પૈસા આપવા પડે તો એ મજબૂરી છે, કરુણા નથી. કરુણા કઠિન છે. દયારૂપી દાન પ્રતિષ્ઠા માટે પણ થઈ શકે છે. દાન ક્યારેક બદલો ઇચ્છે છે, કરુણા બદલો નથી ઇચ્છતી. બદલાની અપેક્ષા કરુણાનો દોષ છે, કરુણાનું અપમાન છે એટલે મારી વ્યાસપીઠ કહે છે કે કરુણા દુર્ગમ છે.
તમે પિક્ચર જોવા જાઓ અને પડદા પર એવાં દૃશ્યો આવી જાય જેમાં ગરીબી અને ભૂખમરો દેખાતો હોય તો થિયેટરમાં બેઠેલા લોકોની આંખમાં આંસુ આવી જાય છે, દયા પ્રગટ થઈ જાય છે; પણ શો પૂરો થઈ જાય, તમે ઘરે જાઓ, ત્યાં ઝૂંપડપટ્ટીની આસપાસ કોઈ ભૂખ્યું બેઠું હોય અને તમે તેને ‘જાજા... આઘો જા’ કહીને હાંકી કાઢો તો તમારામાં દયા ભલે હોય, પરંતુ કરુણા નથી. કરુણા હોત તો સિનેમાની સ્ક્રીનની વાત પર સાવધાન રહ્યા હોત અને અહીં ગરીબના છોકરાને જોઈને રડી પડ્યા હોત.
ગાંધીજીમાં દયા કરતાં કરુણા વધારે હતી. એ જ કારણે ગાયનો વાછરડો કષ્ટ ભોગવતો હતો એટલે એને મારી નાખવાની વાત કહી હતી.
દયા પરિસ્થિતિજન્ય છે. કોઈ પ્રસંગ પર આધારિત છે. કરુણા સ્વભાવગત લોહીમાં હોય છે. કુળમાં અને જીવ સાથે જોડાયેલી હોય છે. ક્યારેક કરુણા કુળમાં વારસાગત પણ ઊતરી આવે છે. દયા સમાન કોઈ ધર્મ નથી. બહુ જ મોટો ધર્મ છે દયા, પણ દયા કરનારાઓ કૃપા કરીને શરૂઆતથી ભલે દયા કરો, પણ પછી કરુણા કરવાની. 

morari bapu astrology columnists