જે પ્રેમમાં એકધારી વૃદ્ધિ થાય એ જ પ્રેમ સ્નેહ સ્વરૂપ છે

20 April, 2022 08:49 PM IST  |  Mumbai | Morari Bapu

પ્રકાશ થયો છે, પણ એ પ્રકાશમાં ચિંતાનો થોડો દાહકભાવ પણ આવી જાય છે અને એ બન્નેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પણ નિશ્ચિત છે, કારણ કે એ સ્નેહ છે.

પ્રતીકાત્મક તસવીર

નિર્ભર પ્રેમમાં વૃદ્ધિ કરવા માટે આપણા મહાપુરુષોએ વર્ણવેલી સાત બાબતની આપણે વાત કરતા હતા, જેમાં સૌથી પહેલા ક્રમે આવે છે જાત, જેની ચર્ચા આપણે કરી. એ પછીના ક્રમે આવે છે સ્નેહ. 
પરમાત્મા સાથે આપણી જે પ્રીત છે, એ જે ગાઢ પ્રેમ છે એ પ્રેમને કારણે હૃદય જ્યારે તરલ થઈ જાય, શરીર પુલકિત થવા લાગે, આંખમાં આંસુ આવવા લાગે તો એ હૃદયમાં વહેતો પ્રેમ છે. જે પ્રેમમાં વૃદ્ધિ પામતા જતા પ્રેમનું સ્વરૂપ હોય એ પહેલા સ્થાન પર છે. સતત વૃદ્ધિ થતા પ્રેમને સંતવાણીમાં સ્નેહ તરીકે ઓળખવામાં આવ્યો છે, જેની ચર્ચા આપણે વારંવાર કરી છે કે જે પ્રેમ પ્રવાહિત થયો, પીગળી ગયો, પ્રવાહ બની ગયો અને સૌકોઈને ભીંજવવાનું કામ કરતો રહ્યો એ સ્નેહ છે. જેમ કે તમે ઘી પીગળાવી એ ઘી તમે એક દીપકમાં ભર્યું, વાટ મૂકીને પછી એને સળગાવી. આ પીગળેલા ઘીને કારણે બે વસ્તુ પ્રગટ થાય છે; એક, પ્રકાશ પ્રગટે છે અને બીજું, થોડું દાહક તત્ત્વ પણ પ્રગટ થાય છે. જે પોતાનામાંથી પ્રગટ કરે એ પ્રેમ સ્નેહ છે અને એટલે જ માતા અને સંતાન વચ્ચેના પ્રેમને સ્નેહ તરીકે ઓળખવામાં આવ્યો છે. એમાં વૃદ્ધિ જ હોય, સતત વૃદ્ધિ અને એકધારી વૃદ્ધિ. ક્યારેય ઘટાડો જોવા મળે નહીં.
વ્યક્તિનો પ્રેમભાવ જ્યારે ઉત્તરોત્તર વધતો-વધતો સ્નેહમાં બદલાઈ જાય છે ત્યારે એમાં પણ આ બે વાત જોવા મળે છે. સ્નેહનું અજવાળું આવી જાય અને થોડું દાહક તત્ત્વ પણ એ પ્રેમમાં આવી જાય છે. આ સ્નેહ થોડા ભીતરને સળગાવશે. એ સ્નેહ થોડો દૂર થશે તો ક્યાંય મન નહીં લાગે. જીવ બળશે, પછી એ સંતાન હોય કે જેના પ્રત્યે સ્નેહ વહે છે એ વ્યક્તિ હોય. સ્નેહ હોય એવી વ્યક્તિને ક્યાંય ઈજા થશે તો તમારા જીવને કંઈનું કંઈ થઈ જશે, તમે હાંફળાફાંફળા થઈ જશો. પ્રકાશ થયો છે, પણ એ પ્રકાશમાં ચિંતાનો થોડો દાહકભાવ પણ આવી જાય છે અને એ બન્નેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પણ નિશ્ચિત છે, કારણ કે એ સ્નેહ છે.
એ પછીના સ્થાને માન આવે છે. 
એ પ્રવાહિત પ્રેમ જેમાં તેજ પણ આવી ગયું અને થોડું દાહક તત્ત્વ પણ આવી ગયું એ જ પ્રેમ અને જ્યારે એ પ્રવાહ આપોઆપ વહેશે તો એ સીધો નહીં વહે, એ વાંકોચૂંકો થતો સરિતાની જેમ આગળ વધશે અને વહેશે. પોતાના પ્રભુને ખૂબ પ્રસન્ન કરવા માટે પોતાના પ્રેમને કોઈ-કોઈ વાર દબાવીને વ્યક્તિ આડી ચાલ ચાલે છે, એને માન કહે છે. આ માનની વાત આપણે કરીશું આવતી કાલે.

columnists astrology Morari Bapu