10 June, 2026 01:29 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહને થોડા સમય પહેલાં કહેલું કે બાળપણમાં તેને શક્તિમાન અને શક્તિ કપૂર જેવાં નામોથી ચીડવવામાં આવતી હતી ત્યારે થતું કે મારું નામ કેમ આવું પાડ્યું? જોકે શક્તિનો અર્થ જ્યારે સમજાયો ત્યારે તેને પોતાનું નામ ગમવા લાગ્યું હતું. એટલે જ કહેવાય છે કે `નામ મેં બહોત કુછ રખા હૈ`
હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારમાંથી નામકરણ સંસ્કારને પણ મહત્ત્વનું નામ આપવામાં આવ્યું છે. એવું મનાય છે કે નામ પોતાનામાં ધ્વનિ, ઊર્જા, અર્થ, લાગણી અને વાઇબ્રેશન લઈને ચાલે છે. એટલે જ્યારે વારંવાર એનો ઉચ્ચાર થાય છે ત્યારે તેનો પ્રભાવ એક વ્યક્તિ પર અનેક રીતે પડતો હોય છે.
થોડા સમય પહેલાં ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહને કહ્યું હતું, ‘બાળપણમાં મને પોતાનું નામ બિલકુલ ગમતું નહોતું. લોકો મને શક્તિમાન અને શક્તિ કપૂર કહીને ચીડવતા હતા. મને હંમેશાં વિચાર આવતો કે મારાં માતા-પિતાએ મારું નામ શક્તિ કેમ રાખ્યું હશે, કારણ કે મોટા ભાગના લોકો આ નામને પુરુષ સાથે જોડે છે. ત્યાર પછી જ્યારે હું દસમા અને અગિયારમા ધોરણમાં આવી ત્યારે મારા પ્રોફેસરે કહ્યું કે તને અંદાજ પણ નથી કે આ નામ કેટલું શક્તિશાળી છે. આનો અર્થ દૈવી ઊર્જા થાય છે. એ પહેલી વાર હતું જ્યારે મેં મારા નામને એક અલગ દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું.’ નામ એ માતા-પિતા દ્વારા બાળકને આપવામાં આવતી સૌથી પહેલી ભેટોમાંની એક છે. મોટા ભાગના લોકો એવું વિચારે છે કે નામનો ઉપયોગ ફક્ત ઓળખ માટે જ થાય છે. તે સ્કૂલનાં ફૉર્મ્સ, સર્ટિફિકેટ્સ, પાસપોર્ટ્સ અને ઑફિશિયલ ડૉક્યુમેન્ટ્સ પર દેખાય છે, પરંતુ ભારતીય પરંપરામાં નામ એ ફક્ત લેબલ કરતાં પણ ઘણું વધારે છે. આજે આપણે સાઉન્ડ હીલિંગ ઍન્ડ ટ્યુનિંગ ફોર્ક એક્સપર્ટ, ન્યુમરોલૉજિસ્ટ અને ચૈતાલી હીલિંગ હબ હૉલિસ્ટિક વેલનેસ સેન્ટરનાં ફાઉન્ડર ચૈતાલી પારેખ પાસેથી નામનું મહત્ત્વ તેમના જ શબ્દોમાં જાણીએ.
નામ અને ધ્વનિ
એવું માનવામાં આવે છે કે નામ પોતાનામાં ધ્વનિ, ઊર્જા, અર્થ, લાગણી અને વાઇબ્રેશન લઈને ચાલે છે. જ્યારે પણ કોઈ નામ બોલવામાં આવે છે ત્યારે એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. એ ધ્વનિ વ્યક્તિના જીવનમાં માતા-પિતા, શિક્ષકો, મિત્રો, પરિવારના સભ્યો અને સમાજ દ્વારા હજારો લાખો વખત રિપીટ થાય છે. ધીમે ધીમે આ નામ વ્યક્તિના માઇન્ડ, કૉન્ફિડન્સ, ઇમોશન્સ અને સેલ્ફ ઇમેજ સાથે જોડાઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો નામ એક એવો ધ્વનિ બની જાય છે જે વ્યક્તિની સાથે આજીવન તેની પડખે ચાલે છે. આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનમાં એક સુંદર વિચાર છે, જેને નાદ બ્રહ્મ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે ધ્વનિ પોતે જ એક દૈવી ઊર્જા છે. આ જ કારણે આપણાં શાસ્ત્રોમાં મંત્રોને આટલા શક્તિશાળી માનવામાં આવ્યા છે. કોઈ પણ મંત્ર ત્યારે જ અદ્ભુત કામ કરે છે જ્યારે તેને પૂરી શ્રદ્ધા, લય અને ચોક્કસ હેતુ સાથે વારંવાર બોલવામાં આવે. એવી જ રીતે વ્યક્તિનું નામ પણ તેના આખા જીવન દરમ્યાન વારંવાર બોલાતું રહે છે. તેથી જ ઘણી આધ્યાત્મિક પરંપરાઓ માને છે કે વ્યક્તિનું નામ તેની ઊર્જા અને વ્યક્તિત્વને પ્રભાવિત કરી શકે છે.
ધ્વનિ અને સ્વર
સ્વર વિજ્ઞાન, અંકશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના દૃષ્ટિકોણથી જોઈએ તો દરેક ધ્વનિનો પોતાનો એક વિશિષ્ટ ગુણ હોય છે. કેટલાક ધ્વનિ ખૂબ સૉફ્ટ અને પીસફુલ લાગે છે. કેટલાક ધ્વનિ શાર્પ અને ઍક્ટિવ હોય છે. કેટલાક ધ્વનિ ડીપ અને પાવરફુલ હોય છે. ઉદાહરણ તરીકે મ, ન, લ, સ અને ર જેવા ધ્વનિ સૌમ્ય અને મનને શાંત કરનારા લાગે છે. આવા ધ્વનિ ધરાવતાં નામો દયાળુ સ્વભાવ, ગરિમા, હૂંફ અને ભાવનાત્મક સંતુલનનો અહેસાસ કરાવી શકે છે. બીજી બાજુ પ્ર, ક્ર, ત્ર, ધ, શ, ક અને ટ જેવા ધ્વનિ વધુ મજબૂત અને તીક્ષ્ણ લાગે છે. આ ધ્વનિ સાહસ, નેતૃત્વ, સક્રિયતા અને મહત્ત્વકાંક્ષાની ભાવના આપી શકે છે. આવાં નામો એક નીડર અને પ્રભાવશાળી છાપ ઊભી કરે છે. આનો અર્થ એવો બિલકુલ નથી કે કોઈ એક પ્રકારનો ધ્વનિ સારો અને બીજો ખરાબ. દરેક ધ્વનિનો પોતાનો એક ચોક્કસ હેતુ હોય છે. સૌથી મહત્ત્વનું એ છે કે શું એ ધ્વનિ તે વ્યક્તિને અનુકૂળ આવે છે કે નહીં. નામના સ્વર પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વ્યંજન ભલે નામને સ્ટ્રક્ચર આપતા હોય, પરંતુ સ્વર નામને પ્રાણ અને પ્રવાહ આપે છે. ઉદાહરણ તરીકે ‘આ’નો ધ્વનિ ખુલ્લો, હૂંફાળો અને સંતુલિત લાગે છે. ‘ઈ’નો ધ્વનિ તીક્ષ્ણ, કેન્દ્રિત અને ઝડપી લાગે છે. જ્યારે ‘ઓ’ અથવા ‘ઊ’નો ધ્વનિ વધુ ઊંડો, શાંત અને સ્થિર લાગે છે. આ જ કારણે બે નામનો અર્થ એકસરખો હોવા છતાં જ્યારે તેને મોટેથી બોલવામાં આવે ત્યારે તે બિલકુલ અલગ જ ભાવ જગાડે છે.
ઉચ્ચાર અને વાઇબ્રેશન
નામના ઉચ્ચારણ પણ ખૂબ મહત્ત્વનાં છે. કોઈ પણ નામ ત્યારે જ શક્તિશાળી બને જ્યારે તેને સાચી રીતે બોલવામાં આવે. જો કોઈ નામનો દરરોજ ખોટો ઉચ્ચાર કરવામાં આવે તો તેનાં વાઇબ્રેશન બદલાઈ જાય છે. ઉદાહરણ તરીકે રામા, શિવા જેવાં નામો પરંપરાગત રીતે એક સૌમ્ય સ્વરના ધ્વનિ સાથે સમાપ્ત થાય છે. જ્યારે તેમનો સંપૂર્ણ ઉચ્ચાર કરવામાં આવે છે, ત્યારે તે ધ્વનિ એક પૂર્ણતા, પ્રવાહ અને શાંતિનો અહેસાસ કરાવે છે. પરંતુ આજની આધુનિક બોલચાલમાં, ઘણા લોકો અંતના ભાગને અચાનક જ કાપીને ‘રામ’, ‘શિવ’ બોલે છે. આના કારણે તે ધ્વનિ વધુ તીક્ષ્ણ અને ભારે બની જાય છે. ધ્વનિના કંપનના દૃષ્ટિકોણથી જોઈએ તો, નામનો જે સૌમ્ય પ્રવાહ હતો તે અહીં આવીને અચાનક અટકી જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, સંપૂર્ણ ઉચ્ચારણ નામમાં એક સહજ અને સરળ ઊર્જા લાવે છે, જ્યારે અધૂરું કે આળસથી ભરેલું ઉચ્ચારણ તેના કુદરતી પ્રવાહને ઘટાડી શકે છે. તેવી જ રીતે, ‘ભાવેશ’ જેવાં નામો ‘બાવેશ’ ન બનવાં જોઈએ, કારણ કે ‘ભ’ના ધ્વનિમાં એક ગહનતા હોય છે. શિવાની એ ‘સિવાની’ ન બનવું જોઈએ, કારણ કે ‘શ’ અને ‘સ’ બિલકુલ અલગ વાઇબ્રેશન પેદા કરે છે. ઉચ્ચારણમાં થતા આ નાના-નાના ફેરફારો ભલે સામાન્ય લાગતા હોય, પરંતુ જ્યારે વર્ષો સુધી તેનું વારંવાર ઉચ્ચારણ થાય છે, ત્યારે તે નામનો આખો અહેસાસ બદલી નાખે છે. ઉપનામો અવારનવાર પ્રેમથી આપવામાં આવે છે, તેમાં કંઈ ખોટું નથી, પરંતુ એક ઉપનામની ઊર્જા તેના મૂળ ફુલ નેમ કરતાં અલગ હોય છે. આખા નામમાં સામાન્ય રીતે એક સંપૂર્ણ લય, અર્થ અને વાઇબ્રેશન હોય છે. જો કોઈ બાળકને સતત નિકનેમથી બોલાવવામાં આવે તો તે તેના મૂળ નામ કરતાં નિકનેમના ધ્વનિ સાથે વધુ જોડાઈ શકે છે. તેથી પ્રેમ અને આદર સાથે મૂળ નામનો ઉપયોગ કરવો એ વધુ યોગ્ય છે.
નક્ષત્ર અને અંકશાસ્ત્ર
હિન્દુ પરંપરામાં નામો અવારનવાર નક્ષત્ર અથવા રાશિના આધારે પસંદ કરવામાં આવે છે. નક્ષત્ર એટલે જન્મસમયે ચંદ્રની જે તે તારા નક્ષત્રમાં સ્થિતિ. દરેક નક્ષત્રના ચોક્કસ શરૂઆતના ધ્વનિ (અક્ષરો) હોય છે જે બાળક માટે યોગ્ય માનવામાં આવે છે. ચંદ્ર સીધો આપણા મન અને લાગણીઓ સાથે જોડાયેલો છે, તેથી જ્યારે નામ સાચા ધ્વનિથી શરૂ થાય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિના ભાવનાત્મક સંતુલન અને ઇનર હાર્મની એટલે કે વિચારો, લાગણીઓ અને કાર્યો વચ્ચેનું સંતુલનને સપોર્ટ કરે છે. કુલ ૨૭ નક્ષત્રો છે, અને દરેક નક્ષત્રના ૪ ભાગ હોય છે, જેને પદ કહેવામાં આવે છે. આ રીતે ગણતાં કુલ ૧૦૮ ધ્વનિબિંદુઓ (સાઉન્ડ પૉઇન્ટ્સ) બને છે. ભારતીય પરંપરામાં ૧૦૮ની સંખ્યાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણે જાપ કરવાની માળામાં ૧૦૮ મણકા હોય છે અને ઘણા મંત્રોનો જાપ પણ ૧૦૮ વખત કરવામાં આવે છે. તેથી નક્ષત્ર પ્રમાણે નામ પસંદ કરવું એ માત્ર એક વિધિ કે રિવાજ નથી, પરંતુ તે ધ્વનિ, લય અને જન્મસમયની ઊર્જા સાથે જોડાયેલી બાબત છે. અંકશાસ્ત્રમાં પણ નામને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. એ અનુસાર દરેક અક્ષર પોતાનામાં એક નંબર વાઇબ્રેશન ધરાવે છે. જ્યારે આખા નામની ગણતરી કરવામાં આવે ત્યારે તેનાથી એક ટોટલ નેમ નંબર બને છે. એવું માનવામાં આવે છે કે આ અંક વ્યક્તિના આત્મવિશ્વાસ, કારકિર્દી, સંબંધો, પબ્લિક ઇમેજ અને વ્યક્તિગત વિકાર પર પ્રભાવ પાડે છે. એક સારું નામ વ્યક્તિના જન્મ અંક અને ભાગ્ય અંક સાથે મેળ ખાતું હોવું જોઈએ. આ જ કારણે નામમાં સુધારો કરવો એ માત્ર અંધાધૂંધ રીતે અક્ષરો ઉમેરવા કે હટાવવા પૂરતું સીમિત નથી. તે ધ્વનિ, અર્થ, અંકશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર આ બધી જ બાબતોને એકસાથે કાળજીપૂર્વક ચકાસીને કરવું જોઈએ.
અર્થ અને ધ્વનિનો પ્રભાવ
નામનો અર્થ પણ ખૂબ મહત્ત્વનો છે, પરંતુ તેના ધ્વનિને અવગણી શકાય નહીં. કોઈ નામનો અર્થ ભલે ખૂબ જ સુંદર હોય, પરંતુ જો ધ્વનિ ખૂબ જ કઠોર, ભારે અથવા ઉચ્ચારવામાં અઘરો હોય, તો રોજિંદા બોલચાલમાં તે કોઈ સારો અહેસાસ પેદા નથી કરતો. અર્થને આપણું મન સમજે છે, પરંતુ ધ્વનિને આપણા કાન, શરીર અને લાગણીઓ અનુભવે છે. તેથી એક સારા નામમાં આ બંને બાબતો હોવી જોઈએ. એક સકારાત્મક અર્થ અને એક મધુર વાઇબ્રેશન. ઉદાહરણ તરીકે, લતા જેવું નામ ખૂબ જ સૌમ્ય, ગરિમાપૂર્ણ અને સંગીતમય લાગે છે. વિરાટ જેવું નામ મજબૂત, તીક્ષ્ણ અને શક્તિશાળી લાગે છે. ધોની જેવું નામ એકદમ સ્થિર અને શાંત હોવાનો અહેસાસ કરાવે છે. શાહરુખ ખાન જેવું નામ એક આકર્ષણ, પ્રવાહ અને રૉયલ પ્રેઝન્સ ધરાવે છે. આ ઉદાહરણો દર્શાવે છે કે આપણે કોઈ વ્યક્તિને નજીકથી જાણીએ તે પહેલાં જ તેનું નામ આપણા મન પર કેવી છાપ ઊભી કરી શકે છે. આજના સમયમાં માતા-પિતા એવાં નામો પસંદ કરે છે જે સાંભળવામાં મૉડર્ન, સ્ટાઇલિશ અથવા ગ્લોબલ લાગે. તેમાં કંઈ ખોટું નથી, પરંતુ બાળકે આ નામ આખી જિંદગી પોતાની સાથે રાખવાનું હોય છે. તેથી માતા-પિતાએ તેના અર્થ, ઉચ્ચારણ, ધ્વનિ, અંકશાસ્ત્ર અને જ્યોતિષીય અનુકૂળતા વિશે પણ વિચારવું જોઈએ. નામ માત્ર કાગળ પર જ સુંદર દેખાવું ન જોઈએ, પરંતુ જ્યારે તેને વારંવાર બોલવામાં આવે ત્યારે પણ તે એટલું જ સુંદર લાગવું જોઈએ. દેવી-દેવતાઓનાં નામ પણ ખૂબ જ શક્તિશાળી હોય છે. તે ઊંડી આધ્યાત્મિક ઊર્જા ધરાવે છે, કારણ કે હજારો વર્ષોથી ભક્તિભાવ સાથે તેમનો જાપ કરવામાં આવ્યો છે, પરંતુ આવાં નામો પૂરી જાગૃતિ સાથે પસંદ કરવા જોઈએ. ખૂબ જ ઉગ્ર કે પ્રભાવશાળી દૈવી નામ કદાચ દરેક બાળકને અનુકૂળ ન પણ આવે. કેટલીક વાર તેના બદલે કોઈ સૌમ્ય દૈવી નામ અથવા દૈવી ગુણો સાથે જોડાયેલું નામ વધુ સંતુલિત સાબિત થઈ શકે છે.
યાદ રાખો : નામ હી સબકુછ નહીં
આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે માત્ર નામ જ ભાગ્ય નક્કી નથી કરતું. વ્યક્તિનું જીવન તેનાં કર્મ, સંસ્કારો, શિક્ષણ, વાતાવરણ, સખત પરિશ્રમ અને તેની પસંદગીઓ દ્વારા પણ ઘડાય છે, પરંતુ એક નામ બૅકગ્રાઉન્ડમાં એક સપોર્ટિવ વાઇબ્રેશનની જેમ કામ કરી શકે છે. વ્યક્તિ પોતે કેવું ફીલ કરે છે, બીજા લોકો તેને કઈ નજરે જુએ છે અને તે પોતાની આઇડેન્ટિટીને કેવી રીતે કેરી કરે છે, તેના પર આ નામ અસર કરી શકે છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો, નામ એક નાના પર્સનલ મંત્ર જેવું છે, જે આખી લાઇફ રિપીટ થતું રહે છે. જ્યારે તેને પ્રેમ, અવેરનેસ અને સમજદારી સાથે પસંદ કરવામાં આવે, ત્યારે તે એક બ્લેસિંગ બની શકે છે. એક સારું નામ મીનિંગફુલ, પ્રોનાઉન્સ કરવામાં ઈઝી, ઇમોશનલી પૉઝિટિવ અને વાઇબ્રેશનમાં બૅલૅન્સ્ડ હોવું જોઈએ. નામ એ માત્ર એ નથી જેનાથી લોકો આપણને બોલાવે છે, પણ એ એક એવો સાઉન્ડ છે જેની સાથે આપણે જીવીએ છીએ.