દૂરત્વ હોય નહીં અને સઘળું સમીપ હોય એનું નામ પ્રેમ

28 October, 2021 01:41 PM IST  |  Mumbai | Morari Bapu

પ્રેમ તો મહાદેવતા છે. એટલા માટે તમે પહેલાં થોડો પ્રેમ કરો અને પછી મેળવો તો વધારે આનંદ થશે.

પ્રતીકાત્મક તસવીર

અભય અને અદોષી પછી આજે વાત કરવાની છે પ્રેમ પ્રકૃતિના છેલ્લા ગુણની.
પ્રેમમાં ક્યારેય દૂર રહેવું કે પાસે જવા જેવું નથી હોતું, પ્રેમમાં ક્યારેય વહેલું-મોડું પણ નથી હોતું. કહે છેને કે ‘પ્રેમ તે પ્રગટ હોહિ મૈં જાને’
તમે પ્રેમમાં છો, થઈ ગયા પ્રગટ. એમાં વાર નથી લાગતી અને ઘટમાં પ્રગટ થઈ જાય છે. મોડું નથી થતું. સામે પ્રગટ થઈ જાય છે. હાથ આગળ કર્યો કે હસ્તધૂનન થઈ ગયું. મુલાકાત થઈ ગઈ. દૂરત્વ છે જ નહીં. સાવ નિકટ, સન્નિકટ, ભીતર છે અને વચ્ચે કોઈ પડદો નથી. કહ્યું હતુંને કે પ્રેમ તો મહાદેવતા છે. એટલા માટે તમે પહેલાં થોડો પ્રેમ કરો અને પછી મેળવો તો વધારે આનંદ થશે. પ્રેમનાં મહત્ત્વનાં લક્ષણોમાં એક લક્ષણ કહ્યું હતું, સજળ નેત્ર. આંખોમાં નિરંતર ભીનાશ રહે. એક વાત યાદ રાખજો કે સાધુની આંખો કોરી હોય તો સમજવું કે એ ખોટનો સોદો છે. ઝાડવાને સલામત રાખવાં હોય તો રોજ ક્યારામાં પાણી હોવું જોઈએ. આંખના ક્યારામાં જે આવી ખેતી કરશે એ જ પ્રેમપંથ અજવાળશે. જે રીતે વ્રજની ગોપી કહે છે, 
‘નિસદિન બરસત નૈન હમારે... અબ કે માધવ મોહિ ઉબાર...’
કોને કહેવું, શું કહેવું, કેવી રીતે કહેવું?
જેની સાથે વાત કરવી છે એ તો છે નહીં. હવે કેવી રીતે કહેવું અને કેવી રીતે વેદના વ્યક્ત કરવી. આવી અવસ્થામાં વાતચીત બંધ થઈ જાય, વાતચીત કરવાની ઇચ્છા નથી થતી. માણસ સૂઈ ન શકે, સૂએ તો એમ થાય કે મારો શ્યામ આવીને નીકળી જશે તો? અને જાગી-જાગીને તો હવે આંખો થાકી ગઈ છે અને તોયે આંખમાં ઊંઘ નથી.
તારે ગિન ગિન રૈન બિતાઈ, ફિર ભી શ્યામ ન આએ...
જીવનનું આ સનાતન સત્ય છે. પ્રેમ છે ત્યાં પ્રતીક્ષા અકબંધ રહે અને એ પછી પણ ફરિયાદ ન હોય. કહે નહીં કે તમે આવો. માલિક કહે, પૂછે તો એટલું જ કહે કે મારી પ્રતીક્ષાનો ક્યારેય અંત ન આવે એવું વરદાન આપો. તમે આવો તો પ્રતીક્ષાનો અંત આવી જાય અને જો એવું બને તો પ્રતીક્ષાની મસ્તીમાં ઓટ આવે અને એવું બને તો ખોટનો સોદો થઈ જાય. પ્રતીક્ષાને પણ વહાલી કરે એનું નામ પ્રેમ, બેચેનીને પણ દિલથી માણવાનું કૌવત આપે એનું નામ પ્રેમ. ચિંતનની હર પળમાં માલિકનું સ્મરણ રહે એનું નામ પ્રેમ અને બેમાંથી એક બનાવી દે એનું નામ પ્રેમ.

astrology columnists