✕

કયો વાર શું નહીં કરવાનું સૂચન કરે છે?

29 November, 2026 07:33 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

દરેક દિવસ માટે એક અગત્યનું સૂચન છે. જો તમે એ સૂચનનું પાલન કરો તો ગ્રહોની સકારાત્મકતા વધે છે અને ઉજ્જવળ પરિણામ મળે છે

પ્રતીકાત્મક તસવીર

દરેક વારના નિયમો છે. એની પાછળનો મૂળ ઉદ્દેશ વ્યક્તિને પ્રકૃતિ અને ગ્રહોના લય સાથે જોડવાનો છે. આપણે જ્યારે સમય અને વારની મર્યાદા જાળવીને કાર્ય કરીએ છીએ ત્યારે ઓછી મહેનતે પણ વધુ સકારાત્મક અને સ્થિર પરિણામો પ્રાપ્ત થાય છે, પણ એ માટે જરૂરી છે કે દરેક વારના નિયમોની જાણકારી હોવી.

આજે આપણે કયા વારે કયું કામ ન કરવું જોઈએ એની ટૂંકમાં ચર્ચા કરીશું. એને નોંધી રાખવાથી ચોક્કસપણે લાભ થશે.

સોમવાર અને ચંદ્ર

સોમવારે ખાંડ કે દૂધનો બગાડ ન કરવો અને જો જરૂરી ન હોય તો પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં લાંબી મુસાફરી પણ ટાળવી જોઈએ. આ દિવસે વ્યક્તિએ વધુ પડતા ભાવુક થઈને કોઈ મોટો આર્થિક નિર્ણય ન લેવો જોઈએ તો સાથોસાથ સોમવારના દિવસે શક્ય હોય ત્યાં સુધી સફેદ ચીજવસ્તુ કે વસ્ત્રનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ.

સોમવાર મન અને શીતળતાના કારક ચંદ્રનો દિવસ છે. ચંદ્ર અત્યંત ચંચળ ગ્રહ છે. ભાવનાત્મક આવેગમાં આવીને લીધેલા નિર્ણયો પાછળથી પસ્તાવો કરાવી શકે છે.

મંગળવાર અને મંગળ

મંગળવારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા અને કોઈને ઉધાર આપવા પણ નહીં. આ ઉપરાંત વાળ કપાવવાનું, શેવિંગ કરવાનું કે નખ કાપવાનું ટાળવું જોઈએ. મંગળવારના દિવસે નૉન-વેજ ખાવાની પણ શાસ્ત્રોમાં મનાઈ ફરમાવવામાં આવી છે.

મંગળવાર ઉગ્ર અને અગ્નિ તત્ત્વના ગ્રહ મંગળનો દિવસ છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મંગળવારે લીધેલું કરજ સહેલાઈથી ઊતરતું નથી અને એ માનસિક રીતે ભારરૂપ બનતું જાય છે. શરીરના રક્ત અને ઊર્જા પર મંગળનું આધિપત્ય હોવાથી આ દિવસે ધારદાર ઓજારોનો ઉપયોગ શારીરિક ઈજા કે આયુષ્ય ક્ષીણ થવાનું કારણ બને છે.

બુધવાર અને બુધ

બુધવારે દીકરી કે બહેનને સાસરે વળાવવી કે વિદાય આપવી અશુભ મનાય છે. આ દિવસે કોઈની ઠેકડી ઉડાડવી કે કડવા શબ્દો કહેવા પણ અશુભ છે. બુધવારના દિવસે પણ લોન લેવાનું કે ઉધારી લેવાનું ટાળવું જોઈએ.

બુધવાર બુદ્ધિ, વાણી અને સંબંધોના કારક બુધનો દિવસ છે. બુધ કન્યા અને બહેન-દીકરીનો પ્રતિનિધિ ગ્રહ પણ છે એટલે બુધવારે દીકરીની વિદાય સંબંધોમાં તનાવ લાવી શકે છે, જ્યારે વાણીનો દુરુપયોગ બુધને દૂષિત કરીને આર્થિક નુકસાન નોતરે છે. આ ઉપરાંત બુધ બેવડાવવાની ક્ષમતા ધરાવે છે એટલે ઉધારી કે લોન ઘટવાને બદલે વધી શકે છે.

ગુરુવાર અને ગુરુ

ગુરુવારે સ્ત્રીઓ અને પુરુષોએ વાળ કપાવવાનું, નખ કાપવાનું, ભારે કપડાં ધોવાનું કે પાણીમાં મીઠું નાખીને પોતું કરવાનું ટાળવું જોઈએ. આ દિવસે કેળાંનું સેવન પણ વર્જિત ગણાવવામાં આવ્યું છે.

ગુરુવાર જ્ઞાન, સંતાન અને સૌભાગ્યના કારક ગુરુ ગ્રહનો દિવસ છે. શાસ્ત્રો મુજબ ગુરુવારે વાળ કપાવવા અશુભ છે. એવું કરવાથી જન્મકુંડળીનો ગુરુ નબળો પડે છે જેની સીધી અસર ઘરની આર્થિક પ્રગતિ, પતિની પ્રગતિ અને સંતાનના સુખ પર પડે છે. ગુરુ વર્ષમાં પાંચ જ વખત લોચન કરાવતા એવા સમયે ગુરુવારના દિવસે વાળ કપાવવા યોગ્ય નથી.

શુક્રવાર અને શુક્ર

શુક્રવારે આમલી કે વધુ પડતી ખટાશ ધરાવતો ખોરાક ખાવાનું ટાળવું. ઘરને અસ્તવ્યસ્ત રાખવાનું, ફાટેલાં કપડાં પહેરવાનું અને પત્ની કે ઘરની લક્ષ્મી સમાન સ્ત્રીઓનું દિલ દુભાવવાનું બિલકુલ ટાળવું.

શુક્રવાર સુખ, વૈભવ અને સૌંદર્યના કારક શુક્ર તથા મહાલક્ષ્મીનો દિવસ છે. અસ્વચ્છતા અને ક્લેશથી શુક્ર તરત જ દૂષિત થાય છે, જેનાથી ઘરમાંથી ભૌતિક સુખ-સુવિધાઓ અને ધનસંચય ઓછાં થવા લાગે છે.

શનિવાર  અને શનિ

શનિવારે લોખંડનો સામાન, સરસવનું તેલ, કાળાં કપડાં, ચામડાની વસ્તુઓ કે મીઠું ખરીદવાનું ટાળવું જોઈએ. હા, આજના આ દિવસે તેલ અને કાળા તલનું દાન કરવું શ્રેષ્ઠ ગણાય છે. શનિવારના દિવસે પૂર્વ દિશાની યાત્રા ટાળવી.

શનિવાર ન્યાયના દેવતા શનિનો દિવસ છે. લોખંડ, તેલ અને કાળો રંગ શનિની કારક વસ્તુઓ છે. શનિવારે આ વસ્તુઓ ઘરમાં ખરીદીને લાવવાથી શનિની પનોતી કે અશુભ ઊર્જા ઘરમાં પ્રવેશે છે, જે કામમાં વિલંબ કે નુકસાની જેવા યોગ ઊભા કરી શકે છે.

રવિવાર અને સૂર્ય

રવિવારે સૂર્યોદય પછી મોડે સુધી પથારીમાં પડ્યા રહેવાનું કે તુલસીનાં પાન તોડવાનું ટાળવું. આ દિવસે તાંબાની વસ્તુઓ વેચવી નહીં અને મીઠાનો વપરાશ બને એટલો ઓછો કરવો જોઈએ.

રવિવાર આત્મા, તેજ અને આરોગ્યના કારક સૂર્યદેવનો દિવસ છે. સૂર્યના દિવસે આળસ કરવાથી આત્મવિશ્વાસ અને માન-સન્માન ઘટે છે. વળી તુલસીજી શાલિગ્રામ એટલે કે વિષ્ણુનાં પ્રિય છે એટલે રવિવારે અને એકાદશીએ તેમને સ્પર્શ કરવાની મનાઈ છે.

astrologer astrology lifestyle news life and style exclusive columnists