વિચાર એ બુદ્ધિનું પ્રમાણ છે, જ્યારે પ્રેમ હૃદયની ઓળખાણ છે

09 September, 2021 01:31 PM IST  |  Mumbai | Morari Bapu

બહુ સહજ છે આ પરિભાષા સમજવી. મેહુલો ગાજે ને માધવ નાચે એ પ્રેમ. કોઈ ઘટના, કોઈ દર્શન જોઈને નાચી ઊઠો એ જ પ્રેમ. જેને જોઈને, સાંભળીને, સમીપ જઈને તમારું મન મોર બની થનગાટ કરે એ પ્રેમ.

પ્રતીકાત્મક તસવીર

આપણે પ્રેમની વાત કરીએ છીએ અને પ્રેમની વાત થતી હોય ત્યારે સૌથી પહેલાં તો સમજવું પડે કે પ્રેમની પ્રતીતિ છે શું? પ્રેમ કહીશું કોને? શું કરીએ તો એ પ્રેમ થયો કહેવાય? 
બહુ સહજ છે આ પરિભાષા સમજવી. મેહુલો ગાજે ને માધવ નાચે એ પ્રેમ. કોઈ ઘટના, કોઈ દર્શન જોઈને નાચી ઊઠો એ જ પ્રેમ. જેને જોઈને, જેને સાંભળીને, જેની સમીપ જઈને તમારું મન મોર બની થનગાટ કરે એ પ્રેમ અને એવી જ રીતે જેના ચાલ્યા જવાથી, જેની ગેરહાજરીથી બધું અસાર થઈ જાય એ પ્રીતિની પ્રતીતિ.
પ્રેમનો અર્થ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ ઘટે નહીં. જેના વગર એક પળ પણ પસાર કરવી મુશ્કેલ લાગે એને પ્રીતિ કહી છે. કોઈ પણ પરિસ્થિતિ, આક્ષેપ, વિક્ષેપ, શંકા પ્રેમધારાને જરા પણ અવરોધી ન શકે એ જ સાચી પ્રીતિ. જીવ જે પ્રેમ કરે છે એ નિત્ય નથી હોતો. શાશ્વત પ્રેમ તો પ્રભુ પાસેથી જ મળે. જેને પ્રેમ પ્રાપ્ત થઈ જાય તે અવતાર બની જાય છે. પ્રેમ વધ્યો, ભાવ વધ્યો એનું પ્રમાણ શું? પ્રમાણ એ કે તમે બધાથી પર થઈ જાઓ. પાપ ન દેખાય, પુણ્ય ન દેખાય, કેવળ પ્રેમ જ દેખાય. ધર્મ-અધર્મ ન દેખાય, કેવળ પ્રેમ દેખાય.
પ્રેમ સંપદા છે. પ્રેમ પોતે જ પરિપૂર્ણ છે. પ્રેમમાંથી તમે ગમેએટલો પ્રેમ આપો, પ્રેમ એટલો જ રહેશે. પ્રેમ ક્યારેય ઘટે નહીં. 
ઓમ પૂર્ણ મદઃ પૂર્ણ મિદમ, 
પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, 
પૂર્ણસ્ય પૂર્ણ માદાય, 
પૂર્ણ મેવાવસીશ્યતે. 
ઓમ શાંતિ શાંતિ શાંતિ. 
પ્રેમ માણસની આંખનું ઑપરેશન કરે છે. પ્રેમની આંખમાં પ્રેમ જ જોવા મળે છે. પ્રેમની આંખમાં પરમાત્મા હોય છે, પ્રેમીની આંખ જોવા જેવી હોય છે. તેને જોતાં જ આંખોમાં અહોભાવ જન્મી જાય. વિચાર એ બુદ્ધિનું પ્રમાણ છે, એવી જ રીતે પ્રેમ એ હૃદયની ઓળખાણ છે. બુદ્ધિ મેળવતાં શીખવે, પ્રેમ આપવાનું જાણે. બુદ્ધિ પામતાં શીખવે, પ્રેમ સહર્ષ અપનાવવાનું જાણે. બુદ્ધિ ગણતરી શીખવે, પ્રેમ ગણતરી ભુલાવે.
પ્રેમની ચાર રીત દર્શાવવામાં આવી છે; આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને આત્મીયતા. આ ચારેય જેમાં છે તે પ્રેમ કરી શકે છે. જે પ્રેમ કરે છે એમાં આ ચારેય હોય છે. કોઈ એમ કહે કે પ્રેમ કરીએ છીએ, પણ આ ચારેય ન હોય તો એ કેવળ છેતરપિંડી છે. 
astrology columnists