દયાના મૂળથી અહિંસાના વૃક્ષ સુધી પહોંચવાનો સમય

05 September, 2021 08:44 PM IST  |  Mumbai | Kalaprabhsagarsurishwarji Maharaj Saheb

સજાગ અને જાગૃત અવસ્થાથી શબ્દપ્રયોગ કરવો અનિવાર્ય છે, કારણ કે સામાન્ય બોલીમાં પણ ઘણાં વચનો હિંસાયુક્ત છે.

દયાના મૂળથી અહિંસાના વૃક્ષ સુધી પહોંચવાનો સમય

અણસમજથી થતો વ્યર્થ શબ્દપ્રયોગ સુધારવો એ પણ અહિંસાની દિશામાં પગલું માંડ્યા સમાન છે. સજાગ અને જાગૃત અવસ્થાથી શબ્દપ્રયોગ કરવો અનિવાર્ય છે, કારણ કે સામાન્ય બોલીમાં પણ ઘણાં વચનો હિંસાયુક્ત છે.
સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ – નવકાર મહામંત્ર
સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ – શ્રી શત્રુંજય મહાતીર્થ
સર્વ દાનમાં શ્રેષ્ઠ – અભયદાન
સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ – બ્રહ્મચર્ય
સર્વ નિયમોમાં શ્રેષ્ઠ – સંતોષ
સર્વ તપોમાં શ્રેષ્ઠ – સમભાવ
    અને એવી જ રીતે સર્વ પર્વોમાં, ઉત્સવોમાં શ્રેષ્ઠ પર્વ શ્રી પર્યુષણ મહાપર્વ છે અને એ જ કારણસર એને પર્વાધિરાજ કહેવાય છે. એ પર્વાધિરાજની પધરામણી થઈ છે એવા દિવસોમાં જૈનો જાગૃત થઈ ધર્મઆરાધના કરવા ઉદ્યમશીલ બને છે અને આ ઉદ્યમ જ તેનાં કર્મોનો ક્ષય કરવામાં નિમિત્ત બને છે. હવે વાત કરીએ આજના પર્યુષણના ત્રીજા દિવસના પ્રભુ મહાવીર સંદેશની.
મનુષ્યનાં મુખ્ય પાંચ કર્તવ્યો છે જેમાં સૌથી અગત્યનું કર્તવ્ય છે ‘અમારિ પાલન’ અર્થાત્ અહિંસાનું પાલન. સાંગોપાંગ અહિંસાનું પાલન કરવું હોય તો સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલા તત્ત્વરૂપે મન-વચન-કાયાથી ત્રિવિધે સંપૂર્ણ અહિંસાનું પાલન કરવું, જીવમાત્રની રક્ષા કરવાનું પ્રણ લેવું એનું નામ અમારિ પાલન.
ચાલતી વખતે નીચી દૃષ્ટિથી ભૂમિ પર મારા પગ નીચે કોઈ જીવ ચંપાય નહીં એ ઈર્યાસમિતિ રૂપ અહિંસા પાલન, મારા વચનથી, માર્મિક વાણીથી કોઈનો તેજોવધ ન થાય એ ધ્યાન રાખવું એ ભાષા સમિતિ રૂપ અહિંસા પાલન અને આપણી આસપાસ થતી-બનતી ઘટનાઓમાં આપણે અહિંસા પાલનની સમજણ બીજાને આપી શકીએ, પરસ્પર ફેલાવી શકીએ એ અહિંસા પ્રત્યેની જાગૃતિ...
જૈન સાધુ જ્યારથી સંયમગ્રહણ કરે છે ત્યારથી સર્વજીવોની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે અને પછી એને જ પોતાનું જીવન બનાવે છે.
સવ્વં સાવજજ જોગં પચ્યકખામિ
સર્વ પ્રકારના સાવદ્યયોગ એટલે ‘પાપની પ્રવૃત્તિ’. પાપની પ્રવૃત્તિથી વિરામ પામવું એનું જ નામ ધર્મ. જૈન ધર્મમાં અહિંસાનું પ્રતિપાદન એટલું અદ્ભુત અને સૂક્ષ્મતયા કરેલું છે કે માત્ર દેશના જ નહીં, વિદેશના વિદ્વાનો, વિશ્વભરના વૈજ્ઞાનિકો પણ જૈન ધર્મની સૂક્ષ્મતા ઉપર આફરીન પોકારી ઊઠ્યા છે. બ્રિટિશ ફિલોસૉફર જ્યૉર્જ બર્નાર્ડ શૉને જ્યારે જૈન ધર્મનાં તત્ત્વો વિશે ખબર પડી હતી ત્યારે તેમણે ખુલ્લામને કહ્યું હતું કે જો હવે પછી મારો જન્મ થાય તો મારો એ જન્મ જૈન માતાની કુક્ષીએ થવો જોઈએ. કેવી ઉમદા ભાવના, કેવી ઉમદા લાગણી. જન્મે જૈન નહીં હોવા છતાં પણ જ્યૉર્જ બર્નાર્ડ શૉ જૈન ધર્મનાં તત્ત્વો વિશે જાણકારી મેળવ્યાં પછી કર્મે જૈન થયા હતા અને આજીવન તેમણે જૈન ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવાની ભેખ ધરી હતી.
જન્મથી જ અહિંસાની ઘૂંટી પીવા મળે, સર્વ પ્રત્યે સમભાવ રાખવાની પરિભાષા મળે, જીવનને સાચી દિશામાં વાળવાની વ્યાખ્યા મળે, ધર્મને પ્રૅક્ટિકલ સમજવાની ઊંડી જિજ્ઞાસા મળે, જીવમાત્રમાં શિવ જોવાની દૃષ્ટિ જાગૃત થાય, પ્રભુની સુંદર વાતોમાં સમજવા મળે એનાથી ઉત્તમ બીજું શું હોય શકે.
પૂર્વે કુમારપાળ મહારાજા સહિતના અનેક મહારાજાઓએ સામ-દામ-દંડ-ભેદ નીતિથી અઢારે દેશોમાં અહિંસાનું પ્રવર્તન કરાવ્યું હતું અને જ્યાં-જ્યાં શક્ય બને ત્યાં-ત્યાં દેશ અને નગરોમાં અહિંસાનું પાલન કરાવવા પ્રયત્ન કર્યા હતા.
મહાવીર સ્વામીના સંદેશને વર્તમાન સમયમાં સમજી આચરણમાં મૂકીને દેશની સર્વોચ્ચ અદાલત એવી સુપ્રીમ કોર્ટે પર્યુષણ મહાપર્વ દરમ્યાન કતલખાનાં બંધ રાખવાનો આદેશ બહાર પાડ્યો છે, જે ખરેખર અનુમોદનીય છે; પણ વાતની મહત્તા ત્યારે વધે છે જ્યારે સૌકોઈ પોતપોતાનું કર્તવ્ય સમજી અહિંસાનું પાલન કરે, સર્વ જીવ સમભાવના ભાવ સાથે અહિંસાનું પાલન કરાવે અને એનું પાલન કરનારાની અનુમોદના કરે અર્થાત્ પ્રોત્સાહન આપી ઉપબૃંહણા કરે. 
આ જ વાતની સાથોસાથ એ પણ ઇચ્છનીય છે કે મનુષ્યના વર્તનમાં, તેના વચનમાં, તેના વ્યવહારમાં ક્યાંય હિંસા તો નથીને? પરિશીલન કરવું જરૂરી છે, જો પરિશીલન થશે તો અને તો જ સમજાશે કે નાનામાં નાની વાતમાં પણ હિંસાનો ઉપયોગ થઈ જતો હોય છે. આ વાતને જરા વિસ્તારપૂર્વક સમજવી જોઈએ.
સામાન્ય રીતે બોલવામાં આવતું હોય છે કે ‘હું બજારમાં આંટો મારી આવું’ પણ આ વાતમાં હિંસક ભાષા છે એ જોવું-જાણવું જોઈશે. ‘મારી આવું’ જેવા હિંસક શબ્દના પ્રયોગને બદલે ‘હું બજારમાં જઈ આવું કે પછી હું બજારમાં ફરી આવું’ એવો શબ્દપ્રયોગ પણ સરળતાથી થઈ શકે છે. ફોનની રિંગ કરવાની વાત આવે ત્યારે સામાન્ય રીતે વાક્યપ્રયોગ કેવો હોય છે, જરા યાદ કરો.
એક રિંગ તો મારી દો.
‘મારી’, ‘મારવી’ પણ હિંસા છે અને એનો પ્રયોગ વ્યર્થ છે. અણસમજથી થતો આ વ્યર્થ શબ્દપ્રયોગ સુધારવો એ પણ અહિંસાની દિશામાં પગલું માંડ્યા સમાન છે. સજાગ અને જાગૃત અવસ્થાથી શબ્દપ્રયોગ કરવો અનિવાર્ય છે, કારણ કે આવાં ઘણાં વચનો હિંસાયુક્ત હોય છે. વાણી, વર્તન અને વ્યવહારથી તકલીફ નહીં આપું એ જ જીવનનો સંદેશો હોવો જોઈએ. વચનથી કોઈને દુઃખ ન પહોંચે, વર્તનથી કોઈનો આત્મા ન દુભાય અને વ્યવહારથી કોઈની સાથે અંતરાઈ ન બંધાય એ મનઃપૂર્વક પ્રયાસ થાય તો જીવમાત્રનું કલ્યાણ કરવાની ઉત્કૃષ્ટ ભાવના પ્રબળ બને અને એ ભાવનાને જાગૃત કરવાની કળા સૌકોઈએ સજાગપણે શીખવી પડશે.
પ્રભુ પધારે ત્યાં સિંહ, સાપ, નોળિયો એવાં જન્મજાત વેરી પશુઓ પણ પોતાના જન્મજાત હિંસાનો સ્વભાવ ભૂલી શાંત બની જાય છે, શું છે એ? 
એ ભગવંતની પરમ કરુણા છે, પરમ સૌમ્યતાના પ્રતીકરૂપ અહિંસા છે અને યાદ રહે, અહિંસાનું પાલન ત્યારે જ થાય, જ્યારે જ્ઞાન અને સાચી સમજ મળે. દયાને ધર્મનું મૂળ ગણવામાં આવ્યું છે. મૂળમાંથી વૃક્ષ જન્મે એમ દયામાંથી અહિંસા વિકસિત થાય. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના કરતાં-કરતાં સૌકોઈ દયાના મૂળથી અહિંસાના વૃક્ષ સુધી પહોંચે એ જ શુભભાવના.

astrology columnists