ખુશ રહેવું અને કોઈની ખુશીમાં ભાગીદાર થવું એ પણ તપ જ છે

29 June, 2022 08:30 PM IST  |  Mumbai | Morari Bapu

કોઈ અધ્યાત્મમાં આગળ નીકળી જાય તો ખુશ થવું, કોઈ જીવનની રેસમાં આગળ વધી જાય તો ખુશ થવું, કોઈ સુખ-સુવિધામાં આગળ વધી જાય તો પણ ખુશ રહેવું અને કોઈ પ્રગતિ કરીને નામના પ્રાપ્ત કરી લે તો પણ ખુશ થવું.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

દ્વંદ્વોમાં સહિષ્ણુતા દાખવો, વિકારોના વેગમાં સહિષ્ણુતા રાખો એ બન્ને વિષય પર વાત કર્યા પછી હવે વાત કરવાની છે આપણે તપસ્વીની ઓળખ એવી ત્રીજી વાતની. બીજાની ચડતીનો સ્વીકાર કરો અને એ પણ સહર્ષ સ્વીકાર કરો.
અહા...હા...હા...! શું વાત કરો છો. બહુ સારું, પાડોશીનો દીકરો પાસ થઈ ગયો, બહુ સારા ટકા લાવ્યો. ઘણું સારું થયું. આપણે સામેના પક્ષ કરતાં મોટા હોઈએ તો પણ અને નાના છીએ તો પણ ઈર્ષ્યા કોઈ કાળે ન કરવાની હોય. તેનામાં વિદ્યા-બુદ્ધિ વધારે છે, તેનામાં શક્તિ વધારે છે, લોકો તેને બહુ બોલાવે છે. જ્યાં તે જાય ત્યાં તેનો આદર-સત્કાર થાય છે અને મારો એવો આદર-સત્કાર નથી થતો. એવું થતું હોય તો પણ, આ પ્રકારનો વ્યવહાર હોય તો પણ, આવો અભાવ હોય તો પણ, આપણું હૃદય આશીર્વાદ આપે કે બહુ સારું થયું કે તેની પ્રગતિ થઈ, ભગવાન તેનો વધારે વિકાસ કરે. આ જે ભાવ છે એ તપસ્વીપણું છે અને આ તપસ્વીપણું જ વ્યક્તિને સાધક તરફના પથ પર આગળ લઈને તેને તપસ્વિતા આપે છે.
એ ઘણું મુશ્કેલ લાગે કે બીજું કોઈ આપણાથી આગળ નીકળી જાય, એ કેવી રીતે સહન થઈ શકે. તપની બીજી કોઈ પણ વ્યાખ્યા ગમે, પણ આ તો કોઈ કાળે સહન ન થાય, પરંતુ એ સહન કરવું એનું જ નામ તપ છે. દરેક સમયે ભગવાનનું નામ જ તપ બનીને ભવ તારે એવું નથી હોતું, સંસારમાં તમે અન્યની ચડતીને પણ પ્રેમથી આવકારો, એનો પણ સ્વીકાર કરો અને એને માટે પણ ખુશીનો અનુભવ કરો તો એનાથી ઉત્તમ બીજું કશું હોઈ શકે નહીં.
આપણી અંદર ઘણી ખામીઓ હોવા છતાં બીજાની ચડતી જોઈને જો આપણને તેની જરા પણ ઈર્ષ્યા ન થાય તો એ તપ છે. સૌ પોતપોતાનાં નસીબ લખાવીને આવ્યા છે તો બીજાની ઈર્ષ્યા શા માટે કરો છો? ખુદની મસ્તીમાં મસ્ત રહોને ભાઈ, એ મસ્તી જ તો તમારો જન્મારો સુધારવાનું કામ કરવાની છે. એ મસ્તી જ તો વ્યક્તિને સૌકોઈમાં પ્રિયતા આપવાનું કામ કરવાની છે. તપ કરીને પ્રચંડ જ્ઞાન મેળવી લેનાર વ્યક્તિને પણ જો પ્રિયતા પ્રાપ્ત કરતાં ન આવડતી હોય અને એ અપ્રિય બનીને જ રહે તો એ તપનું મૂલ્ય કશું નથી.
કહેવાનું તાત્પર્ય એ જ છે કે બીજાની ચડતીને સહી લેવી અને પ્રેમથી એનો સ્વીકાર કરવો એ સારી વાત છે. કોઈ અધ્યાત્મમાં આગળ નીકળી જાય તો ખુશ થવું, કોઈ જીવનની રેસમાં આગળ વધી જાય તો ખુશ થવું, કોઈ સુખ-સુવિધામાં આગળ વધી જાય તો પણ ખુશ રહેવું અને કોઈ પ્રગતિ કરીને નામના પ્રાપ્ત કરી લે તો પણ ખુશ થવું. ખુશ રહેવું અને કોઈની ખુશીમાં ભાગીદાર બનવું એ પણ તપ જ છે.

Morari Bapu astrology columnists