28 September, 2026 03:33 PM IST | Mumbai | Rachana Joshi
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
`વાસ્તુ વાઇબ્સ`ના આજના આર્ટિકલમાં જાણીશું કે, પ્રોપર્ટીની સમગ્ર ઊર્જા પ્રણાલીમાં બાથરૂમ કેવી રીતે બંધબેસે છે?
અગાઉના લેખમાં આપણે ચર્ચા કરી હતી કે શું બાથરૂમને ખરેખર નકારાત્મક જગ્યા તરીકે જ જોવું જોઈએ કે નહીં. `કોન્શિયસ વાસ્તુ`એ સ્પષ્ટ કર્યું હતું કે ઘરમાં નકામી ઊર્જાના નિકાલ અને સંતુલન માટે બાથરૂમ અત્યંત અનિવાર્ય છે. પરંતુ આ સમજણ આપણને એક મોટા પ્રશ્ન તરફ દોરી જાય છે: પ્રોપર્ટીની સમગ્ર ઊર્જા પ્રણાલી (Energy System) માં બાથરૂમ કેવી રીતે બંધબેસે છે?
દરેક પ્રોપર્ટી કે મકાન એક જીવંત સજીવ સમાન છે. જેમાં ઊર્જા પ્રવેશ કરે છે, સમગ્ર ઘરમાં ફરે છે અને બહાર નીકળે છે. બાથરૂમ આ ચક્રનો જ એક મહત્વપૂર્ણ ભાગ છે. તે એક ચોક્કસ નિર્ધારિત માર્ગ દ્વારા પાણી અને કચરાને બહાર નીકળવાની મંજૂરી આપે છે.
જ્યારે આ નિકાલની પ્રક્રિયા સરળ અને વણથંભી રહે છે, ત્યારે પ્રોપર્ટીનું સ્વાસ્થ્ય સુંદર રહે છે. પરંતુ જ્યારે આ પ્રક્રિયામાં અવરોધ આવે છે, ત્યારે અસંતુલન સર્જાય છે. એટલા માટે જ બાથરૂમને ભયના સ્ત્રોત તરીકે જોવાને બદલે કાર્યાત્મક ઊર્જા માર્ગો (Functional Energy Pathways) તરીકે જોવા જોઈએ. તેનું કાર્ય માનવ શરીરની ઉત્સર્જન પ્રણાલી (Elimination System) જેવું જ જરૂરી, કુદરતી અને વાસ્તવિક છે.
પરંપરાગત વાસ્તુ માર્ગદર્શિકા બાથરૂમ માટે અમુક ચોક્કસ દિશાઓની ભલામણ કરે છે. સામાન્ય રીતે ઘરના મધ્ય ભાગ (બ્રહ્મસ્થાન), ઈશાન ખૂણા (ઉત્તર-પૂર્વ) અને નૈઋત્ય ખૂણા (દક્ષિણ-પશ્ચિમ) માં બાથરૂમ બનાવવાનું ટાળવામાં આવે છે. જોકે, આ સિવાય પણ ઘણા નિયમો ધ્યાનમાં લેવાના હોય છે.
જ્યારે નવી પ્રોપર્ટી કે મકાનની ડિઝાઇન બનાવી રહ્યા હોઈ, ત્યારે આ માર્ગદર્શિકાઓનું પાલન કરીને સંતુલન સાધી શકાય છે. પરંતુ બનેલા કે હયાત ઘરોમાં બાથરૂમ પહેલેથી જ ઓછા-પસંદગીના ઝોનમાં હોઈ શકે છે. `કોન્શિયસ વાસ્તુ` શીખવે છે કે માત્ર આટલા માત્રથી જીવનમાં આપોઆપ મુશ્કેલીઓ આવશે તેવું માની લેવાની જરૂર નથી.
આવા કિસ્સામાં ડરવાને બદલે તેની જાળવણી અને સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ:
બાથરૂમમાં પૂરતી હવાની અવરજવર (Ventilation) અને પ્રકાશ આવવો જોઈએ.
નળ કે પાઇપમાંથી પાણીનું ગળતર (Leakage) અટકાવવું અને ડ્રેનેજ લાઇનને ખુલ્લી રાખવી.
બાથરૂમ હંમેશા સાફ, સ્વચ્છ અને શક્ય તેટલું સૂકું રાખવું.
ઉપયોગમાં ન હોય ત્યારે બાથરૂમના દરવાજા બંધ રાખવા.
સતત ટપકતા નળ કે ભેજને લીધે થતી દુર્ગંધ રોકવી.
આ સાદા પગલાં જ ઘરમાં મોટું સંતુલન લાવે છે. `કોન્શિયસ વાસ્તુ` માને છે કે સરળતામાં જ ખરી શક્તિ છે.
અમે એકવાર એક ફેક્ટરીની મુલાકાતે ગયા હતા, જ્યાં માલિકે જાણી જોઈને બાથરૂમ કે શૌચાલય બનાવ્યું જ ન હતું. તેનું કારણ ખૂબ જ આશ્ચર્યજનક હતું! તેમને કોઈકે એવી સલાહ આપી હતી કે વાસ્તુની દ્રષ્ટિએ બાથરૂમ અશુભ કે નકારાત્મક હોય છે, તેથી ફેક્ટરીમાં બાથરૂમ બનાવવાનું જ ટાળવું જોઈએ.
કાગળ પર, આ નિર્ણય વાસ્તુ નિયમોનું પાલન કરવાનો પ્રયાસ લાગતો હતો. પરંતુ જ્યારે અમે સ્થળ પર મુલાકાત લીધી, ત્યારે સ્પષ્ટ થયું કે એક ખૂબ જ મૂળભૂત માનવ જરૂરિયાતને અવગણવામાં આવી હતી. ફેક્ટરીના કામદારોને યોગ્ય શૌચાલય અને હાથ-મોં ધોવાની જરૂરિયાત હતી જ. બાથરૂમ ન બનાવીને તે પ્રાથમિક જરૂરિયાતને અવગણી શકાય તેમ ન હતી.
પરિણામે, તે જગ્યા પર સ્વચ્છતા અને વ્યવહારિકતાને લગતી ઘણી મોટી સમસ્યાઓ ઊભી થઈ રહી હતી. અમે ક્લાયન્ટને સમજાવ્યું કે બાથરૂમનો ઉદ્દેશ્ય નકારાત્મકતા ફેલાવવાનો નથી, પરંતુ સફાઈ અને કચરાના નિકાલ માટે એક યોગ્ય સ્થાન પૂરું પાડવાનો છે, જેથી એક ચોક્કસ પ્રણાલી દ્વારા કચરો બહાર જઈ શકે. જો યોગ્ય બાથરૂમ પૂરૂં પાડવામાં ન આવે, તો જરૂરિયાત અદ્રશ્ય થઈ જતી નથી. લોકો હજુ પણ શૌચાલયનો ઉપયોગ કરશે, ગંદકી પણ ઉત્પન્ન થશે. ફરક માત્ર એટલો હશે કે તેને સંભાળવા માટે કોઈ યોગ્ય સિસ્ટમ નહીં હોય!
`કોન્શિયસ વાસ્તુ`ની દ્રષ્ટિએ, આ એક ખૂબ મોટો ચિંતાનો વિષય હતો. ક્લાયન્ટ આ વાતને સમજ્યા અને યોગ્ય બાથરૂમ બનાવવાની સંમતિ આપી. પ્રોપર્ટીમાં કેટલાક અન્ય સાદા ફેરફારો પણ કરવામાં આવ્યા. કંઈપણ બિનજરૂરી કે જટિલ કરવામાં આવ્યું ન હતું. અમારો મુખ્ય હેતુ એ સમજવાનો હતો કે તે જગ્યાનો વાસ્તવમાં કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને તેના કુદરતી કાર્યને ટેકો આપે તેવા ફેરફારો કરવાનો હતો.
એકવાર બાથરૂમ બની ગયા પછી, કામદારો વધુ આરામદાયક સ્થિતિમાં આવ્યા. તેમની પાસે શૌચ, હાથ-મોં ધોવા અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટે એક સક્ષમ જગ્યા હતી. ફેક્ટરી પાસે કચરો દૂર કરવા માટેની એક ચોક્કસ સિસ્ટમ પણ આવી ગઈ.
આ પ્રોજેક્ટમાંથી મળતો પાઠ સાવ સરળ હતો - માનવજાત માટે જે સુવિધા અત્યંત જરૂરી છે, તેને માત્ર "નકારાત્મક" નું લેબલ લગાવીને દૂર કરી શકાતી નથી; તેના બદલે તેનું યોગ્ય અને સુવ્યવસ્થિત આયોજન કરવું જોઈએ.
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui