23 February, 2026 04:13 PM IST | Mumbai | Shilpa Bhanushali
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` (Vaastu Vibes) જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
આજકાલ ઘણા લોકો જીવનમાં આવતી મુશ્કેલીઓ, તાણ અને ગૂંચવણને કારણે વાસ્તુ તરફ વળી રહ્યા છે. પરંતુ માત્ર ઘરનો નકશો બદલવાથી કે થોડી વસ્તુઓની જગ્યામાં ફેરફાર કરવાથી જીવનમાં મોટો ફેરફાર આવી જાય એવું હંમેશા જરૂરી નથી. કૉન્શિયસ વાસ્તુ એક એવી રીત છે જેમાં ઘર અને વ્યક્તિની અંદરની ઊર્જા – બન્ને પર સાથે કામ કરવામાં આવે છે.
Conscious Vaastu કોઈ અંધશ્રદ્ધા નથી. આ પરંપરાગત વાસ્તુના સિદ્ધાંતોને રોજિંદા જીવનની સરળ અને પ્રૅક્ટિકલ આદતો સાથે જોડવાની રીત છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે ઘર એવી રીતે ગોઠવાયેલું હોય કે જેમાં વ્યક્તિને સ્પષ્ટ વિચારો, યોગ્ય નિર્ણય અને માનસિક સંતુલન જાળવવામાં સહાય મળે.
ઘરનું લેઆઉટ, ઇન્ટિરિયર ગોઠવણી, લાઇટ, હવા, સફાઈ અને જાળવણી – આ બધું મહત્વનું છે. પરંતુ સાથે વ્યક્તિની પોતાની ઊર્જા, એકાગ્રતા, મનોબળ અને પસંદગીઓ પણ એટલી જ મહત્વની છે. જો વ્યક્તિ થાકી ગયેલી હોય, મનથી નબળી હોય અથવા ધ્યાન કેન્દ્રિત ન કરી શકતી હોય, તો માત્ર ઘરની ગોઠવણી પૂરતી સાબિત થતી નથી. Conscious Vaastu એ ઘર અને વ્યક્તિ – બન્ને પર ધ્યાન આપવાની રીત છે.
ઘણા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે ઈન્ટરનેટ પર અલગ-અલગ પ્રકારના વાસ્તુ ઉપાય શોધે છે. એક સાથે અનેક રીતો અપનાવી લે છે. પરંતુ યોગ્ય સમજણ વિના અને જુદા-જુદા ઉપાયો ભેગા કરી દેતાં ઘરમાં ભૌતિક, દૃશ્યાત્મક અને માનસિક ગૂંચવણ વધી શકે છે. જો જુદા-જુદા ઉપાયો એકબીજાથી તદ્દન જુદાં હોય તો તમે કન્ફ્યૂઝ થશો અને ઉકેલ મેળવવાને બદલે વધુ ગૂંચવણમાં મૂકાશો.
કૉન્શિયસ વાસ્તુ એક સરળ અને સ્પષ્ટ પદ્ધતિ પર ભાર મૂકે છે. એક જ સિસ્ટમ પસંદ કરો અને એને સારી રીતે સમજો, તેને ફૉલો કરો.
• એક જ વાસ્તુ પદ્ધતિની પસંદગી કરો અને એમાં વિશ્વાસ રાખો. સંપૂર્ણ રીતે એને સમજો પછી તેનું અમલીકરણ કરો. વારંવાર તમે રીત બદલ્યા કરશો તો મૂંઝવણમાં મૂકાઈ શકો છો.
• શક્ય હોય ત્યારે બિનજરૂરી વસ્તુઓ દૂર કરો. જે વસ્તુ ઉપયોગમાં નથી આવતી તેનો નિકાલ કરો.
• ઘરમાં એક શાંતિપૂર્ણ ખૂણો બનાવો જ્યાં રોજ 15 થી 30 મિનિટ બેસી શકાય.
• લાઇટિંગ, હવા, સફાઈ અને સુરક્ષા જેવી ખાસ બાબતો માટેના સુધારા પહેલા કરો.
• પોતાની ઇનર એનર્જીને સ્ટ્રોન્ગ બનાવો. રોજ થોડો સમય પ્લાનિંગ, નવા કૌશલ્ય શીખવા માટે અથવા ધ્યાન (મેડિટેશન) પ્રક્રિયા માટે કાઢો.
• અઠવાડિયે એક વાર મૂડ, ઊંઘ અને કામ કરવાની ક્ષમતાનો અંદાજ લો. એક સમયે એક જ ફેરફાર કરો.
• લાઇટિંગ: કામ કરવાની જગ્યાએ પૂરતી લાઇટ્સ અને સનલાઈટ આવે એવું રાખો. આરામ માટેની જગ્યાએ આછી લાઇટ્સ રાખો.
• હવા: તાજી હવા આવતી રહે એ માટે બારીઓ ખોલો.
• રસ્તો: તમારા અવરજવરના માર્ગ પર કંઇ ન હોય તેનું ખાસ ધ્યાન રાખો. આમ કરવાથી માનસિક તાણ ઘટે છે.
કચરો અને અવ્યવસ્થા: ઓછું કરવાથી – મન પરનો બોજો ઘટે છે.
પ્રકાશ: યોગ્ય પ્રકાશ રાખવાથી – ધ્યાન અને ઊર્જામાં વધારો થાય છે.
હવા: તાજી હવા અને વેન્ટિલેશન અનુકૂળ રાખવાથી – સ્થિરતા (બંધિયારપણું/ગતિહિનતા) દૂર થાય
જ્યારે ઘર ગોઠવાયેલું અને સ્વચ્છ હોય અને સાથે વ્યક્તિ પોતાની આદતો સુધારે, ત્યારે મનમાં સ્પષ્ટતા વધે છે. એક જ સ્પષ્ટ યોજના રાખવાથી ચિંતા ઘટે છે. નાના અને નિયમિત પગલાં આત્મવિશ્વાસ વધારે છે. પ્રૅક્ટિકલ સુધારાઓથી રોજિંદી મુશ્કેલીઓ ઓછી થાય છે.
કૉન્શિયસ વાસ્તુ ત્યારે જ અસરકારક બને છે જ્યારે ઘર અને વ્યક્તિ – બન્ને પર સમાન ધ્યાન આપવામાં આવે. માત્ર ઉપાયો એકઠા કરવાથી નહીં, પરંતુ સમજદારીપૂર્વક, નિયમિત અને સરળ પગલાં લઈને જીવનમાં સંતુલન લાવવામાં મદદ મળે છે. ઘર તમારે માટે એવી જગ્યા બનવું જોઈએ જ્યાં સ્પષ્ટતા, શાંતિ અને સતત પ્રગતિ શક્ય બની શકે.
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui
Tel (O): +91-9324512864.
Email: consciousvaastu@gmail.com
www.consciousvaastu.com