17 February, 2025 06:56 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
દામ્પત્યજીવનમાં જો કડવાશ હોય તો દંપતી પોતે તો સુખી નથી જ રહેતું પણ તેમની સાથે જોડાયેલા અન્ય લોકોનું જીવન પણ દુર્ગમ બની જાય છે. દામ્પત્યજીવનમાં નાનામોટા મતભેદ હોય એ સ્વભાવિક છે અને એ પછી પણ એ મતભેદથી આગળ વધીને પતિ-પત્ની વચ્ચે મીઠાશ અકબંધ રહે અને બન્ને પક્ષ એકબીજાની સાથે સુખેથી રહી શકે એવા કેટલાક અસરકારક રસ્તાઓની વાત આપણે કરવાની છે. આ રસ્તાઓ સરળ છે અને એનું પાલન કરવું દામ્પત્યજીવનમાં પ્રસન્નતા લાવવા માટે હિતાવહ પણ છે.
૧. સુગંધ અને શુક્ર
દામ્પત્યજીવનનો કારક શુક્ર ગ્રહ છે એટલે શુક્રને ખુશ રાખવાનું કાર્ય અચૂક થવું જોઈએ અને પતિ-પત્ની બન્ને પક્ષ દ્વારા એ થવું જોઈએ. આજે દંપતી બહાર પાર્ટીમાં કે ફંક્શનમાં જાય ત્યારે પરફ્યુમનો ઉપયોગ કરે છે પણ નિયમિત રીતે એનો વપરાશ નથી થતો, જેને નિયમિત બનાવવો જોઈએ. ખુશ્બૂ કે સુગંધી પદાર્થ શુક્ર ગ્રહને પ્રબળ બનાવે છે જે એકમેક પ્રત્યે આકર્ષણ જન્માવે છે એટલે પરફ્યુમ કે અત્તરનો નિયમિત ઉપયોગ કરવો. આ ઉપરાંત તેમના બેડરૂમમાં પણ ખુશ્બૂ રહે એવા પદાર્થ કે દ્રવ્યનો ઉપયોગ કરવો. યાદ રહે, અહીં કપૂરનો વપરાશ નથી કરવાનો પણ રોઝ, મોગરા જેવી રોમૅન્ટિક ખુશ્બૂનો ઉપયોગ કરવાનો છે.
૨. બેડરૂમમાં બધું ડબલ
બેડરૂમમાં બેડ પર તકિયા ક્યારેય એકી એટલે કે ઑડ સંખ્યામાં રાખવા નહીં. બીજી વાત, બન્ને તકિયાઓ વચ્ચે ક્યારેય અંતર પણ રાખવું નહીં. બન્ને એકબીજાને સ્પર્શેલા હોય એ રીતે જ તકિયા રાખવા જોઈએ. રજાઈ બે રાખવી ન હોય તો ચાલે પણ જો એક રજાઈ રાખો તો એ ડબલ બેડ સાઇઝની હોય એ પ્રકારની રાખવી જોઈએ. આ જે ઉપાય છે એ અપરિણીત સંતાનોના રૂમમાં પણ કરવા યોગ્ય છે, જેને કારણે અનમૅરિડ સંતાનોનાં લગ્નના યોગ ખૂલ્યા પછી લગ્ન-વિષયક વાત ઝડપથી આગળ વધવાની શક્યતા રહે છે. મૅરિડ કપલના રૂમમાં બતકની જોડીનો ફોટો કે પછી એની નાનકડી પ્રતિમા રાખવાથી પણ સંબંધોમાં સંવાદિતા ઉમેરાય છે.
૩. ક્યારેય ભગવાન નહીં
બેડરૂમ તમારો શયનકક્ષ છે, એમાં ભગવાનને સ્થાન ન હોય. ધારો કે ઘર નાનું હોય અને તમારી પાસે બીજી કોઈ સગવડ ન હોય અને દિશાની દૃષ્ટિએ પણ બેડરૂમમાં જ મંદિર રાખવું પડ્યું હોય તો યાદ રહે, એ મંદિરના દરવાજા માત્ર દીવાબત્તી સમયે જ ખૂલવા જોઈએ અને રાતે તો મંદિર બંધ જ રહેવું જોઈએ. શક્ય હોય તો બેડરૂમમાં ઘડિયાળ કે કૅલેન્ડર રાખવાનું પણ અવૉઇડ કરવું જોઈએ. સંબંધોમાં સમય કે વાર-તારીખ ન જોવાના હોય. અવિરત વહેતો રહે એનું જ નામ પ્રેમ. એટલે પ્રયાસ કરીને એને પણ બેડરૂમમાંથી દૂર કરો અને અન્ય જગ્યાએ શિફ્ટ કરો.
૪. મિરર ક્યારેય નહીં
બેડરૂમમાં અરીસો ન રાખવો જોઈએ પણ જો સગવડનો અભાવ હોય કે એ રાખવો અનિવાર્ય જ હોય તો કવર્ડ મિરર જ રાખવો જોઈએ. આવા સંજોગોમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મિરરનો ઉપયોગ થયા પછી એ તરત જ ફરી ઢંકાઈ જાય. મતલબ કે ખાલી રૂમમાં કે ઉપયોગ વિના એમ જ મિરર રૂમમાં ખુલ્લો પડ્યો હોય એવું થવું ન જોઈએ. મિરર સંબંધોને બટકણા બનાવે છે એટલે શક્ય હોય તો મિરર રાખો નહીં અને રાખવો પડે તો એ ઢાંકેલો હોય એ રીતે એને રાખો.
પ. સ્ટોર-રૂમ ન બનાવો
આ બેડરૂમ છે, સ્ટોર-રૂમ નહીં કે વધારાનો બધો સામાન તમે ત્યાં ભર્યા કરો. બેડરૂમમાં નકામી એક પણ વસ્તુ રાખો નહીં અને સાથોસાથ એ પણ યાદ રાખો કે બેડરૂમને અસ્તવ્યસ્ત પણ ન રાખો. જોવામાં આવ્યું છે કે જેટલો સાફસૂથરો બેડરૂમ એટલાં જ સંબંધોમાં ક્લૅરિટી અને નિખાલસતા. નાનાં ઘરોને ધ્યાનમાં રાખીને જ આ વાતને આગળ વધારીએ તો કહેવાનું કે જો બૉક્સ-પલંગ હોય તો બેડરૂમમાં રાખેલા બેડના ખાનામાં ક્યારેય કોઈ લોખંડની વસ્તુ ન મૂકવી અને એવી જ રીતે બેડના ખાનામાં ક્યારેય શસ્ત્ર કે શસ્ત્ર તરીકે વાપરી શકાય એવી ચીજવસ્તુ પણ ન રાખવી.
બોનસ ટિપ
બેડરૂમમાં લાઇટ કે રોમૅન્ટિક કલર જ રાખવો જોઈએ. બેડરૂમની બેડશીટને પણ આ જ વાત લાગુ પડે છે. જો ડિઝાઇનર ચાદર જોઈતી હોય તો ફ્લાવર-પ્રિન્ટ કે પછી રોમૅન્સને રેપ્રિઝેન્ટ કરે એ મુજબની પ્રિન્ટ પસંદ કરવી જોઈએ.