સાચા અર્થમાં ઘર કે ઑફિસને ક્લટર-ફ્રી કેવી રીતે બનાવશો?

20 April, 2025 07:31 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

અનયુઝ્‍ડ કે પછી એક્સ્ટ્રા ચીજવસ્તુઓ જ ક્લટર બનીને નેગેટિવિટી નથી ફેલાવતી, એ સિવાયના ક્લટરને પણ ઓળખવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

મોટા ભાગના એવું માને કે ધારે છે કે નકામી કહેવાતી ચીજવસ્તુઓનો નિકાલ કરવાથી ઘર કે ઑફિસ ક્લટર-ફ્રી થઈ જાય છે, પણ આ ગેરમાન્યતા છે. એવું તો કરવું જ જોઈએ, પણ એની સાથોસાથ બીજી બાબતો પર ધ્યાન પણ આપવું જોઈએ. એ બાબતો કઈ છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ.

તૂટ-ફૂટનો તાત્કાલિક રસ્તો

જો ઘરમાં કોઈ ચીજમાં તૂટ-ફૂટ થઈ હોય તો એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. ટાઇલ્સ તૂટી હોય તો એ પણ ચેન્જ કરી લેવી જોઈએ અને સાથોસાથ બારી-બારણામાં પણ સમયાંતરે ઑઇલ-ગ્રીસ જે મૂકવાનું હોય એ મૂકતા રહેવું જોઈએ, જેથી એ ખોલ-બંધ કરવામાં સરળતા રહે. એક ખાસ વાત, અધૂરું રહી ગયેલું કામ એમ જ પડ્યા રહેવા દેવું એ પણ એક પ્રકારનું ક્લટર છે. જો બાથરૂમમાં પાઇપ ફિટ કરી લીધો હોય, પણ કર્ટન માટે મુહૂર્ત ન આવતું હોય અને એના વિના રહેવાની આદત પડી ગઈ હોય તો એ આદત કાઢીને તાત્કાલિક અસરથી કર્ટનની વ્યવસ્થા કરવી જોઈએ. ભૂલવું નહીં કે અધૂરા કામથી પણ વાસ્તુદોષ લાગુ પડે છે.

નાનામાં નાની ચીજનું રિપેરિંગ વહેલી તકે કરાવવું જોઈએ.

નિયમિત સાફ-સફાઈ જરૂરી

અહીં વાત કબાટ કે ડ્રૉઅરની નહીં, બહારના ખુલ્લા ભાગની ચાલે છે. જો ઘરમાં લાઇબ્રેરી હોય તો વધુમાં વધુ ત્રણ મહિને એ લાઇબ્રેરીની સાફસફાઈ થવી જોઈએ. આ સિવાય પણ ઘર કે ઑફિસમાં શો-કેસથી માંડીને ડિસ્પ્લે એરિયા બનાવ્યા હોય તો એની વીકમાં એક વાર સફાઈ થવી જ જોઈએ. ઑફિસમાં વર્કસ્ટેશન પર આપવામાં આવેલું સૉફ્ટ-બોર્ડ જો એમ જ પડ્યું રહેતું હોય તો મહિનામાં એક વાર એ સૉફ્ટ-બોર્ડ પર લાગેલી દરેક આઇટમ કાઢી એની જગ્યા બદલતા રહેવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે એક વીકથી વધુ સમય કોઈ એક ચીજ એમ જ એક જગ્યાએ પડી રહે તો એમાંથી ચેતનનો ક્ષય થાય છે અને એ નુકસાનકર્તા બનતી જાય છે. આ વાત ભગવાનના ફોટોગ્રાફને પણ લાગુ પડે છે એટલે રોજેરોજ વર્ક સ્ટેશનની સફાઈ થતી રહે અને ચીજવસ્તુઓ એની અનિવાર્યતા મુજબ જગ્યા બદલતી રહે એવો દૈનિક ક્રમ બનાવવો જોઈએ.

સાફસફાઈ ઉપરાંત ચીજ યોગ્ય જગ્યાએ પડી હોય એ પણ વાસ્તુશાસ્ત્રમાં ગુણકારી ગણવામાં આવે છે.

હવા-ઉજાસની આવશ્યકતા

ભલે તમને ઘરમાં અંધારું ગમતું હોય, ભલે તમને લાગતું હોય કે આડોશી-પાડોશી ઘરમાં ડોકિયાં કરે છે, પણ વીકમાં ઓછામાં ઓછું એક વાર ઘરમાં હવા-ઉજાસની અવરજવર થવી જ જોઈએ. જેને માટે આખા ઘરનાં બધાં બારી-બારણાં ખોલી નાખવાનાં. દિશાની સભાનતા હોય અને કોઈએ સૂચન કર્યું હોય કે દક્ષિણ કે પશ્ચિમ દિશા ખોલવી નહીં તો પણ ઘરને ક્લટર-ફ્રી બનાવતા હો ત્યારે એ સૂચનાને ધ્યાનમાં લીધા વિના બધેબધાં બારી-બારણાં ખોલવાં અને ઘરમાં પ્રકાશ-હવાનું સરળતાથી આવાગમન થાય એ મુજબનું વાતાવરણ કરવું. આ રીતે ઘરને ઓછામાં ઓછા એક કલાક રાખવું. આ પ્રકારે ઘરને ક્લટર-ફ્રી કરવા માટે સવારનો સમય ઉત્તમ છે, જો શક્ય હોય તો સવારે ૭થી ૧૦ વાગ્યા વચ્ચેના સમયમાં ઘરને ખુલ્લું રાખવું જોઈએ.

વાસ્તુમાં વેન્ટિલેશનને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે એ ભૂલવું નહીં.

મેઇન ડોર છે મહત્ત્વનો

ઘર કે ઑફિસનો મેઇન ડોર સૌથી મહત્ત્વનો છે તો આ મેઇન ડોરની આગળ અને પાછળનો ભાગ પણ બહુ મહત્ત્વનો છે. મેઇન ડોર ખોલ-બંધ થવામાં સહેજ પણ મુશ્કેલી ન થતી હોય એ જોતા રહેવું, તો સાથોસાથ એની સાફસફાઈ પણ થતી રહેવી જોઈએ. મેઇન ડોર પર સનાતનનાં શુભ ચિહ્‍ન હોય એ પણ આવકાર્ય છે. મુંબઈ જેવાં શહેરોમાં મેઇન ડોરની બહાર શૂ-રૅક મૂકવી પડે, જે જરૂરી છે, પણ એ શૂ-રૅકની સાફસફાઈ નિયમિત રીતે થવી જોઈએ અને એને એવી જ રીતે સુશોભિત કરવી જોઈએ જાણે એ મહત્ત્વનો કબાટ હોય. મેઇન ડોરની બહાર શક્ય હોય ત્યાં સુધી ભંગાર, રદ્દી કે પછી નકામી ચીજવસ્તુનો ઢગલો કરવો નહીં. એ સામાન જ્યારે ઘરેથી લઈ જવો હોય ત્યારે જ એને મેઇન ડોરની બહાર મૂકવો જોઈએ. ઘણા લોકો પાંચ-સાત દિવસ સુધી એ સામાન બહાર પડ્યો રહેવા દે છે. યાદ રાખવું નકારાત્મકતાનું વજન વધારે છે એટલે એને હટાવવાનું કામ પણ આસાન નથી.

એક વખત ઘરમાં પ્રવેશી ગયેલી નકારાત્મકતા કાઢવા માટે મહેનત કરવી પડતી હોય છે તો એવું કરવું જ શું કામ જેને કારણે નકારાત્મકતા તમારી કે તમારા ઘર કે ઑફિસની આસપાસ જન્મે?

 

astrology life and style columnists