વાસ્તુ અનુસાર ઘરમાં કયાં પ્રાણીઓ રાખવાં જોઈએ?

16 November, 2025 07:28 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

વાસ્તુશાસ્ત્રમાં પ્રાણીઓ પાળવા બાબતે હિમાયત કરવામાં આવી છે. શાસ્ત્ર કહે છે કે કેટલાંક પ્રાણીઓ ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જા આવે છે તો સાથોસાથ સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિમાં વધારો થાય છે.

વાસ્તુ અનુસાર ઘરમાં કયાં પ્રાણીઓ રાખવાં જોઈએ

વાસ્તુશાસ્ત્રમાં પ્રાણીઓ પાળવા બાબતે હિમાયત કરવામાં આવી છે. શાસ્ત્ર કહે છે કે કેટલાંક પ્રાણીઓ ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જા આવે છે તો સાથોસાથ સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિમાં વધારો થાય છે. જોકે વાસ્તુશાસ્ત્રમાં એ પણ સૂચવવામાં આવ્યું છે કે દરેક પ્રાણીની અસર જુદી-જુદી હોય છે. તો ચાલો જોઈએ કે વાસ્તુ મુજબ ઘરમાં કયાં પ્રાણીઓ રાખવાં જોઈએ અને એનાથી શું લાભ થાય.

રાખો ઘરમાં ફિશ 
ફિશ એટલે કે ઍક્વેરિયમ રાખવાની વાતને વાસ્તુશાસ્ત્રમાં સૌથી શુભ માનવામાં આવે છે. ઍક્વેરિયમ અને ફિશને સૌથી સકારાત્મક તત્ત્વ માનવામાં આવે છે. ઍક્વેરિયમમાં પણ ખાસ કરીને ગોલ્ડ ફિશ અને બ્લૅક મોલી ફિશ રાખવી જોઈએ. ઍક્વેરિયમ ઘરમાં રાખવા માટે ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન દિશા સૌથી શ્રેષ્ઠ છે.

ઍક્વેરિયમ અને ફિશથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે, પૈસા અને વ્યવસાયમાં વૃદ્ધિ આવે છે અને માનસિક શાંતિ મળે છે.

વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે આજના સમયમાં ઘણા પરિવારો પ્રાણીઓ ઘરમાં પાળવાની બાબતના વિરોધમાં છે. તેમને એવું લાગે છે કે એ પ્રાણીઓની આઝાદી છીનવવા જેવું છે. એવું માનનારી વ્યક્તિ જે-તે પ્રાણીઓના ફોટોગ્રાફ્સ કે મૂર્તિ પણ ઘરમાં રાખી શકે છે. જો મૂર્તિ રાખવામાં આવે તો ઉત્તમ.

રાખો ઘરમાં લવબર્ડ્‍સ
ઘરમાં લવબર્ડ્‍સ રાખવાથી પરિવારમાં પ્રેમ, શાંતિ અને સુમેળ આવે છે. એક વાત ખાસ યાદ રાખવી કે લવબર્ડ્‍સ હંમેશાં જોડીમાં રાખવાં જોઈએ. લવબર્ડ્‍સમાં પણ કલરનું મહત્ત્વ છે. ઘરમાં રાખવામાં આવતાં લવબર્ડ્‍સ શક્ય હોય તો યલો કલરનાં રાખવાં જોઈએ. આ લવબર્ડ્‍સ રાખવાની પણ દિશા સુનિશ્ચિત કરવામાં આવી છે. શક્ય હોય તો એમને ઉત્તર-પશ્ચિમ એટલે કે વાયવ્ય દિશામાં રાખવાં જોઈએ.

લવબર્ડ્‍સને રાખ્યાં હોય એ પાંજરું રોજેરોજ સાફ થાય તો અતિ ઉત્તમ. લવબર્ડ્‍સ સાથે દિવસમાં થોડો સમય વિતાવવો જોઈએ.

ઘરમાં રાખો ડૉગ
ભલે નાનકડો તો નાનકડો પણ ઘરમાં ડૉગ રાખવો જોઈએ. ડૉગનો સ્વભાવ સુરક્ષા છે. નાનો અને રમકડા જેવડો ડૉગ પણ પોતાનો આ સ્વભાવ ચૂકતો નથી. ડૉગ રાખવાથી ફૅમિલી અને રિલેશનમાં વિશ્વાસ અને વફાદારી વધે છે તો સાથોસાથ સંબંધોમાં પરસ્પર આત્મીયતા પણ વધારે છે. ડૉગનું જો ઘર બનાવવાનું આવે તો એ પણ વાયવ્ય દિશામાં હોવું જોઈએ. અલબત્ત, એને બાંધી રાખવો હિતાવહ નથી. એવું કરીને તમે શાસ્ત્રના સંદેશનો દુરુપયોગ કરો છો. એટલે ડૉગને હંમેશાં છૂટો રાખવો જોઈએ. હવેના સમયમાં તો ટ્રેઇનર છે એટલે જો શક્ય હોય તો ટ્રેઇનરનો ઉપયોગ કરવો, પણ ડૉગને બાંધીને ન રાખવો.

ડૉગ ઘરમાં એક વ્યક્તિની ખોટ પૂરી પાડે છે એટલે પરિવારમાં એક-બે સભ્યો હોય તો તેમણે ચોક્કસપણે ડૉગ પાળવો જોઈએ, જે તેમના માટે સાઇકોલૉજિકલી પણ મદદરૂપ થાય છે.

ઘરમાં રાખો ગાય
ગાયને શાસ્ત્રોમાં કામધેનુ કહેવામાં આવી છે તો શાસ્ત્રોમાં એ પણ કહ્યું છે કે ગૌસેવા એ હજારો યજ્ઞો જેટલું પુણ્ય આપે છે. આજે નાનાં ગામોમાં પણ ગાય ઘરે રાખવી શક્ય નથી એવા સમયે મુંબઈ જેવા શહેરમાં તો એ ચોક્કસપણે અસંભવ છે, પણ કામધેનુની મૂર્તિ ઘરમાં રાખી શકાય. કામધેનુ ઘરમાં રાખવાથી અનેકાનેક લાભ છે. કામધેનુ હોય એ ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમી બને છે તો કામધેનુ હોય એ ઘરના લોકોમાં દયા અને લાગણી વધે છે. એકમેક પ્રત્યે પ્રેમભાવ વધવાની સાથોસાથ કામધેનુ પરિવારને સુખ-શાંતિ પણ આપે છે.
જો ગાય પાળી ન શકાતી હોય તો રોજ ચોક્કસપણે કામધેનુને ભોજન કરાવવું જોઈએ. ઘણા લોકો સેવાના ભાવથી ગાયોને કાજુ-બદામને એવું બધું ખવડાવે છે, પણ એવું કરવાને બદલે ગાયને એનો જ ખોરાક ખવડાવવો જોઈએ.

culture news wildlife astrology religion hinduism columnists gujarati mid day