05 March, 2025 05:20 PM IST | Mumbai | Swami Satchidananda
ગાંધી (ફાઈલ તસવીર)
હમણાં એક ચુસ્ત અહિંસાવાદીને મળવાનું થયું. એ મહાશય પણ અન્ય અહિંસાવાદીઓ જેવા જ હતા. આ અહિંસાવાદીઓ વારંવાર ગાંધીજીની દુહાઈ આપીને કહેતા રહે છે કે અંગ્રેજોને ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી દેશ બહાર કાઢી દેશ આઝાદ કરાવ્યો. જોકે આ વાત અર્ધસત્ય છે. ગાંધીજીનું અહિંસાનું શસ્ત્ર નહીં, પણ તેમનું ખરું શસ્ત્ર અસહયોગનું હતું. જો પ્રજા શાસક સાથે સતત અસહયોગ કરે તો શાસક શાસન કરી ન શકે, પછી એ અંગ્રેજ હોય કે દેશની સરકાર હોય. ફરી ગાંધીજીના વિષય પર આવીએ તો મારું કહેવું છે કે ગાંધીજીના વિજયમાં સ્વયં ગાંધીજી જેટલા જ અંગ્રેજો પોતે પણ જવાબદાર હતા.
અંગ્રેજો કાયદાને માનનારા હતા. કાયદો તૂટી પડે અને અંધાધૂંધ અત્યાચારો કરીને તેઓ રાજ્ય કરવામાં માનતા નહોતા એટલે ક્રમે-ક્રમે અધિકારો આપીને ચાલ્યા ગયા. અંગ્રેજોની જગ્યાએ રશિયનો કે મુસ્લિમ શાસકો હોત તો ગાંધીજી સફળ થઈ શક્યા ન હોત અને આ નગ્ન વાસ્તવિકતા છે એ ક્યારેય ભૂલતા નહીં. હજી એક અગત્યની વાત, જો અહિંસાથી જ દેશ આઝાદ થયો હોત તો જૂનાગઢની લડાઈ અહિંસાથી ટાળી શકાઈ હોત. એ વખતે તો ગાંધીજી જીવતા હતા. કેમ એ સમયે ગાંધીજીનું અહિંસાનું શસ્ત્ર ન ચાલ્યું? જૂનાગઢની લડાઈ શસ્ત્રોથી કરવી પડી હતી. કેમ? કારણ કે સામા પક્ષે અંગ્રેજો નહીં, મુસ્લિમો હતા.
જૂનાગઢની જેમ જ નિઝામની સાથે પણ હિંસાથી વ્યવહાર કરવો પડ્યો હતો. ગોવાની આઝાદી માટે પણ લડવું પડ્યું અને એ લડાઈમાં હિંસાથી નિર્ણય લેવો પડ્યો હતો. આ બધાં ક્ષેત્રોમાં અહિંસા કેમ કામ ન આવી?
જવાબ છે, સામે અંગ્રેજો નહોતા. કાશ્મીરમાં પણ સેના મોકલવી પડી. ગાંધીજીએ જ કહ્યું હતું કે સેના મોકલીને પણ કાશ્મીરને બચાવી લો. આઝાદી પછીનાં પચાસ વર્ષમાં આપણે સીમા ઉપર તથા દેશના અંદરના ભાગમાં જેટલી ગોળીઓ ચલાવી છે એટલી અંગ્રેજોએ કદાચ બસો વર્ષના શાસનમાં ચલાવી નહીં હોય અને ભારત-પાકિસ્તાનના વિભાજનમાં વસ્તી-પરિવર્તન સમયે જે હિંસા થઈ છે એ કદાચ હજારોમાં નહીં પણ લાખોમાં થઈ હશે.
આપણે હિન્દુસ્તાનની આઝાદી અહિંસાથી લીધી છે એવા ખોટા ભ્રમ વચ્ચે બહુ જીવ્યા, હવે એ ભ્રમ ભાગવો અને ભાંગવો જોઈએ. અહિંસાની લડાઈ હિંસાની લડાઈ કરતાં વધુ હિંસક અને વધુ બરબાદી લાવનારી બની શકે છે. એટલે અહિંસાને જળોની જેમ વળગી રહેવાની વાત ગેરવાજબી છે એ સ્વીકારવું જોઈએ. અહિંસાનો દુરાગ્રહ નુકસાનકર્તા હતો, છે અને રહેશે. આ વાત સ્વીકારવામાં જ સૌની ભલાઈ છે.