પહેલાં નવરાશ હતી એટલે લાંબી વિધિઓમાં વાંધો નહોતો

24 May, 2021 12:01 PM IST  |  Mumbai | Swami Sachidanand

પ્રભુની પ્રાર્થના માટે પંચપાત્ર-તરભાણું, કંકુ, ચોખા, નૈવેદ્ય જેવી અસંખ્ય ચીજોની અનિવાર્યતા ખરી? 

GMD Logo

અભિગમ બદલવાની દિશામાં આગળ આવવા માટે પ્રજાએ વૈચારિક માનસિકતા બદલાવવી પડશે. હજારો હિન્દુઓને શિસ્તબદ્ધ પ્રાર્થના કરતા આપણે જોયા નથી, એ શીખી જઈએ તો પણ ઘણું છે. 
પ્રભુની પ્રાર્થના માટે પંચપાત્ર-તરભાણું, કંકુ, ચોખા, નૈવેદ્ય જેવી અસંખ્ય ચીજોની અનિવાર્યતા ખરી? 
પહેલાંના સમયમાં માણસો પાસે પુષ્કળ સમય હતો. લોકો લગભગ નવરા રહેતા એટલે કલાકો અને મહિનાઓ સુધી વિધિઓ કરાવવામાં વાંધો નહોતો આવતો. હવે લોકો પાસે સમય નથી. હરીફાઈ વધી ગઈ છે અને હાડમારી પણ પુષ્કળ વધી ગઈ છે. મરવાનો પણ ટાઇમ નથી. આજના સમયમાં આ વાત સાચા અર્થમાં લાગુ પડે છે ત્યારે આપણી સામે પ્રથમ પડકાર એ છે કે સમયની બચત અનિવાર્ય છે. આ પડકારમાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે શું આ કર્મકાંડોને એની ઉચિત કક્ષાએ લાવી ન શકાય? 
કર્મકાંડને કોઈ પણ યોગ્ય વ્યક્તિ સરળતાથી થોડા સમયમાં કરાવી શકે એવી વ્યવસ્થા કરવી પડશે, અન્યથા એવી પરિસ્થિતિ આવશે કે આવનારી પેઢી કર્મકાંડથી વિમુખ થઈ જશે અને એવું થશે તો કર્મકાંડની જે સારી અને ઉત્તમ વાતો છે એ પણ પ્રથામાંથી નીકળી જશે. આપણે અભિગમ બદલીએ અને કર્મકાંડમાં જે ઉત્તમ, આવશ્યક, પ્રેરણાદાયી છે એનું રક્ષણ કરવા માટે અને એને જીવનનો હિસ્સો બનાવી રાખવા માટે આ બધામાં રહેલી અનુત્તમને અટકાવીએ અને તિલાંજલિ આપી, શ્રેષ્ઠ ભાગને જીવનનો ભાગ બનાવીએ. કર્મકાંડને આજીવિકા બનાવનારાઓ પણ જો આ કાર્ય કરશે તો એને પ્રજાના આશીર્વાદ મળશે અને સાથોસાથ એનું કાર્ય બહોળું થશે એટલે આજીવિકા ઓછી થવાનો પણ પ્રશ્ન ઘટશે. તેમણે સમજવું પડશે કે નવી પેઢી જો કર્મકાંડથી વિમુખ થઈ જશે તો ખરેખર 
તેમણે આજીવિકા માટે હેરાન થવું પડશે, એના કરતાં કર્મકાંડમાંથી ઉત્તમ ભાગ લઈ એને જ મહત્ત્વ આપીએ.
હિન્દુ ધર્મની સામે આ પ્રથમ પડકાર છે. કર્મકાંડને સરળ-સહજ, ખર્ચ વિનાનું, સૌથી પાળી-પળાવી શકાય એવું બનાવવું પડશે. કર્મકાંડના અતિરેકથી ધર્મોમાં જડતા આવે છે. જડતા એટલે કે જે વિધિઓને કરનારા કે કરાવનારા સમજી કે સમજાવી શકતા નથી તેઓ માત્ર ગતાનુગતિક કર્યા કરે છે. આના કરતાં શાંતિથી બેસીને પ્રભુપ્રાર્થના કરવી બેસ્ટ છે અને વિધિઓને ટૂંકી અને સરળ બનાવવા ઉપરાંત સમજમાં આવે એવી બનાવવાની જરૂર છે. કર્મકાંડનો હેતુ માનસિક શાંતિ છે. એ કરાવનારાને આર્થિક અને માનસિક શાંતિ મળે એ રીતે કરાવવામાં આવે એ જરૂરી છે. 
હવે પછી વાત કરીશું ધર્મના બીજા પડકાર, આચાર વ્યવસ્થાની

  પહેલાંના સમયમાં માણસો પાસે પુષ્કળ સમય હતો. લોકો લગભગ નવરા રહેતા એટલે કલાકો અને મહિનાઓ સુધી વિધિઓ કરાવવામાં વાંધો નહોતો આવતો.

columnists astrology