આપણામાં પ્રેમની સંપદા છે, પણ એ નારંગત પ્રેમ છે

24 November, 2021 02:48 PM IST  |  Mumbai | Morari Bapu

આ એક એવો ભાવ છે જે વ્યક્તિએ-વ્યક્તિએ જુદો અર્થ જન્માવી શકે. કોઈ એમ કહે કે તે પ્રેમી છે, તો તેના વિશાળ અર્થો હોઈ શકે. માત્ર યુવક-યુવતી વચ્ચે હોય એ જ પ્રેમ એ માન્યતા ખોટી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રેમ એ બ્રહ્માંડીય વિભાવના છે અને એટલે જ કહું છું કે પ્રેમ કરવો એટલે પરમાત્માને પામવો. સ્થળકાળ સાથે પ્રેમને લેવાદેવા નથી. ભારતીય દર્શન આ બાબતે ઘણું-ઘણું કહે છે, તો જુગ જૂનો સૂફિયાના કલામ પણ પ્રેમનો મહિમા જાણે છે. પ્રેમનાં વિવિધ સ્વરૂપ છે. આ એક એવો ભાવ છે જે વ્યક્તિએ-વ્યક્તિએ જુદો અર્થ જન્માવી શકે. કોઈ એમ કહે કે તે પ્રેમી છે, તો તેના વિશાળ અર્થો હોઈ શકે. માત્ર યુવક-યુવતી વચ્ચે હોય એ જ પ્રેમ એ માન્યતા ખોટી છે. કારણ કે પ્રેમનનાં અનેક રૂપ છે અને એ રૂપ વચ્ચે પ્રેમ અનેક સ્વરૂપમાં જોવા મળે છે. સૂફીઓએ તો પ્રેમનાં ઘણાં સ્વરૂપ દર્શાવ્યાં છે, એ સ્વરૂપ જોવા અને જાણવા જેવાં છે.
સૌથી પહેલાં વાત કરીએ આપણે નારંગત પ્રેમની.
પ્રેમ તો છે પણ કોઈ રંગત નથી, રસ નથી. પૂજા કરે પણ જલદી, ઑફિસે જવાની બહુ ઉતાવળ છે. ચાલો જલદી પૂજા કરી લઈએ. શાલિગ્રામને નવડાવીશું નહીં, ધોઈ લઈશું. પ્રેમમાં તો રંગ હોય છે, એ રસમય હોય છે, એ રસનું વર્ણન કરવું શક્ય નથી. આપણા સૌમાં પ્રેમની સંપદા છે, પણ એ પ્રેમ મોટા ભાગે નારંગત પ્રેમ હોય છે. ઠાકુરને કહો, મોહ આપો, ક્રોધ આપો પણ એની સાથે પ્રેમ આપો. પ્રેમ સૌમાં ન હોય એ શક્ય નથી. એ આપણે બહાર ન લાવી શકીએ એમ બને. ઠાકુરને જોઈને આંસુ આવે તો સમજી લો કે રંગત આવી ગઈ છે. ના જેવો છે ના-રંગત પ્રેમ.
હવે વાત કરીએ આપણે પારંગત પ્રેમની.
જેમ કે કોઈ માણસ કોઈ કળામાં કુશળ છે. કોઈ કળામાં પારંગત છે. સૂફીએ કહ્યું, કોઈનામાં હોશિયારી હોય એવી આ વાત છે. ચોથા ભાગનો કે પા ભાગનો પ્રેમ હોય એ પારંગત પ્રેમ છે. પૂજા કરીએ છીએ, પણ એક કલાક માટે કે સવારે બે-ત્રણ કલાક સુધી પ્રેમ છે, પૂજા છે, પણ પછી દુનિયાદારીમાં પડી ગયા, ભોગમાં સરી પડ્યા. પારંગત પ્રેમ થોડો જુદો છે. પ્રેમમાં બે વાત યાદ રાખો.
એક, આંસુ અને બીજું આશ્રય. જ્યાં આંસુ નથી, જ્યાં આશ્રય નથી ત્યાં પ્રેમ નથી. શ્યામ રાધા પર આશ્રિત છે, રાધા શ્યામ પર આશ્રિત છે. પ્રેમથી દઢાશ્રય થાય છે. જે પ્રમાણે ‘પારંગત’ શબ્દ માટે આપણે કહીએ છીએ કે તે આ વિષયમાં પારંગત છે, કુશળ છે. કોઈ ચિત્રકલામાં તો કોઈ અન્ય કળામાં, કોઈ બોલવામાં તો કોઈ ગાવામાં પારંગત છે. પરંતુ સૂફીએ આ શબ્દને એ અર્થમાં લીધો છે એ કેટલાય લોકોમાં રંગતવાળો પ્રેમ હોય છે. પરંતુ એમાં હોશિયારીવાળી વાત પણ આવે છે. એમાં પ્રેમનો રંગ હશે તો કેવળ પા–રંગત હશે, પૂર્ણ રંગત નહીં હોય.

columnists astrology