પરિવારમાં થતા કજિયાઓ દૂર કરવાના અસરકારક રસ્તાઓ કયા-કયા છે?

24 February, 2025 07:09 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

ઘરમાં શાંતિ ન રહેતી હોય અને ફૅમિલી વચ્ચે નાની-નાની વાતોમાં કજિયા થતા હોય તો એને દૂર કરવાના રસ્તાઓ વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવ્યા છે, જે રસ્તા અત્યંત સરળ છે

પ્રતીકાત્મક તસવીર

ત્રીજી વ્યક્તિ જુએ કે સાંભળે તો સાવ ક્ષુલ્લક લાગે અને એમ છતાં ફૅમિલીમાં કજિયાઓ થતા. નાની-નાની વાતે મનદુઃખ ઊભું થતું હોય અને અબોલા લેવાઈ જતા હોય. પરિવારમાં એક ઉત્તરમાં ચાલે ને બીજો દક્ષિણમાં ચાલે એવું બનતું હોય અને પારિવારિક શાંતિ દરેક મુદ્દે જોખમાતી હોય તો એ દૂર કરવા માટેના કેટલાક સરળ રસ્તાઓ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે, જે વાપરવા જોઈએ.

એવું નથી કે આ રસ્તાઓ ભાઈ-ભાઈના કે પિતા-પુત્રના કજિયાઓને જ દૂર કરે છે પણ આ રસ્તા વાપરવાથી સર્વાંગી રીતે પરિવારમાં શાંતિ અને સ્નેહનું વાતાવરણ ઊભું થાય છે.

૧. ઈશાન ખૂણો રાખો સાફ

ઈશાન એટલે નૉર્થ-ઈસ્ટ કૉર્નરની નિયમિત રીતે સફાઈ થવી જોઈએ. આખા ઘરનો સૌથી શ્રેષ્ઠ કૉર્નર જો કોઈ હોય તો એ આ ઈશાન કૉર્નર છે. મોબાઇલમાં આવતી કમ્પસ ઍપથી તમે એ કૉર્નર સરળતાથી ઘરમાં આઇડેન્ટિફાય કરી શકો છે. જો ઈશાન કૉર્નરમાં કચરો કે નકામી વસ્તુઓ ભરી રહેતી હોય તો એ સંબંધો માટે હાનિકર્તા બને છે. ઈશાન કૉર્નર શક્ય હોય ત્યાં સુધી ખાલી રાખવો જોઈએ પણ જો નાનું ઘર હોય અને એવું થઈ ન શકતું હોય તો એ કૉર્નરની સફાઈ નિયમિત રીતે થવી જોઈએ, અન્યથા એ કચરાનો ભાર સંબંધો પર આવે છે.

ઈશાન કૉર્નરમાં જો તુલસી ક્યારો રાખવામાં આવે તો એ પણ સંબંધોમાં ખુશ્બૂ પ્રસરાવવાથી માંડીને સંબંધોના સ્વાસ્થ્યને તંદુરસ્તી આપે છે.

૨. ધારદાર કરો અવૉઇડ

અણી કે ધાર જેની શાર્પ હોય એવી ચીજવસ્તુઓને ઘરમાં ન રાખો અને જો રાખવી અનિવાર્ય હોય તો એ વસ્તુઓને ઢાંકેલી રાખો. ઉદાહરણ તરીકે ચાકુની વાત કરીએ. કિચનમાં એની આવશ્યકતા અનિવાર્ય છે પણ એને જાહેરમાં રાખવું ન જોઈએ. એવી જ રીતે ઘરોની દીવાલો પર તલવાર કે ભાલા કે એવી ચીજવસ્તુઓ કે એ પ્રકારની ચીજવસ્તુઓનાં પેઇન્ટ‌િંગ પણ ડેકોરેશન માટે ન લગાડો. શૌર્ય રણમેદાનમાં શોભે, ઘર કે પરિવાર વચ્ચે નહીં. ફર્ન‌િચરની બાબતમાં પણ આ વાત ધ્યાન રાખવી અને શાર્પ ધાર નીકળતી હોય એવું ફર્નિચર રાખવાનું ટાળવું.

શાર્પ ચીજવસ્તુની સાથે હિંસક પ્રાણીઓના ફોટોગ્રાફ્સ કે કૅલેન્ડર પણ ઘરમાં રાખવાનું ટાળવું જોઈએ પણ એમાં સિંહને બાકાત ગણજો કારણ કે હિંસક હોવા છતાં પણ સિંહ પરિવાર સાથે રહેવામાં માનનારું પ્રાણી છે. બહુ ઓછા લોકોને ખબર હશે પણ વનરાજ ક્યારેય પોતાની ફૅમિલી છોડતા નથી, ક્યારેય નહીં.

૩. બંધ કરો કિચૂડ-કિચૂડ

જો ઘરનાં બારી-બારણાંના દરવાજા ખોલ-બંધ કરવામાં ઘસડાતાં હોય કે પછી એના મિજાગરાં અવાજ કરતાં હોય તો વહેલી તકે એનું નિવારણ કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જે ઘરનાં
બારી-બારણાં અવાજ કરતાં હોય એ ઘરમાં રહેતા સભ્યો પણ કર્કશ અવાજ કરતા રહે છે. સામાન્ય રીતે મૉન્સૂન દરમ્યાન બારી-બારણાંમાં ભેજ લાગવાની સંભાવના વધારે રહેતી હોય છે એટલે મૉન્સૂન પછી તરત જ એની મરમ્મતનું કામ કરાવી લેવું જોઈએ. બારી-બારણાં તૂટેલાં પણ ન હોય એનું પણ ધ્યાન રાખવું જોઈએ.

ઘણાં ઘરોમાં કાચની બારી હોય તો એમાં તિરાડ અકબંધ હોય છે, પણ એને અકબંધ રાખવાને બદલે અન્ય ખર્ચમાં થોડી કરકસર કરીને નવો કાચ ફિટ કરાવી લેવો જોઈએ.

૪. જરૂરી છે પૂરતો સૂર્યપ્રકાશ

જે ઘરમાં સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં ન આવતો હોય એ ઘરના લોકોમાં સંવેદના થીજતી જતી હોવાનું વાસ્તુશાસ્ત્ર કહે છે એટલે ઘરમાં સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં આવતો રહે એ જોવું જોઈએ. ધારો કે સૂર્યપ્રકાશ ઓછો આવતો હોય તો દિવસ દરમ્યાન ઓછામાં ઓછો એક કલાક ઘરનાં તમામ બારી-બારણાં ખુલ્લાં રાખી ઘરમાં રહેલી ઊર્જા એક્સચેન્જ કરતાં રહેવી જોઈએ. આડોશીપાડોશી ડોકિયાં કરે એવું અનુમાન બાંધીને હવે મોટા ભાગના લોકો ચોવીસ કલાક પોતાનાં બારી-બારણાં બંધ રાખે છે, પણ એ ગેરવાજબી છે. કોઈની નજર ન પડે એવું ધારવાને બદલે સીધાં કે આડકતરી રીતે સૂર્યપ્રકાશનાં કિરણો ઘરમાં આવે એ ભાવ મનમાં રાખવો જોઈએ.

સૂર્યપ્રકાશનો અભાવ હોય એવા સમયે ઘરમાં અંધકાર રહે એને બદલે લાઇટ ચાલુ રાખવી જોઈએ તો સાથોસાથ પ્રયાસ કરવો જોઈએ કે સૂર્યનું સરસ પેઇન્ટિંગ ઘરમાં રાખવામાં આવે. સૂર્યનું આ પેઇન્ટ‌િંગ પૂર્વ દિશામાં રાખવું જોઈએ.

પ. રાખો ઘરમાં રૉક સૉલ્ટ

રૉક સૉલ્ટ કે હિમાલયન સૉલ્ટ તરીકે ઓળખાતા આ સૉલ્ટનો મોટો ટુકડો ઘરમાં એ સ્થાન પર રાખવો જ્યાં તમામની નજર પડતી હોય. નકારાત્મકતા ગ્રસ્ત કરવાની ક્ષમતા ધરાવતા રૉક સૉલ્ટની બીજી એક ખાસિયત એ પણ છે કે એ વ્યક્તિગત નકારાત્મકતા પણ ખેંચે છે. પરિવારમાં રહેતા તમામ સભ્યોએ વીકમાં એક વાર રૉક સૉલ્ટથી સ્નાન પણ કરવું જોઈએ અને જો શક્ય હોય તો ઘરે પાછા આવ્યા પછી ઘરમાં રાખેલા રૉક સૉલ્ટના ટુકડાને સ્પર્શ કરીને ફ્રેશ થવું જોઈએ.

જો રૉક સૉલ્ટનો મોટો ટુકડો ન મળે તો કાચના ટ્રાન્સપરન્ટ બાઉલમાં રૉક સૉલ્ટના નાના ટુકડા પણ રાખી શકાય.

astrology life and style columnists