09 February, 2025 07:41 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
આમ તો મોટા ભાગના લોકોને એવું જ થતું હોય છે કે પોતે મહેનત કરે છે એ મુજબ તેને ધનપ્રાપ્તિ નથી થતી, પણ એ અસંતોષનો ભાવ છે. જો ખરેખર મહેનત કરતા હો, તનતોડ દોડધામ કરતા હો અને એ પછી પણ ધાર્યું પરિણામ ન મળતું હોય અને એને લીધે વાજબી આર્થિક લાભ પણ ન મળતો હોય તો માનવું કે લક્ષ્મીજીને આકર્ષિત કરવાનો સમય આવી ગયો છે. લક્ષ્મીજીને આકર્ષિત કરવાના અનેક રસ્તા છે, જે પૈકીના કેટલાક રસ્તા સરળ અને સામાન્ય છે, જેની આજે આપણે વાત કરવાના છીએ.
૧. નૃત્યમુદ્રાના ગણેશજી
સૌકોઈને ખબર છે કે કોઈ પણ ભગવાન પહેલાં ગણપતિજીનું પૂજન થાય છે. ગણેશજી વિઘ્નહર્તા છે અને વિઘ્ન હર્યા પછી ગણેશજી હંમેશાં પ્રશ્નમુદ્રામાં આવે છે. ગણેશજીની પ્રશ્નમુદ્રા એટલે નૃત્ય કરતા ગણેશજી. ઘરમાં ગણેશજીની નૃત્યમુદ્રાની મૂર્તિ અવશ્ય રાખો. સુખ અને સમૃદ્ધિ આપ્યા પછી ગણેશજી ખુશ થઈને નૃત્ય કરતા હોય એ મૂર્તિના નિયમિત પૂજનની જરૂર નથી, પણ તેમનાં ચરણને સ્પર્શ કરીને કામ પર જવાથી કામમાં સફળતા મળવાની શક્યતા વધે છે.
૨. લક્ષ્મી અને કુબેરજી
ધનની અપેક્ષા રાખતા હો અને ઘરમાં ધનનાં દેવી-દેવતા લક્ષ્મીજી-કુબેરજીને સ્થાન ન આપીએ તો એ કેવી રીતે ચાલી શકે? મોટા ભાગના ઘરમાં જોવા મળ્યું છે કે મંદિરમાં પોતાનાં કુળદેવી-દેવતાનું સ્થાપન કરે, પણ લક્ષ્મીજી અને કુબેરજીને ઘરમાં સ્થાન આપ્યું ન હોય. જો એવું હોય તો લક્ષ્મીજી-કુબેરજીને મંદિરમાં અચૂક સ્થાન આપો. મૂર્તિ ન લઈ શકતા હો તો લક્ષ્મીજી-કુબેરજીના યંત્રની મંદિરમાં સ્થાપના કરો અને સગવડ થાય ત્યારે મૂર્તિ લાવો, પણ જેની ખેવના છે તેમનું ઘરમાં સ્થાપન કરો.
૩. એક શ્રીફળ અવશ્ય
ઘરના મંદિરમાં એક શ્રીફળ અવશ્ય રાખવું જોઈએ. સૌકોઈ જાણે છે કે શ્રીફળને ઈશ્વરનું ફળ માનવામાં આવ્યું છે. જો મંદિરમાં શ્રીફળ રાખવાની જગ્યા ન હોય તો ઉત્તર-પૂર્વ દિશામાં પણ શ્રીફળ મૂકી શકાય, પણ મંદિરમાં રહે તો વધુ સારું. મંદિરની ઉપર શ્રીફળ ન મૂકતા. કારણ કે મંદિર પર ભાર ન મૂકવો જોઈએ. મંદિરમાં રાખેલા શ્રીફળને પૂનમના દિવસે વધેરી એનો પ્રસાદ ગ્રહણ કરવો. જો એ શ્રીફળમાંથી શ્રીજળ ન નીકળે કે ઓછું નીકળે તો સહેજ પણ નાસીપાસ થવાની જરૂર નથી. ઘરમાં પૂજાસ્થાને રહેલું શ્રીફળ ઈશ્વરને ધરવામાં આવેલું જમણ છે અને એ હક દરેક ઈશ્વરનો છે. ભગવાનને ધરેલું શ્રીફળ શ્રી-શુભ અને શ્રી-લાભ આપનારું બને છે.
૪. નજર સમક્ષ મોરપંખ
મોર કળા ક્યારે કરે છે એ ખબર છેને? જ્યારે ખુશ હોય ત્યારે. ઘરમાં મોરપંખ રાખવાથી પરિવારમાં ખુશી વધે છે અને ખુશીને કારણે જન્મતા સકારાત્મક વિચારો કાર્યસફળતા આપવાનું કામ કરે છે. શ્રેષ્ઠ વાસ્તુનિવારણ જો કોઈ હોય તો એ મોરપંખ છે. વિશ્વકર્મા ભગવાને કહ્યું છે કે વાસ્તુદોષને દૂર કરવા માટે આર્થિક સજ્જતા નહીં હોય એ મોરપંખ દ્વારા પણ વાસ્તુનિવારણ કરી શકે છે. ઘરમાં મોરપંખ એવી જગ્યાએ રાખો જેથી મહત્તમ સમયે એ નજર સામે આવે. જગ્યાનું જો સૂચન કરવાનું હોય તો ઘરમાં રાખેલી વૉલ-ક્લૉક બેસ્ટ જગ્યા છે. કારણ કે મોટા ભાગના લોકો દિવસ દરમ્યાન ઘડિયાળમાં સમય જોતા હોય છે. એ સિવાયની અન્ય જગ્યા પણ પસંદ કરી શકાય, પણ હા, એ વાતનું ધ્યાન રાખવાનું કે એ મોરપંખ મહત્તમ નજરમાં આવે.
આ મોરપંખનો અંગત ઉપયોગ કરવાનો નથી એ યાદ રહે અને એ પણ યાદ રહે કે એ ખરીદવાનું નથી. કુદરતી રીતે જ સાંપડે એવો પ્રયાસ કરવાનો. ગામડામાં આજે પણ મોરપંખ સહેલાઈથી મળી જાય છે.
પ. પરિવારની લક્ષ્મીનું સન્માન
અગાઉ કહ્યું છે, જે આજે ફરી કહેવાનું છે. જે પરિવારમાં લક્ષ્મીનું એટલે કે મા-દીકરી-પત્ની-બહેન કે પછી અન્ય કોઈ પણ સ્ત્રીપાત્રને સન્માન નથી મળતું એ ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ કરતાં નથી. પરિવારની લક્ષ્મીનું સન્માન કરો. તેમની સાથે પ્રેમપૂર્વક વાત કરો અને તેમને સમય આપો. જેમાં વધુ આર્થિક લાભ થવાનો હોય એવા કામની વાત પણ સૌથી પહેલાં પરિવારની લક્ષ્મીને કરો અને તેમને વિનંતી કરો કે એ પણ તમારા વતી ભગવાનને સફળતા માટે પ્રાર્થના કરે. પરિણામ ચોક્કસપણે મળશે એની ખાતરી રાખજો.