કઈ રાશિની વ્યક્તિને કઈ ગિફ્ટ આપવાનું ટાળવું?

19 October, 2025 03:32 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

દરેક રાશિનો પોતાનો સ્વભાવ છે, એ સ્વભાવથી વિપરીત ગિફ્ટ આપવી હિતાવહ ન હોવાથી પ્રયાસ કરવો કે રાશિ મુજબની ગિફ્ટ આપવી

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે

રાશિનો પોતાનો સ્વભાવ છે જે એ રાશિની વ્યક્તિમાં આવે છે. મહદંશે રાશિ વિરુદ્ધ કોઈ વર્તતું હોય એવું બનતું નથી અને એટલે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે રાશિ વિરુદ્ધ ક્યારેય કોઈને કશું આપવું ન જોઈએ. જો એવું બને તો બે પ્રકારનાં પરિણામ આવી શકે. એક, કાં તો ભેટ લેનારી અને ભેટ આપનારી વ્યક્તિ વચ્ચે ખટરાગ ઊભો થાય અને બે, કાં તો ભેટ લેનારી વ્યક્તિને એ ભેટથી નુકસાન થાય. તમે કોઈને ગિફ્ટ આપતા હો તે સ્વાભાવિક રીતે તમારી પ્રિય કે આદરણીય જ વ્યક્તિ હોય તો પછી સંબંધોમાં ખટાશ કે ખટરાગ શું કામ આવવો જોઈએ?

એવું ન બને જો પહેલેથી જ રાશિ વિરુદ્ધની ભેટ આપવાનું ટાળી દેવામાં આવે તો. ચાલો જાણીએ કે કઈ રાશિનો કેવો સ્વભાવ છે અને એ રાશિને કેવા પ્રકારની ગિફ્ટ ન આપવી જોઈએ.

મેષ : મેષ રાશિ શક્તિ અને ગતિનું પ્રતીક છે. આ રાશિની વ્યક્તિને ક્યારેય અંદરથી ખાલી હોય એ પ્રકારની પોલી ચીજવસ્તુની ભેટ ન આપવી જોઈએ તો સાથોસાથ આ રાશિની વ્યક્તિને ક્યારેય ભારેખમ ચીજ પણ ભેટમાં આપવી ન જોઈએ.

વૃષભ : રાશિના ચિહન મુજબ જ બળવાન અને અત્યંત મૂલ્યવાન પ્રકૃતિ ધરાવતી આ રાશિની વ્યક્તિને સસ્તી કે નીચી ગુણવત્તાની ચીજ ભેટ તરીકે આપવી નહીં. આ વ્યક્તિને વારંવાર ભેટ આપવાને બદલે વર્ષમાં એક વાર ભેટ આપવી પણ મોંઘી અને બ્રૅન્ડેડ આઇટમ આપશો તો એ તેને ખૂબ ગમશે. નીચી ગુણવત્તાની ચીજની એ વસ્તુ તમારી પણ કિંમત ઘટાડશે.

મિથુન : વિવિધતા એ આ રાશિનો સ્વભાવ છે. દર વખતે એને જુદું-જુદું ગમે છે એટલે ક્યારેય તેની એક પસંદને પારખીને તેને ભેટ ન આપવી. બીજી વાત. મિથુન રાશિના ધારકને ક્યારેય એવી ચીજ ન આપો જેનો કોઈ વપરાશ ન હોય. શો-પીસ તેને ગમતું નથી, પણ એને બદલે જીવનોપયોગી ચીજ તેને વધારે પસંદ છે.

કર્ક : ઉગ્ર સ્વભાવની પ્રકૃતિ ધરાવતા આ રાશિના લોકોને ક્યારેય ઠંડી કે ગળી ચીજવસ્તુ ભેટ તરીકે ન આપવી જોઈએ. કર્ક રાશિનો સ્વભાવ છે કે બીમારીને એ ઘરમાં રહેવા દેતી નથી એટલે તેમને ક્યારેય એવી ભેટ પણ ન આપવી જેનાથી બીમારી આવી શકે. શક્ય હોય તો આ રાશિના લોકોને સ્વાસ્થ્યવર્ધક ભેટ આપવી જોઈએ.

સિંહ : રાશિના નામમાં જ એકલવીરની છાંટ છે ત્યારે સમજી જવું જોઈએ કે આ રાશિના લોકોને સામાન્ય કે પછી સહન કહેવાય એવી ભેટ ક્યારેય આપવી નહીં. રૅર કે ભાગ્યે જ જોવા મળતી હોય એવી ચીજ તેમને આકર્ષે છે અને એવી ગિફ્ટથી તે પ્રભાવિત પણ થાય છે. સિંહ રાશિની વ્યક્તિને સસ્તી ગિફ્ટ પણ ન આપવી જોઈએ.

કન્યા : ફરી એક વાર આ રાશિનું નામ જ પુરવાર કરે છે કે એનામાં સૌંદર્ય ભારોભાર છે. કન્યા રાશિની વ્યક્તિને ભેટ આપવાની આવે એ સમયે ધ્યાન રાખવું કે તેમને યુનિસેક્સ કહી શકાય એવી પ્રોડક્ટ ક્યારેય ભેટમાં ન આપવી. બીજી ખાસ વાત. કન્યા રાશિની વ્યક્તિને બ્યુટી-પ્રોડક્ટ્સ પણ ભેટમાં ન આપવી જોઈએ.

તુલા : જેમાં બૅલૅન્સ નથી કે પછી જેને સમજવા માટે દિમાગનો ઉપયોગ કરવો પડતો હોય એવી ચીજ ક્યારેય તુલા રાશિના ધારકને ભેટમાં ન આપવી. તુલા બૅલૅન્સનું કામ કરે છે. દરેક ચીજમાં એને દેખાવ અને સાથોસાથ ઉપયોગિતા જોવાની આદત જન્મજાત છે એટલે તેને ભેટ આપવામાં આવે ત્યારે આ વાત યાદ રાખવી જોઈએ.

વૃશ્ચિક : ગહન વિચારધારા ધરાવતી વૃશ્ચિકને અર્થપૂર્ણ ભેટ આપવી જોઈએ. જો આ વ્યક્તિને તમે છીછરી ચીજ આપો છો તો એ ભેટ આપનારાની બુદ્ધિમત્તા માપી લે છે. બીજી વાત. વૃશ્ચિક રાશિના લોકોને ઘરવપરાશની ચીજ પણ ભેટમાં ન આપવી જોઈએ, કારણ કે તે પોતાની અંગત ચીજવસ્તુઓ માટે હંમેશાં વધારે ભાવુક રહે છે.

ધન : ફરી એક વાર કહેવાનું કે આ રાશિના નામમાં જ પૈસો દેખાડવામાં આવ્યો છે. જો ધન રાશિની વ્યક્તિને ઘરવપરાશની કોઈ ભેટ આપવામાં આવે તો તે અંદરથી નાસીપાસ થાય છે એટલે ક્યારેય તેને ઘરકામની કે પછી જનરલ ઉપયોગની ચીજ ભેટમાં ન આપવી. ફરવું તેને ગમે છે એટલે ફરવા માટે ઉપયોગી આઇટમ તેના માટે ભેટ તરીકે બેસ્ટ છે.

મકર : આકર્ષક અને ફૅશનેબલ ચીજવસ્તુઓ તેને પસંદ છે, પણ જો એનો કોઈ ઉપયોગ નથી કરતું તો તે તરત મૂડલેસ થઈ જાય છે. મકર રાશિની વ્યક્તિને રોજબરોજના ઉપયોગમાં આવે એવી આઇટમ ભેટ તરીકે આપવામાં આવે તો તે ખૂબ ખુશ થાય છે. આ ઉપરાંત તેને સમયોચિત ભેટ આપવી પણ હિતાવહ છે.

કુંભ : સામાન્ય, પરંપરાગત કે પછી ધારણા મૂકી શકાતી હોય એવી ચીજવસ્તુ ક્યારેય કુંભ રાશિના ધારકને ન આપવી જોઈએ. કુંભનો સ્વભાવ છે કે તે વૈચારિક અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચાલે છે એટલે તેમને નોખા પ્રકારની, વૈચારિક બુદ્ધિમત્તા ધરાવતી અને ભવિષ્યમાં ઉપયોગી બની શકે એવી ચીજવસ્તુઓ વધારે ગમે છે.

મીન : આ રાશિના લોકો કલ્પનાશીલ છે, ભાવનાઓની બાબતમાં વધારે સજાગ છે ત્યારે તેમને વ્યવહારુ ચીજવસ્તુઓની ભેટ ન આપવી જોઈએ. તેમની વિચારશીલતા વધારે, તેમનું સૌંદર્ય વધારે એવી ચીજવસ્તુ તેમને સવિશેષ ગમતી હોય છે. શક્ય હોય તો મીન રાશિના લોકોને મોંઘી બ્રૅન્ડની ચીજ ભેટમાં આપવી જોઈએ. 

astrology zodiac columnists exclusive life and style gujarati mid day