ઉપકારમાંથી અહંકાર નીકળે ત્યારે એનું નામ કરુણા થઈ જાય

22 July, 2021 01:47 PM IST  |  Mumbai | Morari Bapu

બીજાના દુઃખને જોઈને માણસ કૂદી પડે કે જેટલું મારા વશમાં હોય એટલું તો હું કરું, એટલી જવાબદારી તો હું લઉં અને એવું કરીને હું તેને સુખી કરું એ જે ભાવ છે એ કરુણા છે.

મિડ-ડે લોગો

કોઈ ક્ષમાવાન માણસ સતત ક્ષમા કરતો હોય, પરંતુ પોતે ખૂબ જ ક્ષમા કરે છે એનો ભાર લાગવા માંડે તો ક્ષમા સુખ મટીને દુઃખ બની જશે. કૃપા કર્યા પછી જે સંકોચ અનુભવે એ જ સાચી કૃપાળતા. કૃપા કર્યા પછી કહે એવું ગૌરવ છે કે મેં કોઈ ગરીબનો ઉદ્ધાર કર્યો, કોઈક ઉપેક્ષિતનો ઉદ્ધાર કર્યો, કોઈ વંચિતનો ઉદ્ધાર કર્યો તો એ કૃપાળતા નથી જ નથી.
સાચી કરુણા તો ચંદનનાં લાકડાં જેવી હોય છે. કુહાડી ચંદનને કાપે છે અને બદલામાં ચંદન કુહાડીના કાટ ખાઈ ગયેલા લોખંડને સુવાસિત કરે છે. એવી જ રીતે જે દૂષિતને પણ સુવાસિત કરે એ સાચી કરુણા છે, એ સાચી ક્ષમા છે. સત્યના પુત્રનું નામ અભય છે, પ્રેમના દીકરાનું નામ ત્યાગ છે અને કરુણાની દીકરીનું નામ અહિંસા છે. 
મહાભારત જેવું ભયંકર યુદ્ધ જગાડનારા શ્રીકૃષ્ણ મારી દૃષ્ટિએ અહિંસક છે, કારણ કે કૃષ્ણના આચરણમાં સત્ય છે. તેમની હિંસાના પાયામાં પ્રેમ છે અને દુશ્મન પ્રત્યે પણ કરુણા છે. ભૂલવું નહીં કે માત્ર કરુણા જ માણસને અહિંસક બનાવી શકે.
ઉપકારમાંથી અહંકાર નીકળી જાય ત્યારે એનું નામ કરુણા થઈ જાય છે.
બીજાના સુખને જોઈને તમે ગાઈ ઊઠો કે ભગવાન તેને વધુ સુખ આપે, એવી મનમાં પણ પ્રાર્થના થઈ જાય એનું નામ કૃપા. બીજાના દુઃખને જોઈને માણસ કંપી જાય, ભલે તે બિચારો કંઈ ન કરી શકે; લાચારીને લીધે તે કોઈ પગલાં ન લઈ શકે, પણ એ જોઈને જે કંપી જાય, ધ્રૂજી જાય એ કંપનનું નામ અનુકંપા.
બીજાના દુઃખને જોઈને માણસ કૂદી પડે કે જેટલું મારા વશમાં હોય એટલું તો હું કરું, એટલી જવાબદારી તો હું લઉં અને એવું કરીને હું તેને સુખી કરું એ જે ભાવ છે એ કરુણા છે. યાદ રાખજો કે કરુણા માણસને બેસવા દેતી નથી. જેનામાં કરુણા હોય એ માણસ બેસી નથી શકતો અને તે બેસે પણ નહીં. તે સતત પીડા અને વ્યથા જોયા કરતો હોય અને એ જોઈને પોતાનાથી થાય એ બધું કરવા માટે દોડતો હોય.
તમે જુઓ, બુદ્ધને કોઈ જરૂર નહોતી કે તે એક જંગલમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા જંગલમાં ભટકે. દસ-દસ હજાર ભિક્ષુઓને લઈને ઘૂમતા રહે છે, એ છે કરુણા. એ માણસ દુઃખથી મુક્ત હોય અને બીજાને દુઃખમાંથી મુક્ત કરીને સુખી થતો હોય છે. કરુણા અને દયા વચ્ચે ફરક છે. એ ફરકની વાત આપણે હવે પછી કરીશું.

columnists astrology