તમામ સ્વાશ્રયી સ્ત્રીઓ સ્વચ્છંદી એવી ધારણા મનમાં ક્યારે જન્મે?

22 November, 2021 03:39 PM IST  |  Mumbai | Swami Sachidanand

હિન્દુ પ્રજા ધર્મ તથા સમાજની રચના-માન્યતાઓ દ્વારા દુર્બળ થયેલી પ્રજા છે. દિનપ્રતિદિન એની દુર્બળતા ચારે દિશામાં પ્રસરી રહી છે.

મિડ-ડે લોગો

આપણે ત્યાં મહત્તમ વર્ગ વિધવાવિવાહમાં માનતો નથી. કુંવારી કન્યાઓને પરણવા માટે પણ જ્યાં વરપક્ષ તરફથી ત્રાસદાયી પૈઠણ લેવાતું હોય ત્યાં પૈઠણ વિનાની વિધવાને પરણવા કોણ તૈયાર થાય? બીજી તરફ એક જ સ્ત્રી પરણવાનો નિયમ વધારાની સ્ત્રીઓ માટે નિશ્ચિત શૂન્યતા સર્જે છે. 
માણસની પ્રથમ આવશ્યકતા અન્ન છે, પણ માત્ર અન્નથી જ જીવન કૃતકૃત્ય થઈ જતું નથી. જીવન લાગણીઓને ઝંખે છે તથા કુદરતી આવેગોને ઠારવા તરફડે છે. જ્યારે એક દિશામાં માત્ર શૂન્ય જ શૂન્ય દેખાય છે ત્યારે તેને બીજી દિશા તરફ અનિચ્છાએ પણ પગલાં ભરવાં પડે. આ બીજી દિશા એક જ સ્ત્રી પરણવાના નિયમથી મુક્ત છે. સામાજિક કુલીનતાના ભારથી પણ લગભગ મુક્ત છે. નિરાશ્રિત સ્ત્રીઓ હતાશ થઈને એ તરફ ખેંચાઈ જાય કે ખેંચી લેવામાં આવે એ અશક્ય નથી. હિન્દુ પ્રજા ધર્મ તથા સમાજની રચના-માન્યતાઓ દ્વારા દુર્બળ થયેલી પ્રજા છે. દિનપ્રતિદિન એની દુર્બળતા ચારે દિશામાં પ્રસરી રહી છે. એ પોતાના જ માણસોને અસ્પૃશ્યતા તથા અસમાનતાના વ્યવહારથી સાચવી નથી શકતી, એમ પચાવી પણ નથી શકતી. નિરાશ્રિત સ્ત્રીઓ ક્યાં જાય? શું કરે? જો તે વિધર્મીઓ તરફ ખેંચાઈ જાય તો કોનો વાંક? 
આપણે પરલોકપ્રેમી જીવ છીએ એટલે લગભગ જીવનના બધા જ પ્રશ્નોનું સમાધાન પરલોકની દૃષ્ટિથી કરીએ છીએ. આવાં નિરાધાર સ્ત્રી-પુરુષો માટે સાધુ-સાધ્વી થઈ જવાનું એક સુંદર મજાનું આધ્યાત્મિક ક્ષેત્ર આપણે ખોલ્યું છે. એક તરફ નિરાધારત્વમાંથી મુક્તિ તો બીજી તરફ પરલોક પણ સુધરે. સાધુવર્ગમાં થોડાક ટકા ખરેખર વૈરાગ્યથી, સામર્થ્ય હોવા છતાં સાધુ થનારા છે જ, પણ બીજો કેટલોક વર્ગ આજીવિકા તથા જીવનના અન્ય પ્રશ્નોથી છૂટવા આ તરફ આવનારો પણ છે. સાંસારિક પ્રશ્નોથી મૂંઝાઈને વૈરાગ્યમાર્ગ તરફ વળનારામાંથી પણ ઘણા સાત્ત્વિક પ્રકૃતિના હોય છે અને વૈરાગ્યને દીપાવી જાણતા હોય છે, પણ  બધા જ એવા નથી હોતા. મોટા ભાગના વૈરાગ્ય વિનાના; અરે, કેટલાક તો રાગવાળા પણ હોય છે. 
આ બાબતમાં તેમના દોષ કરતાં તેમને દીક્ષા આપનારનો વધુ દોષ કહેવાય. વૈરાગ્ય વિના પરિસ્થિતિવશ દીક્ષા લેનાર અને દીક્ષાને નહીં દીપાવનાર તો થોડા હોય, પણ વૈરાગ્યદીક્ષાની પરિસ્થિતિ ઊભી કરાવનાર, ખેંચનાર, લલચાવનાર અને ફસાવનાર ઘણા હોય. કોઈ લાચાર જીવનને બરબાદ કરી નાખવાની આ પ્રવૃત્તિને ધિક્કારવાની જગ્યાએ પ્રજા અહોભાવથી નિહાળે. આ પરલોક પ્રત્યેના રાગનું પરિણામ છે. ખરેખર તો આવા નિરાધારને આધાર મળે અને એ સાચું જીવન પામે એવા પ્રયત્નો કરવા જોઈએ. જોકે વૈરાગ્યના ક્ષેત્રમાં વૈરાગ્યહીન માણસોનો પ્રવેશ ન થવો ઘટે, પણ એથી જો નિરાધાર માણસોને જીવન જીવવાનો આધાર મળતો હોય તો એને ચલાવી લેવું જોઈએ.

astrology columnists swami sachchidananda