પ્રેમ હોય ત્યારે ક્યારેય પ્રિયતમમાં દોષ નથી દેખાતો

27 October, 2021 11:05 AM IST  |  Mumbai | Morari Bapu

પ્રેમસુખ અને બ્રહ્મસુખ બંનેમાં ભય ન હોઈ શકે. એને લીધે તો સામાન્ય વ્યક્તિમાં પણ અભય અવસ્થા આવી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

ગયા ગુરુવારે વાત થઈ એમ માનવસ્વભાવ છે કે જે વાસી થઈ જાય એનો ત્યાગ કરી દે છે. જેને તમે હાથ ઝાલીને લાવ્યા હતા તે પત્નીનું સુખ પણ જ્યારે તમને વાસી લાગવા માંડે છે ત્યારે તમે તેનો તિરસ્કાર કરો છો. પ્રેમ ક્યારેય વાસી ન થાય. તે નિત્ય નવીન રહે છે. જો કોઈ પર પ્રેમ હોય અને જો એ વાસી થાય તો સમજવું કે તે પ્રેમ નહોતો, ભ્રાંતિ હતી. પ્રેમ તો પરમ પતિ સાથે હોઈ શકે. ગોપીઓને પોતપોતાના પતિઓ તો હતા જ, પરંતુ એ બધી જ્યારે આ પરમ પતિને મળે ત્યારે ન તો એ પતિઓએ વિરોધ કર્યો છે કે ન તો પરમ પતિએ. હા, કસોટી કરવા માટે વઢે ખરા કે તું કેમ આવી, ઘર-પરિવાર છોડીને તારે રાત્રે અહીં નહોતું આવવું જોઈતું. જોકે આ તો કસોટી છે, કમળ નથી કે રાત્રે કરમાઈ જાય. વાસી વસ્તુ ઈશ્વરને અર્પણ નથી થતી. તેમને તાજી વસ્તુ જ સમર્પિત કરવામાં આવે છે. 
હવે જોઈએ પ્રેમ પ્રકૃતિનો વધુ એક ગુણ. આ ગુણ છે અભય. હા, પ્રેમમાં ભય ન હોય, ક્યારેય નહીં.
ભય હોય તો રાતના બાર વાગ્યે આ ગોપીઓ દોડીને કૃષ્ણ પાસે ન જઈ શકે. પ્રેમમાં ભય નથી, કારણ કે નિર્ભયતા આપનાર દાતા સાથે પ્રેમ કર્યો છે. શું બ્રહ્મસુખમાં ક્યારેય ભય હોઈ શકે? જો એમાં ભય હોય તો તે બ્રહ્મસુખ શાનું? અરે, બ્રહ્મસુખના અનુભવી મહાપુરુષોની પાસે તો સાપ આવીને બેસી જાય તો પણ તેમને ડર નથી લાગતો, ભય નથી લાગતો એટલે તો ભૂતનાથ શંકરનાં દર્શન થાય છે. પ્રેમસુખ અને બ્રહ્મસુખ બંનેમાં ભય ન હોઈ શકે. એને લીધે તો સામાન્ય વ્યક્તિમાં પણ અભય અવસ્થા આવી જાય છે.
અદોષિત - પ્રેમ પ્રકૃતિનો હવે પછીનો ગુણ છે. પ્રેમ હોય ત્યારે પ્રિયતમમાં દોષ નથી દેખાતો, ક્યારેય એના પર નજર જ ન જાય અને ધારો કે પ્રિયતમમાં કોઈ દોષ દેખાય તો પણ તેનો ત્યાગ કરવાની ઇચ્છા નથી થતી; પરંતુ એવું લાગે છે કે તેમને સેવાની વધારે જરૂર છે, હું તેમની વધારે સેવા કરું. આ પ્રેમ છે. તમે તો કોઈ સાથે મહોબ્બત કરો છો અને તેનામાં દોષ જોતાં જ તેનો ત્યાગ કરો છો. પ્રેમમાં વિરક્તિ ન આવે. બ્રહ્મસુખમાં તો દોષનો સવાલ જ નથી ઉદ્ભવતો એટલે ત્યાગ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી. એ તો બધાં અવતરણોથી મુક્ત છે, મળથી મુક્ત છે, ખેલ કે દલખગીરીથી મુક્ત છે.

astrology columnists