અકારણ કેતુને જગાડનારાનું જીવન ક્ષણિક વૈરાગ્યની દિશા પકડે છે

29 March, 2026 07:04 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

સ્પિરિચ્યુઅલ અને ધાર્મિક આસ્થાના પ્રતિનિધિ સમાન કેતુ ગ્રહ સમય પહેલાં પોતાનું કાર્ય શરૂ કરે નહીં એ જોવાની જવાબદારી માબાપની છે. કેતુને કારણે જ નાની ઉંમરે સંન્યાસ લેવાનો ભાવ મનમાં જન્મી શકે છે

અકારણ કેતુને જગાડનારાનું જીવન ક્ષણિક વૈરાગ્યની દિશા પકડે છે

સંન્યાસ ખરાબ કે ખોટો નથી, પણ અયોગ્ય સમયે લેવામાં આવતો સંન્યાસ ગેરવાજબી પુરવાર થઈ શકે છે. આપણે ત્યાં અગાઉના સમયમાં અનેક ઋષિઓએ નાની ઉંમરના સંન્યાસને પાપ ગણાવ્યો છે. આ આખી વાતને જો વાસ્તવવાદી બનીને વિચારો તો એ સાચી પણ લાગે. રાષ્ટ્રહિત માટે કામ કરવાનું હોય, પારિવારિક ભાવનાઓ સાથે કામ કરવાનું હોય એવા સમયે સંસાર ત્યજીને ભગવાં કે શ્વેત વસ્ત્રો ધારણ કરે એ વાજબી નથી. ઋષિઓ પહેલાંના સમયમાં અમુક ચોક્કસ સમય સુધી શિષ્યને સાથે રાખતા પણ તેને સંન્યાસ આપતા નહીં. એની પાછળનું કારણ એ જ કે રાષ્ટ્રએ જે આપ્યું છે, સમાજ અને પરિવારે જે આપ્યું છે એનું વળતર ચૂકવીને જ કેતુચીંધ્યા માર્ગે આગળ વધવું જોઈએ.

સાચા નાગરિક પુરવાર થઈને રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માત્ર સંતાનોએ જ નહીં પણ એક ચોક્કસ ઉંમર સુધી તેમનાં માબાપે પણ ધ્યાન આપવું જોઈએ. ધ્યાન રાખવા જેવી એ વાતો કઈ છે એ જાણવા જેવું છે. સંતાનોના જીવનમાં કેતુ પ્રબળ ન બની જાય અને એને લીધે અકારણ વૈરાગ્ય ન આવે એ માટે તેમણે શું સતર્કતા રાખવી એ જોઈએ.

બેડરૂમની સાચી દિશા

ટીનેજ કે યંગએજ સંતાન ઈશાન એટલે કે ઉત્તર-પૂર્વ ખૂણાનો ઓછામાં ઓછો ઉપયોગ કરે એ બહુ જરૂરી છે. ઈશાન ખૂણો દેવસ્થાન છે. દેવનું સાંનિધ્ય સારું, પણ એ સાંનિધ્યમાં લાંબો સમય રહેવામાં આવે તો સંસાર અસાર લાગવા માંડે એવું બની શકે છે. એવું ન બને એ માટે શક્ય હોય ત્યાં સુધી ઈશાન ખૂણાનો બાળકો ઓછામાં ઓછો ઉપયોગ કરે એ જોવું જોઈએ. ઈશાન ખૂણામાં માથું રાખીને સૂવું પણ ન જોઈએ. શાસ્ત્રોક્ત રીતે પણ એ પ્રકારની બૅડ અરેન્જમેન્ટ ખોટી છે. ઈશાન દિશામાં મસ્તક રાખીને સૂવાની બીજી આડઅસર એ છે કે એ પ્રકારે સૂવાથી ઊંઘનું પ્રમાણ ખૂબ ઘટે છે, જેની સીધી આડઅસર મન અને વિચારો પર દેખાય છે.

જોવામાં આવ્યું છે કે ઈશાન દિશામાં માથું રાખીને સૂતા લોકો પર ડિપ્રેશનની અસર વધારે દેખાય છે તો સાથોસાથ એ પણ જોવામાં આવ્યું છે કે નિયમિત રીતે ઈશાનમાં માથું રાખીને સુનારાઓની માથાના દુખાવાની ફરિયાદ કાયમી હોય છે.

કલરની બાબતમાં સતર્કતા

અયોગ્ય કે કાચી ઉંમરે કેતુ જાગ્રત ન થાય એવું ઇચ્છતા હો તો સંતાનની આસપાસ ભૂખરા રંગનો ઉપયોગ ઓછો થાય એ માટે પ્રયાસ કરવો જોઈએ. કેતુ ધર્મ અને અધ્યાત્મનો પ્રતિનિધિ છે, પણ ધર્મની વાતો પાકટ કે પ્રૌઢ વયે સારી લાગે. નાની ઉંમરે કરવામાં આવતી ભારેખમ વાતો જીવનનો હેતુ બદલવાનું કામ કરી બેસે છે. વાત કરીએ રંગની. કેતુને અકારણ જાગૃત ન કરવો હોય તો ગ્રે કલરનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એ જરૂરી છે તો સાથોસાથ વાઇટ અને ગ્રીન રંગનો ઉપયોગ મહત્તમ થાય એ માટે પ્રયાસ કરવો જોઈએ. વાઇટ રંગ શુક્રનો કારક છે, જ્યારે ગ્રીન રંગ બુધનો કારક છે.

નાની ઉંમરે ધર્મની જરૂર કરતાં પણ વધુ વાતો કરતા થઈ ગયેલા છોકરાઓમાં બ્લુ કલરનો વપરાશ વધારવો જોઈએ તો છોકરીઓમાં પિન્ક કે પર્પલ કલરનો વપરાશ વધારવો જોઈએ. એ બન્ને રંગ જીવન પ્રત્યે મમત્વ જન્માવનારા છે.

ખોરાક પણ બને ઉપયોગી

કેતુકારક વ્યક્તિના ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ. પરેજીની બાબતમાં જો સ્વાસ્થ્યલક્ષી પરેજી હોય તો એને સ્વીકારવી. અન્યથા તેના ખોરાકમાં સફેદ રંગની ચીજવસ્તુઓ અને લીલોતરીનું પ્રમાણ વધારવું જોઈએ. વ્યક્તિની કુંડળીમાં રહેલો કેતુ કેવો પ્રબળ છે એ જાણવાનો સરળ રસ્તો એ જ છે કે તે દરેક વાતમાં, પોતાની દરેક રીત કે લાઇફસ્ટાઇલમાં ધર્મને જોડવાનું કામ કરશે. જેટલો ધર્મનો પ્રભાવ વધારે એટલી કેતુની અસર વધારે. આગળ કહ્યું એમ સમયના પહેલાં કોઈ ગ્રહની અસર તીવ્રતા પર ન પહોંચવી જોઈએ, કારણ કે દરેક ગ્રહની તીવ્રતાની ઉંમર છે.

નાની ઉંમરે જાગ્રત થયેલો શુક્ર યુવાવસ્થાએ પહોંચે ત્યારે અસ્ત થઈ જાય તો તેને કામનો મોહ નથી રહેતો કે અથાગ પરિશ્રમ પછી પણ તે સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. મોટા ભાગના બાળકલાકારો યુવાવસ્થામાં ખોવાઈ જાય છે એની પાછળનું કારણ પણ આ જ છે. શુક્ર જેમ પોતાનું કામ કરે છે એવું જ કેતુનું પણ છે. નાની ઉંમરે જાગૃત થયેલો કેતુ સમય જતાં ધર્મથી મોઢું ફેરવી લે અને પછી તેને સંસારમાં સાર દેખાવાનો શરૂ થાય એવું બની શકે છે.

એક ખાસ વાત. ઉપર કહી એ તમામ વાતોના વિરોધમાં ચાલવાથી કેતુ પ્રબળ બને છે એટલે પ્રૌઢ વયે પહોંચેલા સાથે એવું કરી શકાય, જેથી એ મોટા મન સાથે બધું જતું કરતાં શીખી જાય અને ઘરના કજિયામાં રસ લે નહીં.

columnists astrologer astrology lifestyle news life and style gujarati mid day