08 March, 2026 12:56 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
કાર્મિક બંધન શું કામ? પૂર્વજન્મનાં કર્મોના બંધનથી બે વ્યક્તિ બંધાયેલી હોવાથી આ સંબંધને શાસ્ત્રોમાં કાર્મિક બંધન કહેવામાં આવ્યો છે.
કેટલાક સંબંધો એવા છે જે એકદમ સાવ અનાયાસ જ ઊભા થઈ જાય અને પછી એ સંબંધો વર્ષોવર્ષ ટકે. તમે કલ્પના પણ ન કરી હોય. ટ્રેનમાં જતા હો અને એ ટ્રેનમાં તમને કોઈ એવું મળી જાય અને પછી એ સંબંધો લાંબો સમય ટકે. આવું કેમ બને? આવું બનવા પાછળ શાસ્ત્રો કહે છે કે લોહીના સંબંધો પરિવારમાંથી મળે, પણ અનાયાસ જ જીવનમાં આવી જતા આ પ્રકારના સંબંધો કાર્મિક બંધનનું પરિણામ છે. કાર્મિક બંધનની સીધી અને સરળ વ્યાખ્યા એટલી કે એવા સંબંધો જે તમે ગયા જન્મથી લઈને આવો છો. કાં એ સંબંધો જૂના હિસાબનો સંબંધ છે, જૂની અદાવત સાથે આવ્યા હોઈ શકે કાં એ સંબંધ પૂર્વજન્મની અધૂરી લેણાદેણીને કારણે આ જન્મમાં ફરી મળ્યો છે અને કાં તો એ સંબંધ આગલા જન્મની અધૂરી ઇચ્છા સાથે આ જન્મમાં ફરી આવ્યો છે.
પરિવાર સિવાય તમારા જીવનમાં જોડાતા અન્ય સૌકોઈ કાર્મિક કારણોસર જ જોડાતા હોય છે. મળતા બૉસથી માંડીને જીવનમાં આવતા પાડોશી પણ કાર્મિક બંધનની નિશાની છે તો સાથે કામ કરનારાઓ પણ કાર્મિક બંધનનો નિચોડ છે એવું કહી શકાય, પણ એ તમામ બંધનોમાં લેણાદેણીનો હિસાબ હોય છે. ઋણાનુબંધન એટલે કે લાગણી અને પ્રેમમાં એવું નથી બનતું. ઘણી વાર આપણે લોકોના મોઢે સાંભળતા હોઈએ છીએ કે ઍરપોર્ટ પર મળી ગયા અને એ પછી બન્ને વચ્ચે એવી તે રિલેશનશિપ આગળ વધી કે છેક મૅરેજ સુધી પહોંચ્યા. ઇન્ટરનેટ પર ચૅટ કરતાં-કરતાં પ્રેમમાં પડ્યા હોય અને મૅરેજ કરી લીધા હોય એવા પણ ઘણા કિસ્સા અગાઉ વાંચવા મળતા. સામાન્ય સંજોગોમાં આપણને આ એક સામાન્ય ઘટના લાગે, પણ આ ઘટના પાછળ કાર્મિક બંધન જવાબદાર છે.
લગ્નજીવન પણ કાર્મિક બંધનનું જ પરિણામ છે. જીવનમાં ઘણા સંબંધો ટૂંકા ગાળામાં તૂટે પણ છે, જે દર્શાવે છે કે કાર્મિક બંધન પૂરું થયું. અનેક પરિવારોમાં બાળકનો નાની ઉંમરે દેહાંત થાય ત્યારે સૌકોઈના માટે એ શોકગ્રસ્ત ઘટના હોય છે. હકીકત એ હોય છે કે તે બાળક લેણાદેણીનો છેલ્લો હિસાબ પૂરો કરવા માટે જ આવ્યું હતું અને એ પૂરો થયો એટલે તેણે વિદાય લીધી છે.
જે અજાણ્યા સંબંધો એક દશકાથી પણ લાંબો સમય ટકે છે એ સંબંધો સ્પષ્ટ કરે છે કે એ લાંબા ગાળા માટે કે આજીવન રહેવા માટે બનેલા છે. કાર્મિક સંબંધોની એક ખાસિયત છે. એ સંબંધો જો વધારે જૂના હોય એટલે કે ગયા જન્મના જ નહીં પણ આગળના જન્મોથી ખેંચાઈ આવતા હોય તો એમાં ઉતાર-ચડાવ ઘણા જોવા મળે અને એ પછી પણ એ સંબંધો ફરીથી ઋણાનુબંધન કે લેણાદેણીના હિસાબને કારણે ફરી એક થઈને ઊભા રહી જાય.
શાસ્ત્રો કહે છે કે કાર્મિક બંધનને હંમેશાં મહત્ત્વ આપવું જોઈએ અને એનો સ્વીકાર કરીને આગળ વધવું જોઈએ, કારણ કે એનો અસ્વીકાર એ નવેસરથી બંધનને આગળ ધકેલવાનું કામ કરે છે અને કાર્મિક બંધન જો આગળ ધકેલાય તો એ હવે પછીના જન્મની યાદીમાં પણ ઉમેરાઈ જાય છે. એટલે કાર્મિક સંબંધોને માન આપીને એ સંબંધોની ગરિમા જાળવવી જોઈએ. જો બંધનની ગરિમા અકબંધ રાખવામાં આવે તો એ બંધન ત્યાર પછી બંધન લાગવાનું બંધ થઈ જાય છે અને એ જવાબદારી લાગવા માંડે છે.
આમ તો વ્યક્તિના જીવનમાં મોટા ભાગના સંબંધો એવા હોય છે જે એક સમયે અજાણ્યા હોય અને પછી તેણે પોતાના વાક્ચાતુર્ય સાથે એ સંબંધો બનાવ્યા હોય છે એટલે દરેક સંબંધને કાર્મિક બંધન માનવો યોગ્ય નથી, પણ અમુક સંબંધો એવા છે જે જોતાં જ તમે અનુભવી શકો કે આ કાર્મિક બંધનમાં આવતો સંબંધ હોઈ શકે છે.
સાવ અજાણ્યા માટે લાગણી થવી અને એ લાગણીને માન આપીને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવું અને એ પણ લાંબા સમય સુધી એ કાર્મિક બંધનનું પરિણામ હોઈ શકે છે. લાગણી માટે સારા-ખરાબ કે સાચા-ખોટાનો ભેદ પણ ભૂલી જવું અને વ્યક્તિને સાથ આપવો એ કાર્મિક બંધનનું પરિણામ છે. એકબીજાની યાતના, પીડા અને લાચારીનો પણ અનુભવ બન્ને એકસાથે કરી શકે એ કાર્મિક બંધનનું સૌથી મોટું સર્ટિફિકેટ છે.