મિથુન (ક,છ, ઘ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

21 October, 2025 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિક્રમ સંવત ૨૦૮૨ મિથુન (ક,છ, ઘ)નું કેવું જશે એ વાંચો અહીં

મિથુન

મિથુન (ક,છ, ઘ)

प्रियकरः करमत्स्ययुतो नरः सुरतसौख्यभरो युवतीप्रियः । 
मिथुनराशिगते हिमगौ भवेत्सुजनातजनकृतगौरवः ।।

મિથુન રાશિ સ્થિત ચંદ્રમાં જન્મ હોય તો જાતક લોકોમાં પ્રિય, હાથમાં મત્સ્યરેખાવાળો, સોહામણો, સ્ત્રીપ્રિય અને સ્વજનોથી સન્માન પામનારો હોય છે

રાશિનાં તમામ જાતકોને નૂતન વર્ષની ખૂબ જ શુભેચ્છાઓ. ગયા વર્ષ દરમ્યાન તમારા પર ગણેશજીના આશીર્વાદ રહ્યા એવી રીતે આ વર્ષમાં પણ તમારા જીવનમાં ખુશીઓ અને રિદ્ધિ-સિદ્ધિ આવે એવી શુભેચ્છાઓ. જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો તબક્કો અપેક્ષા કરતાં થોડો ધીમો રહેશે. ભૂતકાળની કોઈ વાત તમને આ તબક્કામાં વ્યથિત કરી શકે છે. જોકે તમે થોડા સમય પહેલાં જે લક્ષ્યો નક્કી કર્યાં હતાં એ પ્રાપ્ત કરવાની ઉચ્ચ સંભાવના છે. કાર્યની દૃષ્ટિએ તમારા પ્રયત્નો તમને ફળ આપી શકે છે અને જો તમે તમારી ધીરજ જાળવી રાખશો તો કાર્યો વધુ સારી રીતે થવાની શક્યતા છે. તમારી કારકિર્દીમાં કોઈ મુશ્કેલીને આમંત્રણ આપવું નહીં, શાંત રહેવું અને કાર્ય કરતાં પહેલાં બે વાર વિચાર કરવો. તમારા નિર્ણયો સમજદારીપૂર્વક લેવા. મિથુન રાશિના જાતકો માટે આ વર્ષ કારકિર્દીમાં ફેરફારો કરવા માટે અનુકૂળ ન રહેવાનું દર્શાવે છે. આમ છતાં જો તમે નોકરી શોધી રહ્યા છો તો વાર્ષિક ફળકથન મુજબ પ્રથમ ત્રિમાસિક ગાળા દરમ્યાન નોકરી મળવાની ઉચ્ચ સંભાવનાઓ છે. મિથુન રાશિ માટે આ વર્ષે વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસની ઉચ્ચ સંભાવનાઓ દેખાઈ રહી છે. જો તમે તમારા માર્ગમાં આવતી તકો પ્રત્યે સતર્ક રહેશો તો ગ્રહો સૂચવે છે કે તમે આ વર્ષે વધુ ધ્યેયલક્ષી રહેશો અને સક્રિયપણે તમારાં સપનાંઓને આગળ ધપાવશો. તેથી મક્કમ બનો. નિરાશ થવાની અથવા અપેક્ષાઓ પર ખરા ન ઊતરવાની લાગણીને તમારા પર હાવી થવા દેવી નહીં. સકારાત્મક બાજુ જુઓ અને સતત પ્રયત્નો ચાલુ રાખો. ગુરુ અને શનિની સ્થિતિ તમારા જુસ્સાને ઉત્તેજિત કરી શકે છે અને લોકો પર તમારો પ્રભાવ વધારશે. તમે પોતાની જાતને વધુ સારી રીતે વ્યક્ત કરશો અને વ્યક્તિગત અને વ્યાવસાયિક બન્ને રીતે સ્થાયી સંબંધો વિકસાવશો. શનિ ગ્રહ તમારી પાસેથી સત્ય અને પ્રયત્નની માગણી કરી શકે છે. એક તરફ તમને જોમ અને સકારાત્મક ઊર્જા મળશે જે તમને તમારાં કાર્યોને કાર્યક્ષમ રીતે સંચાલિત કરવામાં સક્ષમ બનાવશે અને બીજી તરફ બેદરકારી તમને પરાજય તરફ દોરી જશે એટલે સાવચેત રહેવું, કારણ કે આ વર્ષ માટેનું રાશિફળ તમને આખા વર્ષ દરમ્યાન સાવધ રહેવાની સલાહ આપે છે. આ વર્ષે જવાબદારી એક મુખ્ય શબ્દ છે એટલે તમે અભ્યાસ કરી રહ્યા હો કે વ્યવસાય ચલાવી રહ્યા હો કે કાર્ય કરી રહ્યા હો કે આધ્યાત્મિક વિકાસનો પીછો કરી રહ્યા હો, તમારે તમારા જીવનની જવાબદારી લેવાની જરૂર છે. ઉપરાંત અન્ય લોકો જે તમારી મદદ ઇચ્છે છે તેમને વધારે આપવાનો પ્રયત્ન કરવો, કારણ કે તમે જેટલું વધારે આપો છો એટલો તમને વધારે સંતોષ મળશે. જવાબદારી સાથે તમને સંતોષ પણ મળશે, કારણ કે ગુરુ સંતોષ અને પુરસ્કારો સાથે લાવે છે. આ વર્ષે લાંબા અંતરની મુસાફરીની ઘણી શક્યતાઓ રહેશે અને તમે તમારા પરિવારજનો સાથે મુસાફરી કરવાનું પસંદ કરશો.

પ્રણય અને સંબંધો

પ્રેમની બાબતોમાં સ્વયંસ્ફુરિતતા સૌથી મોટી વસ્તુ છે. સ્વયંસ્ફુરિત બનો અને બીજાઓને પણ એવું જ અનુભવવા દો. નિયંત્રિત અથવા વધુ પડતી માગણી કરવી નહીં. આ વર્ષ માટે મિથુન રાશિની પ્રેમકુંડળી પરિપૂર્ણતા અને નવી શરૂઆત સૂચવે છે. વર્ષના પહેલા ભાગ જેવો બીજો ભાગ સારો રહેશે નહીં. અજોડ તીવ્રતા સાથે ઊંડો વિષયાસક્ત પ્રેમ અપેક્ષિત છે. તમે સંબંધોમાં અર્થ શોધશો અને એ સાચો પ્રેમ શોધવાની તમારી તકોને વધુ મજબૂત બનાવશે. તમે ગયા વર્ષે જે શરૂ કર્યું હતું એ આ વર્ષે સુંદર આકાર લેવાનું શરૂ કરી શકે છે. રોમૅન્સ તમારા જીવનનું બીજું પાસું હશે જે તમને ક્યારેક મોહની દુનિયામાં લઈ જશે અને ક્યારેક તમારો વ્યવહારુ અભિગમ સંબંધોને ખીલવામાં મદદ કરી શકે છે. જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચેના મહિના સંબંધો માટે ખાસ મહત્ત્વપૂર્ણ છે. એક મોહક શક્તિ તમારા પ્રેમ માટે દબાણ કરી શકે છે, પરંતુ એનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. 

નાણાકીય બાબતો

નાણાંની દૃષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેશે. તમારાં નાણાંનું યોગ્ય રીતે સંચાલન કરવું અને એમાં શિસ્તબદ્ધ રહેવું. ઘરમાં તનાવ ટાળવો અને તમારાં કાર્યોમાં એક માળખાનું પાલન કરવું. વર્ષના અંત સુધીમાં તમારી નાણાકીય પરિસ્થિતિ વિશે વધુ સ્પષ્ટતા થશે અને એ તમને વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ કરશે. મિથુન રાશિ માટે આ વર્ષનું રાશિફળ સૂચવે છે કે રોકાણ પર વળતર ચોક્કસ મળશે, પરંતુ કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ જોખમ લેવું. આ વર્ષે આવકના એક કરતાં વધુ સ્રોત રહેશે. રોકડનો અચાનક પ્રવાહ તમને ખુશ કરી શકે છે, પરંતુ આ નાણાંને સંભાળવાનો સમય રહેશે. નાણાં આવતાંની સાથે જ ક્યાં ખર્ચ કરવો એના પર ધ્યાન કેન્દ્રિત કરવું. સારાં માધ્યમોમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. તમને મિલકત ખરીદવામાં ખાસ રસ લાગશે.

નોકરી અને વ્યવસાય

આ વર્ષ દરમ્યાન તમારી કારકિર્દી સફળતાથી ભરેલી રહેશે. જોકે તમારે કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડશે અને તમારાં નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે દૃઢ નિશ્ચય કરવાની જરૂર પડશે. તમારા પ્રયત્નો વ્યર્થ નહીં જાય. તમારા સાથીદારો અથવા હાથ નીચે કામ કરતા લોકો સાથે બહુ ગુસ્સો રાખવો નહીં. ગ્રહો સૂચવે છે કે જેમ-જેમ વર્ષ આગળ વધશે, તમારે શીખવું પડશે અને વિકાસ કરવો પડશે. દૃઢતા અને ધીરજ એ શબ્દો છે જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. તમે આ વર્ષે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ શરૂ કરી શકો છો. આ વર્ષે મિથુન રાશિના જાતકો માટે ગ્રહો સંકેત આપી રહ્યા છે કે તમારા વ્યક્તિગત પ્રયાસો તમને તમારી કારકિર્દીમાં વધુ પારંગત બનાવશે અને તમારા ઇનપુટથી મોટું આઉટપુટ મળશે. તમે નિરંતર ગતિમાં રહેશો અને કાર્યસ્થળ પર સારી પ્રતિષ્ઠા મેળવશો. વ્યવસાયની દૃષ્ટિએ તમે ઊર્જા અને જોમમાં ઉછાળો અનુભવશો. જો તમે નાનો વ્યવસાય ચલાવી રહ્યા છો તો આ વર્ષ તમારા માટે ખાસ કરીને સારું છે, કારણ કે તકો તમારા દરવાજા ખટખટાવશે. 

અભ્યાસ

મિથુન રાશિમાં જન્મેલા હોવાથી આ વર્ષ દરમ્યાન તમારી પાસે શિક્ષણ અંગે ખાસ જવાબદારી રહેશે, કારણ કે આ વર્ષ તમારા શ્રેષ્ઠ પ્રયાસો અને તમારા શિક્ષણમાં પ્રગતિની અપેક્ષા રાખશે. ગ્રહોની ગતિ તમને નિયંત્રિત કરી શકે છે, પરંતુ તમારી પાસે સતત પોતાને નિયંત્રિત કરવાની પરિસ્થિતિઓ પણ રહેશે. વધુ જોખમ ન લેવું અને તમારા શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતા રહેવું. આસપાસનું વાતાવરણ કેટલીક સમસ્યાઓ આપી શકે છે, પરંતુ તમારે એક સારા અને મહેનતુ વિદ્યાર્થીની જેમ તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એ તમને સારાં પરિણામો આપી શકે છે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. આ વર્ષના મધ્યમાં ઉચ્ચ શિક્ષણમાં મોટી સફળતા મેળવવાની શક્યતાઓ સર્જાશે.

સ્વાસ્થ્ય

તમે આખા વર્ષ દરમ્યાન સારું સ્વાસ્થ્ય જાળવી શકશો. તમે કસરત માટે સમયના પાબંદ રહેશો અને સ્વસ્થ દિનચર્યાનો અભ્યાસ કરશો. વ્યવસાય કરનારા લોકો જ્યારે વ્યાવસાયિક પ્રવાસ પર જશે ત્યારે પણ પોષણ તમારા જીવનમાં મોખરે રહેશે. તમે સ્વાસ્થ્ય પર જેટલું ધ્યાન આપવું જોઈએ એટલું જ ધ્યાન આપશો. જોકે આ વર્ષના મધ્યમાં તમારા સ્વાસ્થ્યમાં ઋતુગત સમસ્યાઓ જેમ કે તાવ, ખાંસી, શરદી અને ઍલર્જી સંબંધિત કેટલીક સમસ્યાઓથી અસર થઈ શકે છે, પરંતુ તમે સપ્ટેમ્બરના અંત સુધીમાં એમાંથી સ્વસ્થ થઈ શકશો. તમારે તમારી યાત્રાઓને નિયંત્રિત કરવી જોઈએ અને પૂર્વયોજના કરવી જોઈએ જેથી શારીરિક સમસ્યાઓ તમને ઓછી વ્યથિત કરે. તમારે તમારા શરીરને સમાન આરામ આપતા રહેવું પડશે, કારણ કે આ વર્ષે તમારે પોતાના શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.

astrology horoscope gemini diwali new year life and style lifestyle news