22 June, 2025 02:12 PM IST | Mumbai | Dr. Nimit Oza
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એક સૂફી કથા છે. એક વાર એક ફકીર બગીચામાં ગીતો ગાતાં ડાન્સ કરી રહ્યા હતા. તેઓ એકલા જ હતા. તેમની આસપાસ ફૂલો અને પક્ષીઓ સિવાય બીજું કોઈ જ નહોતું. એ સમયે તેમની પાસે એક વિદ્વાન પધાર્યા. ફકીર પાસે આવીને વિદ્વાને કહ્યું, ‘મેં એવું સાંભળ્યું છે કે તમે હંમેશાં ‘પ્રેમ-પ્રેમ’ જપ્યા કરો છો તો મારે એ જાણવું છે કે પ્રેમ શું છે?’ વિદ્વાનને કશો જ જવાબ આપ્યા વિના ફકીરે પોતાનો ડાન્સ ચાલુ રાખ્યો. આ જોઈને પેલા વિદ્વાન અકળાયા. તેમણે કહ્યું, ‘આ ઊછળકૂદ બંધ કરો અને મને જવાબ આપો કે પ્રેમ એટલે શું?’
ડાન્સમાં લીન થયેલા ફકીરે કહ્યું, ‘હું જે કરી રહ્યો છું એ પ્રેમ છે. અને જો એ હકીકત તમને મારા નૃત્યમાં ન દેખાતી હોય તો હું જ્યારે એ નૃત્ય કરવાનું બંધ કરી દઈશ ત્યારે તો બિલકુલ નહીં દેખાય. તમારા પ્રશ્નનો જવાબ તો મેં ઑલરેડી આપી દીધો છે.’ આ સાંભળીને વિદ્વાન હસવા લાગ્યા. તેમણે કહ્યું, ‘આ જવાબ તમે કોઈ મૂર્ખ કે અજ્ઞાનીને આપી શકો, મને નહીં. મેં કેટલાંય શાસ્ત્રો, ધર્મગ્રંથો અને પુસ્તકો વાંચ્યાં છે. હું કોઈ જેવોતેવો માણસ નથી, પ્રખર જ્ઞાની છું. મને તમારા આ જવાબથી સંતોષ નથી. મને કોઈ તર્કબદ્ધ જવાબ આપો નહીંતર કહી દો કે તમે જવાબ નથી જાણતા.’
આ સાંભળીને ફકીરે પોતાનો નાચ બંધ કર્યો. તેઓ એક જગ્યા પર સ્થિર થયા. ફકીરે કહ્યું, ‘એક વાર એવું બન્યું કે એક બગીચાનો માળી મારી જેમ જ બગીચામાં નાચી—કૂદી રહ્યો હતો. ખુશ થઈને ગીતો ગાઈ રહ્યો હતો. એ સમયે ત્યાંથી એક સુવર્ણકાર (સોની) પસાર થયો. માળીને આટલો ખુશ જોઈને સોનીએ પૂછ્યું, ‘આટલોબધો રાજીપો કઈ વાતનો છે ભાઈ?’ માળીએ કહ્યું, ‘અરે, આ ફૂલોને જુઓ તો ખરા. એમની સુંદરતા જોઈને રાજી થાઉં છું.’ સોનીએ કહ્યું, ‘એમ ન ચાલે. આ ફૂલોની તપાસ કર્યા વગર હું તમારી વાત સાચી ન માની લઉં.’ એમ કહીને સોનીએ પોતાના થેલામાંથી એક પથ્થર કાઢ્યો (પ્રાચીન સમયમાં સોનાની શુદ્ધતા તપાસવા માટે એક પથ્થર વપરાતો, જે ટચસ્ટોન કહેવાતો). બાગમાં ઊગેલાં ફૂલોની ખરાઈ કરવા માટે સોની એ ફૂલોને પથ્થર પર ઘસવા લાગ્યો પણ ફૂલોની પરખ પથ્થર પર ઘસવાથી તો કેવી રીતે થાય? ફૂલો છુંદાઈ ગયાં. મૂરઝાઈ ગયાં. પણ સોનીને એમાંથી કશું જ મળ્યું નહીં. ન તો સોનું, ન તો એ કારણ કે પેલો માળી શું કામ આટલો રાજી હતો.’
એક પૉઝ લઈને ફકીરે કહ્યું, ‘તમે પણ મને આવી જ વાત પૂછી રહ્યા છો. તર્કના પથ્થર પર ઘસીને તમારે પ્રેમ ચકાસવો છે. એ રીતે તમને પ્રેમ ક્યારેય નહીં દેખાય.’
પહેલી નજરે જોઈએ તો આ કથામાં કશું જ અદ્ભુત કે અસાધારણ નથી પણ જેમ-જેમ આ કથાનું ઊંડાણ અને સાર સમજાતો જાય છે તેમ-તેમ નવાં પરિમાણો ખૂલતાં જાય છે. જો આ કથાનો સાર એક જ વાક્યમાં કહું તો એ એટલો જ છે કે ‘પ્રેમ ક્રિયાપદ નથી, કર્તા છે.’ મતલબ કે પ્રેમ કોઈ પ્રવૃત્તિ નથી; એ સ્વભાવ છે, પ્રકૃતિ છે અને આ જ કારણથી કેટલાક લોકો જગતના બગીચામાં મન મૂકીને નાચી શકે છે. જ્યારે અન્ય કેટલાક પેલા વિદ્વાન માણસની જેમ પ્રેમના અર્થની શોધમાં ભટક્યા કરે છે. પ્રશ્ન એટલો જ છે કે આપણે પ્રેમ વિશે જાણવું છે કે એનો અનુભવ કરવો છે? કારણ કે એ બન્ને પ્રવૃત્તિઓ એકસાથે નહીં થઈ શકે. જો પ્રેમનો અર્થ શોધવામાં કે પ્રેમને વ્યાખ્યાયિત કરવામાં વ્યસ્ત થઈ જઈશું તો પ્રેમને અનુભવવાનો ચૂકી જઈશું.
પ્રેમ ક્યારેય ‘સિલેક્ટિવ’ ઘટના ન હોઈ શકે, એ તો હંમેશાં સાર્વત્રિક જ હોય. જગત અને જીવન પ્રત્યે ઉદાસીન રહીને તમે કોઈ એક વ્યક્તિને ગળાડૂબ પ્રેમ કરી શકો એ શક્ય જ નથી. જે માણસ જગત અને જીવનના પ્રેમમાં નથી તે કોઈ વ્યક્તિના પ્રેમમાં કઈ રીતે હોઈ શકે? જીવનથી કંટાળીને ફક્ત મોજ, ઉત્તેજના કે મહત્ત્વ મેળવવા માટે જે ભજવાતું હોય છે એ પ્રેમ નથી, એ સૂતેલા સ્વમાનને જગાડવાની મથામણ છે. જો આપણી અપૂર્ણતાઓ કે ખાલીપાને ભરવા માટે આપણે કોઈની નજીક જઈએ છીએ તો એ પ્રેમ નથી, એ ડૂબી રહેલી જાતને બચાવવા માટેના પ્રયત્નો છે. પ્રેમ તો ત્યારે જ થયો કહેવાય જ્યારે જાત અને જિંદગીથી સંતુષ્ટ હોય એવા બે જણ પરસ્પર એકબીજાની નજીક આવે.
જે માણસ કુદરતના ચમત્કારો કે આસપાસ રહેલી પ્રાકૃતિક અજાયબીઓના પ્રેમમાં નથી તે કોઈ વ્યક્તિના પ્રેમમાં હોવાનો દાવો કઈ રીતે કરી શકે? જેને સર્જક જ વહાલો નથી તે તેના સર્જનને કઈ રીતે પ્રેમ કરી શકવાનો? જે ક્ષણે આપણે સર્જકના પ્રેમમાં પડીએ છીએ એ જ ક્ષણે આપણામાં નૃત્ય ઊગે છે. પછી આપણે પ્રેમના યાચક નથી રહેતા, પ્રેમનું ઉદ્ગમસ્થાન બની જઈએ છીએ. પ્રસન્નતાની શ્રેષ્ઠ અભિવ્યક્તિ નૃત્ય છે. જાત અને આસપાસના જગત પ્રત્યે ઉદ્ભવતી પ્રસન્નતા એટલે પ્રેમ. કોઈ પણ જાતની શોધખોળ આદર્યા વગર જેઓ એકાંતમાં ડાન્સ કરી શકે છે તેઓ પ્રેમને અનુભવી શકે છે. જેમને આ અસ્તિત્વ અને સૃષ્ટિની દિવ્યતા નથી અનુભવાતી તેઓ પ્રેમનું પ્રશ્નપત્ર લઈને ભટક્યા કરે છે.