આસ્થાનું એડ્રેસ : મુંબઈની કાશી તરીકે ઓળખાતાં વાલકેશ્વર મંદિર અને બાણગંગા તળાવ તરફ લટાર મારીએ

04 February, 2025 11:13 AM IST  |  Mumbai | Dharmik Parmar

Aastha Nu Address: મલાબાર હિલમાં આવેલ વાલકેશ્વર મંદિરની મુલાકાતે જવાના છીએ. આ જગ્યાનું એક સમયે નામ હતું `વલુકેશ્વર` આવો, એનો ઇતિહાસ જાણીએ

આજનું આસ્થાનું એડ્રેસ છે વાલકેશ્વર મંદિર

Aastha Nu Address: માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

આજે આપણે મુંબઈ સ્થિત ખૂબ જ જાણીતાં આસ્થાના એડ્રેસ પર જવાના છીએ. મલાબાર હિલમાં આવેલ વાલકેશ્વર મંદિરની વાત કરી રહ્યો છું. આ જગ્યાનું એક સમયે નામ હતું `વલુકેશ્વર`, જેનો અર્થ થાય છે ‘વાળુનો ઈશ્વર’ એટલે કે રેતીના ભગવાન. મલબાર હિલના ટોચ પર આવેલું વાલકેશ્વર મંદિર ન માત્ર મુંબઈકરો પરંતુ અનેક લોકોની આસ્થાનું સ્થાન છે. 

આ મંદિર પાછળની પૌરાણિક વાર્તા ખબર છે?

આવો, તો તમને આ મંદિર (Aastha Nu Address)ના નિર્માણ સાથે જોડાયેલી રામાયણ સમયની પ્રચલિત લોકવાયકા તરફ લઈ જાઉં. રામાયણની કથામાં માતા સીતાના અપહરણની વાત આવે છે ને? જ્યારે રાવણ માતા સીતાના રૂપ-સૌંદર્યથી મોહિત થઈ ગયો હતો અને તેમને ઉપાડીને લંકા લઈ ગયો હતો ત્યારની વાત છે. આ સમયે જ્યારે ભગવાન રામ અને તેમના ભાઈ લક્ષ્મણ આશ્રમમાં પાછા આવે છે ત્યારે જુએ છે કે માતા સીતા તો આશ્રમમચે જ નહીં. ત્યારે તેઓ સીતાજીને શોધવા નીકળે છે. તેઓની લંકા સુધીની યાત્રા દરમિયાન બને છે એવું કે તેઓ માતા સીતાને શોધતાં શોધતાં બોમ્બેના આ પવિત્ર કિનારા પર પહોંચે છે. આ સાગર કિનારે કેટલાંક બ્રાહ્મણો તપશ્ચર્યા કરતાં હોય છે. તેઓને ભગવાન રામ આવ્યા હોવાનું માલૂમ થતાં તેઓ ભગવાન રામ પાસે આવે છે, આખી પરિસ્થિતિ સમજે છે. તે સમયે ઋષિ ગૌતમ ભગવાન રામને શિવલિંગની સ્થાપવા કરવાનું કહે છે. હવે એની માટે શ્રેષ્ઠ શિવલિંગ લાવવાની વાત આવે છે. શ્રેષ્ઠ શિવલિંગ વારાણસીમાંથી લાવવાનું નક્કી થાય છે. લક્ષ્મણ જાય પણ છે. પણ તેમને આવવામાં મોડું થતાં ભગવાન રામ આસપાસની રેતીમાંથી શિવલિંગ તૈયાર કરવાનું નક્કી કરે છે. 

Aastha Nu Address: કહેવાય છે કે પ્રાણપ્રતિષ્ઠા બાદ ભગવાન શિવ પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યા. તે સમયથી આ સ્થળ ‘વલુકેશ્વર’ તરીકે પ્રસિદ્ધ થયું. જેનો અર્થ થાય છે ‘વાળુનો ઈશ્વર’ અર્થાત રેતીના ભગવાન. જોકે, પાછળથી લક્ષ્મણ વારાણસીમાંથી જે શિવલિંગ લઈને આવ્યા હતા તે શિવલિંગને પણ પધરાવવામાં આવ્યું છે. આજ સુધી, વાલકેશ્વર મંદિરમાં લક્ષ્મણ જે શિવલિંગ લાવ્યા હતા તે પણ પૂજાય છે. 

જ્યારે પોર્ટુગીઝોએ બોમ્બે પર કબજો કર્યો હતો ત્યારે રેતીનું શિવલિંગ સમુદ્રમાં વિલીન થઈ ગયું હતું. આજે પણ માછીમારો તે પવિત્ર સ્થળે મહાશિવરાત્રિના દિવસે પૂજા કરવામાં આવે છે.

તો... મંદિર કઇ રીતે બન્યું?

કહેવાય છે કે ઇ.સ. ૧૧૨૭માં ગૌડ સારસ્વત બ્રાહ્મણ લક્ષ્મણ પ્રભુએ સૌપ્રથમ વાલકેશ્વર મંદિર બંધાવ્યું હતું. ત્યારબાદ સમય-સમયે મુસ્લિમ અને પોર્ટુગીઝ દ્વારા આક્રમણ થયાં તેમાં આ મંદિર (Aastha Nu Address) તૂટયું. બાદમાં ૧૭૧૫માં શેણવી સમાજના નેતા રામા કામતે પુનઃનિર્માણ કારવડાવ્યું. 

મંદિરના ગર્ભગૃહમાં છે આ મૂર્તિઓ

વાલકેશ્વર મંદિર (Aastha Nu Address)માં પ્રવેશીએ ત્યાં મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ આવેલું છે. જેના પર સતત નંદાદીપ પ્રજ્વલિત રહે છે. શિવલિંગની સાથે જ ભગવાન ગણેશ અને માતા પાર્વતીની પ્રતિમાઓ પણ છે. કલાકાર દ્વારા મંદિરની ભીંત પર જે પવિત્ર ગંગા માતાનું ચિત્ર જોવા મળે છે. 

વાલકેશ્વર સાથે બાણગંગા પણ છે આસ્થાનું એડ્રેસ 

આ બંને પવિત્ર સ્થાનકોનું નિર્માણ સૌપ્રથમ શિલાહારા રાજવંશના સમયમાં કરવામાં આવ્યું હતું. જ્યારે પોર્ટુગીઝોએ શાસન કર્યું ત્યારે આ સ્થાનકો તૂટી પડ્યાં હતાં. બાણગંગા કુંડની વાત કરવામાં આવે તો, 1715 માં શ્રી રામ કામથેની દેખરેખ હેઠળ બાણગંગા કુંડનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. આજે પણ બાણગંગા મહાઆરતીની શરૂઆત વાલકેશ્વરની પૂજા સાથે થાય છે. કોઈપણ શુદ્ધિકરણ માટે બાણગંગાના જળનો ઉપયોગ કરવામાં આવે છે. તેને પવિત્ર માનવામાં આવે છે. બાણગંગાનું જળ ગંગા જેટલું જ શુદ્ધ અને પવિત્ર હોઇ લોકો અહીં અસ્થિવિસર્જન પણ કરે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન રામ અને લક્ષ્મણ અહીં આવ્યા હતા ત્યારે તરસ છીપાવવા લક્ષ્મણે આ જ સ્થળ પર બાણ માર્યું હતું અને ત્યાંથી મીઠું પાણી ફૂટી આવ્યું હતું. તે સ્થળ એટલે બાણગંગા. 

એટલે જ તો આ સ્થળ (Aastha Nu Address) `મુંબઈની કાશી` તરીકે જાણીતું છે.

aastha nu address walkeshwar south mumbai malabar hill religious places mumbai news mumbai life and style