22 April, 2025 10:40 AM IST | Mumbai | Dharmik Parmar
આજનું આસ્થાનું એડ્રેસ છે પ્રભાવતી માતા મંદિર
Aastha Nu Address: માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
ગર્ભગૃહમાં બિરાજમાન શ્રી ચંડિકા દેવી, શ્રી પ્રભાવતી દેવી અને શ્રી કાલિકા માતા
મુંબઈકરો માટે પ્રભાદેવી નામ અજાણ્યું નથી. સતત પ્રવાસીઓની ભીડથી છવાયેલા દાદરની પાસે આવેલા પ્રભાદેવી સ્ટેશનની નામ સાથે જે દેવીનું નામ જોડાયેલું છે તે `પ્રભાવતી દેવી`ના સ્થાનક વિષે જાણો છો? પ્રભાદેવી ખાતે આવેલ આ પ્રસિદ્ધ હિન્દુ મંદિરનું નિર્માણકાર્ય ૧૭૧૫માં કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. અહીં જે માતા પ્રભાવતીની પુરાણી મૂર્તિ છે તે ૧૨મી સદીની હોવાની માન્યતા છે. ૩૦૦ વરસથી પણ જૂના આ સ્થાનક (Aastha Nu Address) વિષે બહુ જ ઓછા લોકો જાણે છે.
મંદિરનો ઇતિહાસ જીવંત કરતો શિલાલેખ
આ મંદિરના ઇતિહાસમાં ડોકિયું કરીએ...
આ મંદિર વિષે ઇતિહાસકારો જણાવે છે કે પ્રભાદેવી મંદિરમાં જે મુખ્ય દેવીનું સ્થાપન થયું છે તેઓનું મૂળ સ્વરૂપ છે `શાકંબરી દેવી`. શાકંબરી દેવીએ આમ તો દેવગિરીના સેઉના યાદવ રાજા બિમ્બા રાજાનાં કુલદેવી હતાં. ગુજરાતના યડવોના રાજા બિંબની પણ તે કુલદેવી તરીકે જાણીતાં છે. કઇ રીતે આ મંદિર અસ્તિત્વમાં આવ્યું તો તે પાછળ લોકવાયકાઓ છે કે મુંબઈના રહેવાસી પાથરે પ્રભુ સંપ્રદાયના શ્યામ નાયક નામના ભક્તના સપનામાં માતાજીએ દર્શન આપ્યા હતા. અને અહીં મંદિર (Aastha Nu Address) બંધાવવાનો સંકલ્પ લેવાયો હતો. ત્યારબાદ આ સ્થાનકે પ્રભાવતી માતાનું મંદિર બન્યું હતું.
પરંતુ ઇતિહાસકારો તો એવું પણ નોંધે છે કે મુઘલો દ્વારા આક્રમણ કરવામાં આવતાં આ માતાજીની મૂર્તિનું સંરક્ષણ કરવાના હેતુથી તેને કર્ણાટકમાં લઈ જવામાં આવી હતી. ત્યાંથી વહેતી વહેતી આ મૂર્તિ માહિમની ખાડીમાં તણાઇ આવી હતી. ત્યાંથી આજે જ્યાં પ્રભાદેવી મંદિર છે તેની બાજુના કૂવામાં આ મૂર્તિ વહેતી વહેતી આવી હતી. વૈશાખ સુદ એકાદશીને દિવસે સન ૧૭૧૬માં પાઠારે પ્રભુ સમાજના શ્યામ નાયકે આ મૂર્તિની મંદિરમાં (Aastha Nu Address) સ્થાપના કરી.
ગર્ભગૃહમાં બિરાજમાન માતા પ્રભાવતી
મંદિરના ગર્ભગૃહમાં પ્રભાવતી માતાની સાથે ચંડિકા દેવી, કાળકા માતા એમ ત્રણ મૂર્તિઓનાં દર્શન કરી શકાય છે. આ ઉપરાંત મંદિરમાં લક્ષ્મી નારાયણ, શિવલિંગ, હનુમાન અને ખોકલા દેવીની મૂર્તિઓ પણ ભક્તોને દર્શન આપી રહી છે. તમને જણાવી દઇએ કે ગોલ્ફા દેવી, પ્રભાદેવી અને જાખા દેવી આ ત્રણેય બહેનો છે. તેઓના જ નામ પરથી મુંબઈના ત્રણ સ્ટેશનો વરલી, પ્રભાદેવી અને દાદરનું નામકરણ થયું છે.
પ્રભાદેવી મંદિરનું એન્ટરન્સ
ત્રણેય દેવીઓને નિતનવા શણગાર સજવામાં આવે છે. દરવર્ષે જાન્યુઆરી મહિનામાં શાખંભરી પૂનમે પ્રભાદેવી માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. આ સમયે મંદિરના પરિસરમાં રોનકતા છવાઈ જાય છે.
મુંબઈનું આ આસ્થાનું એડ્રેસ (Aastha Nu Address) પ્રભાદેવી રેલવે સ્ટેશન પાસે જ છે. સ્ટેશનથી બસ, રિક્ષા કે ટેક્સી કરીને મંદિરમાં પહોંચી શકાય છે.