07 July, 2025 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સંસારમાં સામાન્યતઃ ભૂત એવા આત્માને માનવામાં આવે છે જે પોતાનો દેહ છોડ્યા બાદ બીજો દેહ પ્રાપ્ત કરવામાં અક્ષમ હોવાને કારણે વગર શરીરે ભટક્યા કરે છે. પરંતુ ઘણાં ભૂત એવાં પણ હોય છે જેનું નિર્માણ માણસ પોતે જ કરે છે. આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ મનુષ્યની પોતાની જ નબળાઈઓને કારણે ઉત્પન્ન થયેલું ભયનું ભૂત છે જે ખૂબ જ વિકરાળ હોય છે અને જે પળે-પળે તેના શ્વાસ અને ધબકારાની જેમ તેની સાથે જ રહે છે અને તેના વ્યક્તિત્વનું અંગ બનીને તેની પાસેથી કેટલાંય ખોટાં કામ પણ કરાવે છે અને કેટલાય પ્રકારના નાચ પણ એને નચાવે છે.
વિશ્વભરના લોકો પોતાની અંદરના આંતરિક ડરને દૂર કરવા માટે ઘણા પ્રકારની દવાઓ અને મંત્ર-તંત્રનો આશરો લે છે, પરંતુ એનાથી કંઈ ભય મૂળથી સમાપ્ત નથી થતો કારણ કે ભયનું મૂળ કારણ માનવનું સ્વયં વિશેનું અજ્ઞાન છે જેના પરિણામે તે પોતાની જાતને અજર અમર આત્મા સમજવાને બદલે પ્રકૃતિનું પૂતળું સમજે છે અને આ પૂતળાનો નાશ થવા પર અથવા તો તેના સંબંધીઓને ગુમાવવાનો ડર તેને સતત અંદર ને અંદર સતાવ્યા કરે છે. અતઃ આપણે એ ભૂલવું ન જોઈએ કે પ્રકૃતિ આત્માને આધીન સત્તા છે જેને સાધન તરીકે પ્રદાન કરવામાં આવેલી છે, પરંતુ મોહને કારણે મનુષ્ય એને જીવન જીવવાનો આધાર બનાવી લે છે. આમ કરવામાં તે એ ભૂલી જાય છે કે પરમાત્મા સાથે લગન નિર્ભયતાની ડગર છે અને પ્રકૃતિ સાથે લગન ભયની ડગર છે. આમાં કોઈ બેમત નથી કે આત્મા શરીરને પ્રાપ્ત કર્યા બાદ ક્ષણિક સુખનો અનુભવ કરે છે, પરંતુ એ સુખનું પરિવર્તન કે એ સમાપ્ત થઈ જવાનો ભય ક્ષણિક સુખ જોડે સતત જોડાયેલો રહે છે અને એટલે જ પદાર્થો અને વૈભવોના આનંદને સાચો આનંદ માનવામાં નથી આવતો, કારણ કે એની અંદર ભય મિશ્રિત છે. આ સંદર્ભમાં એક નાની વાર્તા છે કે પંજામાં મરેલા ઉંદરને પકડીને ઊડી રહેલા ગરુડને જ્યારે પાછળ પડેલા ગીધથી ડર લાગ્યો ત્યારે એણે એક સંન્યાસી પાસે જઈને મુક્તિનો ઉપાય પૂછ્યો. સંન્યાસીએ એને તરત જ કહ્યું કે મરેલા ઉંદર પ્રત્યેનો તારો મોહ ગીધ સાથેની દુશ્મનીનું મૂળ કારણ છે. ખરેખર બીજી ક્ષણે ઉંદરને ફેંકી દીધા બાદ ગરુડને સલામતી અને મુક્તિનો અનુભવ થઈ ગયો. એવી જ રીતે હું અને મારાથી મુક્ત થતાંની સાથે આપણે પણ હલકા બની જઈએ છીએ અને અનેક પ્રકારનાં ચક્કરોમાંથી મુક્ત થઈને નિર્બંધન અને નિર્ભય બની જઈએ છીએ. યાદ રહે! જેમ પારકી સંપત્તિ પર હાથ નાખનાર વ્યક્તિને ચોક્કસપણે ભય લાગશે ને લાગશે જ એમ જ દુનિયા પણ પારકી સંપત્તિ છે જ્યાં માયાનું આધિપત્ય છે. અતઃ પારકા રાજ્યમાં ‘સ્વ’ને ભૂલીને ‘પર’ની લાલસા રાખનાર વ્યક્તિને પળેપળે ભયભીત થવું જ પડે છે. એના કરતાં તો સારું એ રહેશે કે આપણે પરમાત્મા દ્વારા પ્રાપ્ત જે આધ્યાત્મિક જ્ઞાન, ગુણ તેમ જ શક્તિઓ છે એને પ્રાપ્ત કરવાની લાલસા રાખીએ જેથી આપણે પોતાની જાતને દરેક પ્રકારે ભયમુક્ત કરી શકીએ.
-રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી