મન જો ભગવાનમાં હશે તો સંસારમાં રહીને પણ આપણે ભગવાનમાં જ નિવાસ કરીશું

09 September, 2025 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃણે સ્પષ્ટ શબ્દોમાં પોતાની માગણી ભક્તો સામે રાખીને કહ્યું કે ‘તું મારામાં તારું મન રાખ. બુદ્ધિનો પ્રવેશ મારામાં કરાવ. તું તો મારામાં જ રહીશ.’

પ્રતીકાત્મક તસવીર

ભગવાનને ભેટ આપવા જેવી કોઈ વસ્તુ આપણી પાસે હોય તો એ એકમાત્ર મન જ છે. શુદ્ધ અને પ્રેમભર્યા મનથી જ ભગવાન રીઝે છે. ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃણે સ્પષ્ટ શબ્દોમાં પોતાની માગણી ભક્તો સામે રાખીને કહ્યું કે ‘તું મારામાં તારું મન રાખ. બુદ્ધિનો પ્રવેશ મારામાં કરાવ. તું તો મારામાં જ રહીશ.’

આપણે ત્યાં હોઈએ છીએ જ્યાં આપણું મન હોય છે. તન ભલે ગમે ત્યાં રહે, આપણે હોઈએ છીએ ત્યાં જ જ્યાં આપણું મન હોય છે. શરીર તો સંસારમાં રહેવાવાળું છે જ, પણ મન જો ભગવાનમાં હશે તો સંસારમાં રહીને પણ આપણે ભગવાનમાં જ નિવાસ કરીશું.

જલ મેં કમલ કી ભાંતિ ઇસ સંસાર મેં રહેંગે. જલ હી જીવન હૈ કમલ કે લિએ. જલ કો છોડકર કમલ કહાં જાએગા? મર જાએગા, મુરઝા જાએગા.

કમળ જ્યાં સુધી જળમાં છે ત્યાં સુધી જ એનું જીવન છે. સૂરજની રોશની પણ એના માટે જીવન છે. એ જ કમળ જ્યારે જળ સાથેનો સંબંધ તોડી નાખે છે તો ભલે એ છાયામાં હોય તો પણ કરમાઈ જશે, કમળ મરી જશે, એનું જીવન સમાપ્ત થઈ જશે; પણ એ જ કમળ જો સરોવરના જળમાં હોય ત્યારે તેના પર સૂરજનો તડકો પડતો રહે તો પણ ખીલેલું જ રહે છે, હસતું રહે છે.

તમે સંસાર છોડીને જશો ક્યાં? એમાં જ તો રહેવાનું છે. શરીર પ્રકૃતિનું રૂપ છે અને પ્રકૃતિથી સંબંધ તોડીને શરીરનું અસ્તિત્વ અસંભવ છે. જેમાંથી આપણે પેદા થયા એનાથી સંબંધ-વિચ્છેદ કરીને આપણે ટકી કેમ શકીશું? જે પંચમહાભૂતોથી આપણું શરીર બન્યું છે એ શરીરને ટકાવી રાખવા માટે એ પંચમહાભૂતોની જરૂર પડતી હોય છે. ધરતી ન હોય તો ધારણ કોણ કરશે? અન્ન ક્યાંથી પાકશે? ફળ-ફૂલ ક્યાંથી મળશે? એ ખાઈશું નહીં તો જીવીશું કેવી રીતે?

છિતી જલ પાવક ગચન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા

આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી - આપણું શરીર આ પંચમહાભૂતોથી બનેલું છે. આકાશ ન હોય તો અવકાશ જ નહીં રહે. શરીર રહેશે ક્યાં? પ્રાણવાયુ ન હોય તો જીવશે કેમ? અરે, થોડી વાર નાક અને મોઢું બંધ કરવામાં આવે તો શ્વાસ રૂંધાવા લાગશે. અગ્નિતત્ત્વ ન હોય તો શરીરની અંદર ગરમી ક્યાંથી આવશે? શરીર ઠંડું થવા લાગે છે. લોકો ગભરાતા હોય છે કે ક્યાંક આનો પ્રાણ ન નીકળી જાય! સૂર્યનો તડકો ન હોય તો શું થશે? સૂર્યને વિશ્વનો આત્મા કહે છે. સૂર્ય જગતનો આત્મા છે અને આ વાતનો તો વિજ્ઞાન પણ સ્વીકાર કરે છે કે જો સૂર્ય ઠંડો પડી જાય તો આઠમી મિનિટે જીવસૃષ્ટિ મૃત:પ્રાય થવા લાગશે, કેમ કે સૂરજનાં કિરણોને પૃથ્વી પર આવતાં ૮ મિનિટનો સમય લાગે છે. આ આદિત્ય બ્રહ્મ છે.

-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

culture news religion religious places columnists gujarati mid day mumbai