✕

અહીં બ્રહ્મકપાલી કરાવી લો તો ક્યાંય ફરી પિંડદાનની જરૂર નહીં પડે

27 September, 2026 05:49 PM IST  |  બ્રહ્મકપાલ બદરીનાથ | Sejal Patel

ઉત્તરાખંડના બદરીનાથમાં અલકનંદા નદીના કિનારે આવેલો બ્રહ્મકપાલ ઘાટ પિતૃકર્મની સુપ્રીમ કોર્ટ ગણાય છે. માન્યતા છે કે આ ઘાટ પર ખાસ વિધિ કરાવવાથી પિતૃઋણ, પિતૃદોષ અને અકાલ મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય છે

આ જે શિલા દેખાય છે ત્યાં શિવજીએ તપ કર્યું હતું અને તપના ફળરૂપે તેમને બ્રહ્માજીના પાંચમા શીશને કાપવાના પાપમાંથી મુક્તિ મળી હતી.

પિતૃપક્ષના દિવસો શરૂ થઈ ગયા છે. પૂર્વજોના આત્મા અને પૂર્વજોના ઋણમાંથી મુક્ત થવા માટે દર વર્ષે પરિવારજનો પોતાના સ્વર્ગીય સ્વજનોની શ્રાદ્ધ કર્મ વિધિ કરે છે. જે તિથિએ સ્વજનનું મૃત્યુ થયું હોય એ તિથિ મુજબ સ્વજનો પિતૃપક્ષ દરમ્યાન પૂર્વજોની તર્પણવિધિ કરે છે. આમ તો દરેક ગામ અને શહેર પાસે પોતાનું આગવું સરોવર કાંઠે આવેલું પિતૃતર્પણ માટેનું સ્પૉટ હોય જ છે, પરંતુ પૌરાણિક માન્યતાઓ સાથે જોડાયેલાં લગભગ ૩૨ સ્થળો એવાં છે જ્યાં તર્પણવિધિ કરવાનો ઉલ્લેખ છે અને પુરાણકાળની કથાઓ સાથે જોડાયેલાં છે. આ જગ્યાઓએ પિંડદાન વિધિ કરવાથી પૂર્વજોને મુક્તિ મળે છે અને શ્રદ્ધાળુઓને પિતૃઋણમાંથી મુક્તિ. પિતૃઓનું ચરણ મનાય છે ગયાજીને. હંમેશાં કોઈના આશીર્વાદ જોઈતા હોય તો ચરણસ્પર્શ જ થાય. એટલે જ પિતૃઓના આશીર્વાદ અને મુક્તિ માટે ચરણ સૌથી મહત્ત્વપૂર્ણ હોવાથી પિતૃઓનું સૌથી મોટું વૈકુંઠ ગયાજી છે. નૈમિષારણ્ય પિતૃઓના ભોજનનું સ્થાન છે. અહીં પિંડદાન કરવાથી પૂર્વજો તૃપ્ત થાય છે, જ્યારે પિતૃઓના મસ્તકના સ્વરૂપે બ્રહ્મકપાલને જોવામાં આવે છે. આખા શરીરનું સંચાલન મસ્તક દ્વારા થતું હોવાથી મનના સ્તરે રહેલાં બંધનોને મુક્ત કરવા માટે બ્રહ્મકપાલ ઘાટ મહત્ત્વનો છે. અહીં પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ દ્વારા દિવંગત પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવાની પરંપરા છે. અહીં પિંડદાન કર્યા પછી બદરીનાથ મંદિરના પરિસરમાં આવેલા ધર્મશિલા ખાતે ગૌદાન કરવાની પરંપરા પણ જોવા મળે છે. બ્રહ્મકપાલનું મહત્ત્વ માત્ર પિતૃવિધિ પૂરતું નથી. બદરીનાથને નર-નારાયણની તપોભૂમિ તરીકે વર્ણવવામાં આવે છે અને સ્કંદપુરાણ સહિતની પરંપરાઓમાં આ ક્ષેત્રની વિશેષ પવિત્રતા વર્ણવાઈ છે.

શું છે પૌરાણિક કથા?

‘બ્રહ્મકપાલ’ નામ જ ભગવાન બ્રહ્મા સાથે જોડાયેલું છે. અલકનંદા નદીના કાંઠે અડધું મસ્તક હોવાનો આભાસ કરાવે એવી શિલા છે એ બ્રહ્માજીના પાંચમા શીશનો અંશ હોવાનું મનાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ સૃષ્ટિના આધારસ્તંભ છે. તેમની એક પૌરાણિક કથા બહુ પ્રચલિત છે. બ્રહ્માજી સૃષ્ટિના સર્જક, વિષ્ણુ ભગવાન સૃષ્ટિના સંચાલક અને શિવજી આ સૃષ્ટિને સંતુલિત કરનારા સંહારક અને સ્પિરિચ્યુઅલ ગ્રોથના સંવાહક ગણાય છે. જ્ઞાનના દેવ ગણાતા બ્રહ્માજીને ૪ શીશ છે. જોકે એક વાર તેમનામાં આ સૃષ્ટિના સર્જક તરીકે પોતે સર્વેસર્વા હોવાનો અહંકાર જાગ્યો જે તેમના પાંચમા શીશ તરીકે આકાર પામ્યો. વિષ્ણુજીએ આ અહંકારને પડકાર્યો, પરંતુ બ્રહ્માજીને વારવાનું શક્ય ન બન્યું. આખરે સૃષ્ટિના સંતુલક તરીકે શિવજીએ ક્રોધમાં આવીને બ્રહ્માજીના એ પાંચમા અહંકારી શીશને પોતાના ત્રિશૂળથી કાપી નાખ્યું. કહેવાય છે કે એ વખતે બ્રહ્માજીના શીશનો એક મોટો ભાગ કાશી એટલે કે વારાણસીમાં જઈને પડ્યો. આ કથાને પગલે જ કહેવાય છે કે કાશી વિશ્વનાથનાં દર્શન કરવાં હોય તો પહેલાં કાલભૈરવનાં દર્શન કરીને પરવાનગી લેવી પડે. ફરી મૂળ વાત પર આવીએ તો બ્રહ્માજીના પાંચમા શીશનો નાશ કર્યા પછી શિવજી ખૂબ વ્યાકુળ થઈ ગયા. સૃષ્ટિના ભલા માટે થઈને કરવામાં આવેલા કૃત્યને પગલે પણ તેમને બ્રહ્મહત્યાનું પાપ તો લાગે જ. એમાં વળી બ્રહ્માજીના મસ્તકનો કેટલોક ભાગ શિવજીના ત્રિશૂળ પર ચોંટી ગયો. ખૂબ પ્રયત્ન કરવા છતાં એ છૂટી જ ન શક્યો. બ્રહ્મહત્યાના પાપનો વિષાદ લઈને એનાથી મુક્ત થવા શિવજીએ પૃથ્વી પરનાં અનેક પવિત્ર સ્થળોએ જઈને સાધના કરી, પણ શીશના અવશેષો ત્રિશૂળથી કેમેય છૂટા ન પડ્યા. કહેવાય છે કે વિષ્ણુજીના કહેવાથી શંકર આખરી આશા લઈને બદરીનાથ પાસેની અલકનંદા નદી પાસે આવ્યા. અહીં આવીને તેમણે એક શિલા પર તપ આદર્યું અને અહીં તેમના ત્રિશૂળ પરથી પેલો બ્રહ્માજીના પાંચમા શીશનો અવશેષ છૂટો પડી ગયો. કેટલીક માન્યતા મુજબ મસ્તક અલકનંદા નદીમાં વહી ગયું હોવાનું મનાય છે તો કેટલાક પૌરાણિક ઉલ્લેખોમાં જે શિલા પર શિવજીએ તપ કર્યું ત્યાં જ કપાલ જેવો આકાર રચાઈ ગયો હોવાનું મનાય છે. સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે ગયાજી કરતાં આઠગણું વધુ ફળ આપતું પિતૃતીર્થ બ્રહ્મકપાલ છે, કેમ કે પાપમુક્ત થયા પછી ભગવાન શિવે આ જગ્યાને વરદાન આપ્યું હતું કે જે કોઈ આ જગ્યાથી શ્રાદ્ધ કરશે તેને પ્રેતયોનિની યાત્રા નહીં કરવી પડે અને તેની પેઢીઓના પિતૃઓને મોક્ષ મળશે. આને કારણે ખાસ માન્યતા છે કે જે લોકો અકાળે અને અકસ્માતે મૃત્યુ પામ્યા છે તેમનો આત્મા દુખથી ભટકતો રહે છે. આવા આત્માઓનું શ્રાદ્ધ બ્રહ્મકપાલ પર કરવાથી મુક્તિ મળી 
શકે છે. 
બ્રહ્મકપાલમાં ૪ દાયકાથી વધુ સમયથી ક્રિયાકર્મ કરાવતા તીર્થ મહામંડલેશ્વર પંડિત મદન મોહન કોઠિયાલ કહે છે, ‘મહાભારતમાં પણ આ સ્થળનો ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણના કહેવાથી પાંડવોએ તેમના પૂર્વજો અને મહાભારતના યુદ્ધમાં માર્યા ગયેલા લોકોનું શ્રાદ્ધકર્મ બ્રહ્મકપાલ ઘાટ પર કર્યું હતું. આ ઘાટ પર કરવામાં આવતી પિંડદાનની ક્રિયાને બ્રહ્મકપાલી કહેવામાં આવે છે. પિતૃઓના મસ્તક માટે પિંડદાન કર્યા પછી બીજે ક્યાંય પિંડદાન કરવાની જરૂર નથી. મસ્તકની મુક્તિ થઈ ગઈ એ પછી કોઈ અંગની જરૂર નથી રહેતી. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પિત્રં કૃત્વા વિશલ્યાયામ, પિતૃ દુષ્યંતભામિની, અન્ય તીર્થે ન ચ શ્રાદ્ધં, કેવલ તર્પણમ્ આચરેત્. પિતૃઓનું સર્વોચ્ચ ન્યાયાલય ગણાતા આ ધામમાં એક વાર બ્રહ્મકપાલી કરી નાખો એ પછી ફરી-ફરીથી કોઈ તીર્થમાં જઈને પિંડદાન કરવાની જરૂર નથી. માત્ર શ્રાદ્ધના દિવસે તર્પણવિધિ કરી લો એ પૂરતું છે.’

તપ્તકુંડમાં સ્નાન

અલકનંદા નદીના તટ પર જ એક પવિત્ર ગરમ પાણીનો જળસ્રોત છે જે સૂર્યકુંડ અથવા તો તપ્તકુંડ તરીકે ઓળખાય છે. માઇનસ ડિગ્રી તાપમાનમાં બ‌‌ર્ફીલી પહાડીઓની વચ્ચે પણ આ કુંડનું જળ પ્રાકૃતિક રીતે જ ૪૫ ડિગ્રી જેટલું હૂંફાળું રહે છે. પૌરાણિક કથા અનુસાર તપ્તકુંડમાં ભગવાન અગ્નિદેવનો વાસ હોવાનું મનાય છે. માન્યતા છે કે જ્યારે નર-નારાયણ ઋષિએ અહીં તપસ્યા કરી હતી ત્યારે ખૂબ જ ઠંડી હોવાથી ભક્તોને સ્નાન કરવામાં મુશ્કેલી પડતી હતી. એ સમયે વિષ્ણુ ભગવાને અગ્નિદેવને આ કુંડમાં નિરંતર નિવાસ કરવાનું વરદાન આપેલું. બીજી માન્યતા એ પણ છે કે વિષ્ણુજીએ બદરીનાથ ધામમાં પ્રગટ થતાં પહેલાં આ કુંડમાં સ્નાન કર્યું હતું. સ્કંદ પુરાણ અનુસાર બદરીનાથના દર્શન કરતા પહેલાં આ કુંડમાં સ્નાન કરવાનું શુભ મનાય છે. અહીંનું પાણી કેમ ગરમ રહે છે એ વિશે થયેલા અભ્યાસોમાં આ કુંડના જળમાં સલ્ફરનું તત્ત્વ અધિક મળ્યું છે. સલ્ફરને કારણે આ કુંડમાં સ્નાન કરવાથી શારીરિક કષ્ટોમાં લાભ થાય છે.

કેવી રીતે જવાય?

દિલ્હીથી બ્રહ્મકપાલ સુધીનું અંતર લગભગ ૫૪૦ કિલોમીટરનું છે. દિલ્હીથી હરિદ્વાર થઈને ‌હૃષીકેશ જવાનું. અહીં સુધીનું અંતર ૨૩૦ કિલોમીટર છે. અહીંથી પહાડી સફર શરૂ થાય છે. સૌથી પહેલાં આવે છે દેવપ્રયાગ. હૃષીકેશથી ૭૦ કિલોમીટર દૂર ભાગીરથી અને અલકનંદા મળીને ગંગા બને છે. આગળ ધારી દેવી મંદિર આવે છે. એ પછી રુદ્રપ્રયાગ અને દેવપ્રયાગથી ૬૫ કિલોમીટરના અંતરે મંદાકિની અને અલકનંદા સંગમ કરે છે. ત્યાંથી આગળ કર્ણપ્રયાગ આવે છે જ્યાં કર્ણએ સૂર્યની આરાધના કરી હતી. ત્યાર બાદ નંદપ્રયાગ અને એ પછી જોશીમઠ જે રુદ્રનાથ અને બદરીનાથનું પ્રવેશદ્વાર ગણાય છે. ટૂંકમાં, રુદ્રપ્રયાગથી લગભગ ૧૧૫ કિલોમીટર દૂર અને જોશી મઠના વિષ્ણુપ્રયાગથી ૧૨ કિલોમીટર દૂર ધૌલી ગંગા અને અલકનંદા મળે છે અને તમે પહોંચો છો અલકનંદાના ઘાટો તરફ. મંદિરની સામે જ બ્રહ્મકપાલ ઘાટ છે.

જ્યાં નારદ મુનિએ હજારો વર્ષ તપસ્યા કરી હતી

અલકનંદા નદીના ઉપરના છેડે નારદકુંડ છે. કહેવાય છે કે પ્રાચીન કાળમાં દેવર્ષિ નારદે અહીં લગભગ ૬૦૦૦ વર્ષ સુધી તપસ્યા કરી હતી જેને કારણે તેમને દેવર્ષિની ઉપાધિ મળી. આ કુંડમાં સ્નાન કરવાથી જીવન-મરણનું ચક્ર સમાપ્ત થઈ જાય છે એવી લોકવાયકા પણ છે. પિતૃ તર્પણની પીક સીઝનમાં અહીં પણ પિંડદાનના ક્રિયાકર્મ થાય છે. 

 

badrinath religious places religion hinduism indian mythology culture news lifestyle news life and style sejal patel