અશ્વિન સાંઘીઃ એક Unputdownable લેખકના અદ્ભુત પુસ્તકોની દુનિયા

25 January, 2023 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અશ્વિન સાંઘીના જન્મદિવસ નિમિત્તે તેમની નવલકથાઓનો ગુજરાતીમાં અનુવાદ કરનારા સર્જક ચિરાગ `જય` ઠક્કરે ખાસ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માટે અશ્વિન સાંઘીના પુસ્તકો પર વિશેષ લેખ લખ્યો છે.

તસવીરમાં ચિરાગ `જય` ઠક્કર, મધ્યમાં અશ્વિન સાંઘી.

ભારતના (India) ડેન બ્રાઉન ગણાતા, અત્યંત લોકપ્રિય લેખક અશ્વિન સાંઘીના જન્મદિવસ નિમિત્તે તેમની નવલકથાઓનો ગુજરાતીમાં અનુવાદ કરનારા સર્જક ચિરાગ `જય` ઠક્કરે ખાસ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માટે અશ્વિન સાંઘીના પુસ્તકો પર વિશેષ લેખ લખ્યો છે. તો હવે અશ્વિન સાંઘી વિશે જાણો ચિરાગ `જય` ઠક્કરના શબ્દોમાં...

જ્યારે પણ ડેન બ્રાઉન જેવા બેસ્ટ સેલિંગ અંગ્રેજી લેખકની નવલકથા વાંચતા ત્યારે મનમાં એવો વિચાર આવતો કે ભારતમાં અંગ્રેજી ભાષામાં લખતા એવા નવી પેઢીના લેખકો કેમ નથી જે પ્રેમપુરાણ નહીં પરંતુ ઈતિહાસ, પુરાણ અને દંતકથાઓના આધારે ઘડાતી, રહસ્ય અને રોમાંચ જગાવતી અને પાને પાને જકડી રાખતી નવલકથાઓ આપે? જ્યારે જ્હોન ગ્રિશમ કે જેમ્સ પેટરસન જેવા બેસ્ટ સેલિંગ લેખકોની નવલકથાઓ વાંચતા ત્યારે એવો પ્રશ્ન પણ થતો કે ભારતમાં આવી રીતે નિયમિતપણે લગભગ દર વર્ષે કે બે વર્ષે એક વાંચવું જ પડે તેવું પુસ્તક આપે તેવા શિસ્તબદ્ધ લેખકો કેમ નથી?

આ બંને પ્રશ્નોનો જવાબ એટલે આજે જેમનો જન્મદિવસ છે એ અશ્વિન સાંઘી. 2007માં શૉન હેગિન્સના નામે તેમની પ્રથમ નવલકથા `ધ રોઝેબલ લાઈન` પ્રસિદ્ધ થઈ ત્યારથી અત્યાર સુધીમાં તેમણે 9 નવલકથાઓ અને 5 પ્રેરણાત્મક એમ કુલ 14 પુસ્તકો આપ્યા છે અને એમની એ સફર હજુ પણ ચાલુ જ છે જેનો વાચકોને આનંદ છે.

તેમણે આપેલી 9 માંથી 7 નવલકથાઓ છે `ભારત સીરિઝ`ની. આ નવલકથાઓમાં તેમણે ઈતિહાસ, પુરાણ અને દંતકથાઓને વર્તમાન સમય સાથે જોડીને વાચકો માટે દરેક પુસ્તકમાં એક રોમાંચક સફારીનું સર્જન કર્યું છે. એવી શું ખાસિયત છે તેમની એ નવલકથાઓમાં કે જે તેમને unputdownable બનાવે છે?

પહેલું તો, તેમની વાર્તાઓમાં ઈતિહાસ અને પુરાણકથાઓનો વર્તમાન સમય સાથે અદ્ભુત સંગમ હોય છે. જેમ કે તેમની પહેલી જ નવલકથા `ધ રોઝેબલ લાઈન`માં ઈસુ ખ્રિસ્તની કબર ભારતમાં આવેલી છે એવી રોચક કલ્પના છે. તેમની બીજી નવલકથા `ચાણક્યઝ ચાંટ`માં એક બાજુ ચાણક્યનીતિના પ્રણેતા ચાણક્યની કથા ચાલતી રહે છે. બીજી બાજુ, એક એવા ભારતીય રાજકારણીની કથા ચાલતી રહે છે જેને આપણે આધુનિક યુગનો ચાણક્ય કહેવો પડે. તેમની `ધ મેજિસિઅન્સ ઑફ મઝદા`, `ધ વૉલ્ટ ઑફ વિષ્ણુ`, `કીપર્સ ઑફ ધી કાલચક્ર`, `ધ સિઆલકોટ સાગા` અને `ધ ક્રિષ્ના કી` પણ આવી જ રીતે ઈતિહાસ, પુરાણ અને વર્તમાનનો અનોખો સંગમ છે.

આ પણ વાંચો : વિચારો એ જ થવાનું હોય તો નાનું વિચારવું જ શું કામ?

અને એ સંગમ કરવા માટે તેમણે જે સંશોધન કર્યું હોય છે તેનું તો પૂછવું જ શું? દરેક પુસ્તકના અંતે એ પુસ્તકના આધાર માટે તેમણે વાંચેલા પુસ્તકોની યાદી જોઈએ ત્યારે આપણને સમજાય છે કે તેમના પુસ્તકો આટલા ઓથેન્ટિક કેમ લાગતા હોય છે!

તેમણે જેમ્સ પેટરસન સાથે મળીને પેટરસનની પ્રાઈવેટ સીરિઝની બે નવલકથાઓ `પ્રાઈવેટ ઈન્ડિયા` અને `પ્રાઇવેટ દિલ્હી` પણ આપી છે. તેમાં પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સી અને તેના દ્વારા ઉકેલવામાં આવતા રહસ્યમયી કેસોની જાસૂસી વાર્તાઓ છે.

આ પણ વાંચો : જીવનનો એ અનુભવ જે નિર્દોષ નજરે જોયો, અનુભવ્યો

તેમની નવલકથાઓમાં ઊભાં થતાં રહસ્ય અને રોમાંચ ફટાફટ બનતી ઘટનાઓની સાથે સાથે રોચક પાત્રો દ્વારા પણ સર્જાતાં હોય છે. `ચાણક્ય મંત્ર`ના આધુનિક ચાણક્ય સમાન ગંગાસાગર મિશ્ર હોય કે `સિઆલકોટ સાગા`ના કૅન-એન્ડ-એબલ બની રહેતા અરવિંદ અને અરબાઝ હોય, `ધ રોઝેબલ લાઈન`ની સ્વાકિલ્કી હોય કે `ધ ક્રિષ્ના કી`નો ધૂની ઈતિહાસકાર રવિ મોહન સૈની, આપણને એ તમામ પાત્રો વાસ્તવિક લાગે છે. વાંચતી વખતે તો એ પાત્રો આપણી સામે આવીને ઊભા રહી જ જાય છે પરંતુ વાંચ્યા પછી પણ તેમને ભૂલી શકાતા નથી એટલી ગાઢ તેમની અસર હોય છે. તેમની તમામ નવલકથાઓના ગુજરાતી ભાવાનુવાદ થયા છે, એ આપ સૌની જાણ ખાતર.

નવલકથાઓ ઉપરાંત તેમણે `13 સ્ટેપ્સ સીરિઝ` હેઠળ પાંચ પ્રેરણાત્મક કે સેલ્ફ-હેલ્પ શ્રેણીના પુસ્તકો પણ આપ્યા છેઃ `13 સ્ટેપ્સ ટુ બ્લડી ગુડ લક`, `13 સ્ટેપ્સ ટુ બ્લડી ગુડ વેલ્થ`, `13 સ્ટેપ્સ ટુ બ્લડી ગુડ માર્ક્સ`, `13 સ્ટેપ્સ ટુ બ્લડી ગુડ હેલ્થ` અને `13 સ્ટેપ્સ ટુ બ્લડી ગુડ પેરેન્ટિંગ`. તેમાં તેમણે સંપત્તિ, માર્ક્સ, તંદુરસ્તી, બાળ ઉછેર અને સારા જીવનને પામવાના 13 પગલાં બતાવ્યા છે.

આ પણ વાંચો : જાતને સતત કોસવાનું બંધ કરી એને પ્રેમ કરો

આમ, અશ્વિન સાંઘીએ 2007થી 2023 સુધીના 17 વર્ષમાં 14 પુસ્તકો દ્વારા વાચકોને સતત કંઈને કંઈ નવું અને રોચક વાચન આપ્યું છે. તેમના આવનારા વર્ષો પણ આવા જ સર્જનાત્મકતા સભર નીવડે એવી તેમને આજના દિવસે શુભેચ્છાઓ! અને જો તમે તેમનું એક પણ પુસ્તક નથી વાંચ્યું કે કોઈ પુસ્તક વાંચવાનું રહી ગયું છે, તો આજ જેવો ઉત્તમ દિવસ બીજો ક્યારેય નથી હોતો!

નોંધનીય છે કે, તેમનું પ્રથમ પુસ્તક જે Shawn Haiginsના નામે પ્રસિદ્ધ થયું હતું તે તેમના મૂળ નામ Ashwin Sanghiનો એનાગ્રામ જ છે. -  આ લેખ ચિરાગ `જય` ઠક્કરે ખાસ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માટે લખેલ છે.

gujarati mid-day national news Education happy birthday