23 October, 2025 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે તહેવારોની જાણે લાઈન લાગી છે. આજે ભાઈબીજની ઉજવણી કરાશે. એની સાથે જ તમને જણાવી દઈએ કે આજે ૨૩મી ઓક્ટોબરે ચિત્રગુપ્તની પૂજા (Chitragupta Puja 2025)નો પણ શુભ અવસર છે.
ભાઈબીજનો ઉત્સવ કાર્તિક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ઊજવાય છે. આ દિવસે ભગવાન ચિત્રગુપ્તની પૂજા (Chitragupta Puja 2025)નું પણ મહત્વ રહેલું છે. શાસ્ત્રોમાં ચિતગુપ્તને મનુષ્યના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખનારા દેવ માનવામાં આવે છે. આજે જયારે તેમની પૂજાનું વિશેષ મહત્વ છે ત્યારે જાણીએ કે કઈ રીતે તેમની પૂજા કરી શકાય? પૂજાના મૂહુર્ત ક્યા છે અને બીજું ઘણું બધું.
કહેવામાં આવે છે કે ચિત્રગુપ્ત જગતના સર્વ જીવોનાં સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે. આવા દેવની આજે પૂજા કરવાથી શુભ પરિણામ મળે છે. વેપારીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું કહેવામાં આવે છે કે આજે હ્રદયના ભાવો સાથે કરેલી તેમની પૂજા શુભ ફળ આપે છે અને સાથે જીવોને પોતાનાં પાપોની માફી માગવાનો પણ અવસર મળી રહે છે. આજે ભગવાન ચિત્રગુપ્ત પૂજાથી ખુશ થાય છે અને ભક્તને સુખ અને સમૃદ્ધિના આશિષ આપે છે.
તમને જણાવી દઈએ કે ચિત્રગુપ્તની પૂજા (Chitragupta Puja 2025)ને `કલમ-દવાત` પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજા કરવી સરળ છે. સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્ર અંગીકાર કરીને પૂજા કરી શકાય છે. ચિત્રગુપ્તની મૂર્તિ કે તસ્વીરને સામે રાખી શકાય. તેમની આગળ બૂક કે પેન મૂકવી જોઈએ. આ વસ્તુઓને ભગવાન ચિત્રગુપ્તના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. હમેશા પ્રમાણે ચિત્રગુપ્તની પૂજા કરતા પહેલા પણ `ઓમ શ્રી ગણેશાય નમઃ`નો જાપ કરવો. જાપ બાદ ચિત્રગુપ્તનું ધ્યાનસ્મરણ કરવું જોઈએ. તેમને ચંદન, ફૂલો, અક્ષત અને પંચામૃત વગેરે અર્પણ કરવા જોઈએ. તેમની સામે તેલનો દીવો તેમ જ ધૂપ પણ કરી શકાય. ભગવાન ચિત્રગુપ્તની કથા વાંચવી જોઈએ. અને ખાસ મહત્વનું આ દિવસે તમારાથી જાણ્યે-અજાણ્યે થઇ ગયેલાં પાપો માટે માફી માંગવી જોઈએ. ઉપરાંત નવા વર્ષે વર્ષ સારા કાર્યો કરવાનો સંકલ્પ લઇ શકાય.
ચિત્રગુપ્ત પૂજા માટે મુહૂર્તની વાત કરીએ તો આજે બપોરે 1:32થી 3:51 સુધી સારું મુહૂર્ત છે. દ્વિતીય તિથિ પ્રારંભ ૨૨મીએ રાત્રે ૮.૧૬થી શરુ થયેલ છે. અને તે ૨૩મી ઓક્ટોબરના રોજ રાત્રે ૧૦.૪૬ સુધી છે.
દંતકથા અનુસાર યમરાજે પોતાની બહેન યમુનાને વચન આપ્યું હતું કે જે કોઈ પણ યમ દ્વિતીય (ભાઈબીજ)ના દિવસે પોતાની લાડકી બહેનને મળવા જશે, તેના ઘરે ભોજન કરવા જશે કે પછી તેના આશીર્વાદ લેશે તો તેને અકાળ મૃત્યુનો ભય નહીં સતાવે. કારણ કે ચિત્રગુપ્ત યમરાજના લેખક અને સહાયક છે. આજના દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આમ, આજે ભાઈબીજ અને ચિત્રગુપ્ત પૂજા એકસાથે ઊજવવામાં આવે છે. આજનો દિવસ સત્ય, શુદ્ધતા અને નૈતિકતાનો દિવસ છે.
આમાજે ભગવાન ચિત્રગુપ્તની પૂજા (Chitragupta Puja 2025) કરવાથી જૂના દોષો દૂર થાય છે, કામમાં આવતી અડચણો હટી જાય છે તેમ જ જીવનમાં સુખ, સમૃદ્ધિ વધે છે. આજના દિવસે વેપારીવર્ગ પોતાના ધંધાના નવા ચોપડાની શરુઆત કરે છે.
(નોંધ - આ લેખ માહિતી આધારિત હોવાથી ગુજરાતી મિડ-ડે આ લેખની સામગ્રીની સત્યતાની પુષ્ટિ આપતું નથી. વધુ જાણકારી માટે આ ક્ષેત્રના જાણકારની સલાહ લઇ શકાય)