૩૦ દિવસમાં કઈ રીતે ૧૨ જ્યોતિર્લિંગની યાત્રા કરે છે મુલુંડના આ બિઝનેસમૅન?

08 August, 2025 02:35 PM IST  |  Mumbai | Kajal Rampariya

અનેરી શિવભક્તિના આ વખતના છવ્વીસમા વર્ષે અનિલ ભદ્રા અત્યાર સુધીમાં ક્યાં જઈ આવ્યા અને હવે ક્યાં, કેવી રીતે જવાના છે એ જાણીએ : સાથે પરિવારજનો અને સ્ટાફ-મેમ્બર્સને પણ લઈ જાય છે : કોરોનાકાળમાં પણ આ સિલસિલો અટક્યો નહોતો

આ મહિને પાંચમી ઑગસ્ટે આઠમા જ્યોતિર્લિંગ કહેવાતા ઔંધા નાગનાથ મહાદેવનાં દર્શન કરતા અનિલ ભદ્રા.

મહાદેવને દેવોના પણ દેવ કહેવાયા છે અને જો કોઈ વ્યક્તિ શ્રાવણ માસમાં પૂરી નિષ્ઠા, શ્રદ્ધા અને ભક્તિથી તેમની ઉપાસના કરે તો મહાદેવ પ્રસન્ન થાય, થાય અને થાય જ એવું કહેવાતું આવ્યું છે. ઘણા શિવભક્તો પોતપોતાની રીતે અલગ-અલગ રીતે ભક્તિ કરતા હોય છે. મુલુંડમાં રહેતા અનિલ ભદ્રા છેલ્લાં પચીસ વર્ષથી દર વર્ષે શ્રાવણ મહિનામાં ૩૦ દિવસમાં ૧૨ જ્યોતિર્લિંગની યાત્રા કરે છે. ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા પંચાવન વર્ષના અનિલભાઈ મહિનામાં બારેબાર જ્યોતિર્લિંગનાં દર્શન કરવાની સાથે બિઝનેસને પણ સંભાળે છે. આ ઇમ્પૉસિબલ દેખાતી પરિસ્થિતિને પૉસિબલ કરવા માટે પ્રૉપર પ્લાનિંગ અને ટાઇમ-મૅનેજમેન્ટ હોવું જરૂરી છે ત્યારે અનિલભાઈ કઈ રીતે ટ્રિપ પ્લાન કરે છે એ જાણીએ.

શરૂઆત સોમનાથથી

અનિલભાઈ ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન એકલા નહીં પણ પોતાના પરિવાર સાથે અને તેમની કંપનીના સ્ટાફ-મેમ્બર્સ સાથે કરે છે. શ્રાવણ સુદ એકમ એટલે કે પાવન મહિનાના પહેલા દિવસની શરૂઆત પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાતા સોમનાથ મહાદેવની આરતીથી કરે છે. અનિલભાઈ કહે છે, ‘દર વર્ષે સૌથી પહેલાં અમાસના દિવસે દ્વારકાથી નજીક આવેલા નાગેશ્વર અને પછી દ્વારકાધીશનાં દર્શનથી અમારા જ્યોતિર્લિંગ પ્રવાસની શરૂઆત થાય છે. હું ૨૫ વર્ષથી આ સંકલ્પને સફળતાપૂર્વક પૂરો કરી રહ્યો છું એ પણ મહાદેવની કૃપા. આ ૨૬મું વર્ષ છે. આ માટે મારે માર્ચ-એપ્રિલમાં પ્લાનિંગ કરવું પડે. આ વખતે અમે ૨૩ જુલાઈએ રાત્રે ટ્રેનમાં નીકળ્યાં અને બીજે દિવસે એટલે ૨૪ જુલાઈએ નાગેશ્વરનાં દર્શન કરીને દ્વારકા અને બેટ દ્વારકા જઈ આવ્યાં. ૨૫ તારીખે એટલે શ્રાવણના પહેલા દિવસે સવારની વહેલી આરતીનો લાભ લીધો હતો અને પછી વેરાવળ સ્ટેશનથી ટ્રેનમાં બેસીને મુંબઈ પાછાં આવી ગયાં. આ ટ્રિપમાં હું, મારો દીકરો સ્મિત અને વહુ પરિધિ સાથે નવ સ્ટાફ-મેમ્બર્સ હતાં.’

પહેલા સોમવારે ત્ર્યંબકેશ્વર

આ ટ્રિપના બીજા ભાગમાં એકસાથે બે જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં એમ જણાવતાં અનિલભાઈ કહે છે, ‘૨૮ જુલાઈએ અમે બાય રોડ ત્ર્યંબકેશ્વર જવા નીકળ્યાં. અમારી કારમાં હું અને મારો દીકરો વારાફરતી ડ્રાઇવ કરીએ. ત્યાંથી ઘૃષ્ણેશ્વર ગયા અને પછી શનિ શિંગણાપુર પહોંચીને સવારે ચાર વાગ્યાની પહેલી આરતીનો લાભ લીધો. ત્યાં સ્ટે કરીને પછી બપોરે બાર વાગ્યે ભીમાશંકરની આરતી કરી અને પછી ટિટવાલા ગણપતિ થઈને ઘરે આવ્યા. હું દરેક જ્યોતિર્લિંગનાં દર્શન કરવાની સાથે જલ અને દૂધનો અભિષેક કરીને પૂજા પણ કરું છું. શ્રાવણ મહિનામાં જતો હોવાથી લોકોને એવું લાગે કે મને બહુ જ ભીડ નડશે, પણ અત્યાર સુધી મને બહુ જ સારી રીતે દર્શન મળ્યાં છે. આ ટ્રિપ પૂરી થયા બાદ અમે ત્રણ ઑગસ્ટે રાત્રે સાડાનવ વાગ્યાની ટ્રેનથી પરભણી જવા નીકળ્યાં. સવારે ત્યાં પહોંચીને એક ફ્રેન્ડના ઘરે રોકાઈને સ્નાન કરીને ત્યાંથી ૭૦ કિલોમીટર દૂર બીજા સોમવારે ઔંધા નાગનાથનાં દર્શન કર્યાં. મારો એક જ રૂટ હોવાથી ત્યાંના સ્થાનિક લોકો મને ઓળખવા લાગ્યા છે એટલે ટ્રાવેલિંગ કે રહેવા-ખાવા-પીવામાં મને તકલીફ પડતી નથી. કહેવાય છે કે સાચું નાગેશ્વર જ્યોતિર્લિંગ આ છે એટલે હું અહીં દર વર્ષે આવું છું. સવારે નાગનાથનાં દર્શન કર્યાં અને ત્યાંથી બાય રોડ પરળીમાં સ્થિત વૈદ્યનાથ જ્યોતિર્લિંગનાં દર્શન સાંજે છ વાગ્યે કર્યાં. દર સોમવારે તો મારો ફરાળી ઉપવાસ હોય છે અને આખા મહિનામાં હું ફક્ત એકટાણું જ કરું છું.’

વૉટ નેક્સ્ટ?

૯ ઑગસ્ટે ‘રક્ષાબંધનની ઉજવણી બાદ એ જ દિવસે આંધ્ર પ્રદેશના શ્રીશૈલમમાં સ્થિત મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જવા માટે રાત્રે હૈદરાબાદની અનિલભાઈની ફ્લાઇટ છે. તેઓ કહે છે, ‘૧૦ ઑગસ્ટે બપોરની આરતીનો લાભ લઈને અમે બાય રોડ મદુરાઈના મીનાક્ષી અમ્મન ટેમ્પલ જઈશું. ત્યાંથી શ્રાવણના ત્રીજા સોમવારે એટલે કે ૧૧ ઑગસ્ટે રામેશ્વરમ જ્યોતિર્લિંગનાં દર્શન કરીશું. ત્યાંથી પાછાં મદુરાઈ જઈને રાત્રે વારાણસીની ફ્લાઇટ છે. ૧૨ તારીખે રાતે પહોંચીને સાંજે ગંગા આરતીમાં સામેલ થઈશું અને ૧૩ ઑગસ્ટે સવારે પહેલી આરતીમાં સહભાગી થઈને કાશી વિશ્વનાથનાં દર્શન કરીશું. ત્યાંથી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને અયોધ્યામાં રામમંદિરની મુલાકાત લઈશું. પછી ૧૩ તારીખે સાંજે વારાણસીથી ફ્લાઇટ પકડીને મધ્ય પ્રદેશના ઇન્દોર શહેર મોડી રાત્રે પહોંચીશું. ત્યાંથી ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં રાત્રે ત્રણ વાગ્યે થતી ભસ્મ આરતીમાં ભાગ લઈશું. અત્યાર સુધી મેં ૧૧૮ વખત ભસ્મ આરતીનો લાભ લીધો છે અને હવે આ ૧૧૯મી વાર હશે. હું અવારનવાર અહીં આવતો હોઉં છું. મારી ઑફિસ મુંબઈની સાથે ઇન્દોરમાં હોવાથી ઇન્દોરનો સ્ટાફ અમને જૉઇન કરે છે એટલે મહાકાલેશ્વરનાં દર્શન કરવા અમારું વીસથી ૨૫ જણનું ગ્રુપ બની જાય છે. ભસ્મ આરતી કરીને ૧૪ તારીખની વહેલી સવારે ઓમકારેશ્વર જવા નીકળીશું. ઓમકારેશ્વર મહાદેવની બાજુમાં નર્મદા કિનારે બડવાહ હરિઓમ આશ્રમમાં મારા ગુરુજી ભગવતાનંદ સ્વામીના આશ્રમની મુલાકાત લઈએ છીએ. તેમણે મને શ્રાવણનો મહિમા સમજાવ્યો અને હું પ્રભાવિત થયો અને ત્યારથી એટલે કે ૧૯૯૯થી મેં દર વર્ષે ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન કરવાનો સંકલ્પ લીધો હતો. હું પોતે તો દર્શન કરું છું અને સાથે મારા સ્ટાફને પણ કરાવું છું. મારા આ સંકલ્પમાં પરિવાર પણ બહુ સાથ આપે છે. જે લોકોએ જે જ્યોતિર્લિંગનાં દર્શન નથી કર્યાં એ લોકો મારી સાથે જોડાય છે અને ફરી દર્શન કરવાની ઇચ્છા થાય તો અમારી સાથે જોડાઈ જાય છે. બહારના લોકો પણ મારા ગ્રુપમાં આવે છે પણ તેઓ પોતાનાં ટિકિટભાડાં મને આપે છે, જોકે ખાવા‍પીવાની વ્યવસ્થા અમારા બધાની ભેગી જ હોય છે. ગુરુજીના આશ્રમની મુલાકાત લઈને અમે ૧૫ ઑગસ્ટના દિવસે ઘરે પહોંચી જઈશું.’

છેલ્લે કેદારધામ

બે દિવસનો આરામ કર્યા બાદ અનિલભાઈ ઍન્ડ કંપની કેદારનાથધામ જવા નીકળશે. ટ્રિપના અંતિમ તબક્કાનું પ્લાનિંગ જણાવતાં તેઓ કહે છે, ‘કેદારધામ પહોંચવું સહેલું નથી, એના માટે સરખું પ્લાનિંગ બહુ જરૂરી છે. ત્યાંના હવામાનના હિસાબે અમે બે દિવસ એક્સ્ટ્રા રાખીને ચાલતા હોઈએ છીએ. ૧૮ ઑગસ્ટે વહેલી સવારે અમારી દેહરાદૂન જવાની ફ્લાઇટ છે. ત્યાં પહોંચીને બાય રોડ દેવપ્રયાગ પહોંચીશું. ત્યાંથી કેદારનાથ પહોંચતાં ત્રણ કલાક લાગે. જો વધારે વરસાદ હશે તો દેવપ્રયાગમાં જ રોકાઈશું. ત્યાં ભૂસ્ખલન થતું હોવાથી પ્રશાસન ચોક્કસ કલાકો માટે રસ્તા બંધ રાખતું હોય છે તેથી કેદારનાથ તાત્કાલિક પહોંચી શકાય નહીં. કેદારનાથ સ્ટાર્ટ થાય એની પહેલાં છીપામઢી વિસ્તાર સુધી અમે ૨૦ ઑગસ્ટે સાંજે પહોંચીશું. વાતાવરણના હિસાબે નિર્ણય લઈશું કે ચાલીને જવું, ઘોડા પર જવું કે પછી હેલિકૉપ્ટરમાં જવું. ત્યાં સ્ટે કરીને ૨૧ તારીખે સવારે ત્રણ વાગ્યાની આરતી અમારે કેદારનાથમાં કરવાનો વિચાર છે એટલે એ રીતે પ્રી-પ્લાનિંગ અને બૅકઅપ પ્લાન સાથે અમે ચાલી રહ્યાં છીએ. કેદારબાબાનાં દર્શન કરીને અમે એ જ દિવસે બદરીનાથ જવા નીકળીશું. બાવીસ તારીખે બદરીનાથ પહોંચીને વહેલી સવારે આરતીનો લાભ લઈને ૨૩ તારીખે હરિદ્વાર પહોંચીશું. આ દિવસે અમાસ હોવાથી સવારે ગંગાસ્નાન કરીને ત્યાંથી ૧૦ વાગ્યાની ફ્લાઇટ પકડીને બપોરે બે વાગ્યે ઘરે પહોંચીશું અને એ જ દિવસે મુલુંડના બાલરાજેશ્વર મહાદેવ મંદિરમાં મોટા પાયે ભંડારો થાય છે ત્યાં ભોળાનાથની પ્રસાદી લઈને હું મારા ૧૨ જ્યોતિર્લિંગના સંકલ્પની પૂર્ણાહુતિ કરું છું.’

કોરોનાકાળમાં પણ કરી યાત્રા

કોરોના જેવી મહામારીમાં પણ અનિલભાઈએ શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગની પૂજા કાયમ રાખી હતી. આ વિશે તેઓ કહે છે, ‘કોરોનાકાળમાં પણ મેં મારા સંકલ્પને પૂરો કરવાની અને સફળ કરવાની પૂરતી કોશિશ કરી હતી. ૨૦૨૦માં મેં કેદારનાથ, રામેશ્વરમ અને મલ્લિકાર્જુન સિવાય બધાં જ જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં હતાં. ૨૦૨૧માં તો ફક્ત કેદારનાથ જ રહી ગયું હતું. ૨૦૧૩માં કેદારનાથમાં કુદરતી આફત આવી હતી ત્યારે હું બચી ગયો હતો. આફત આવી એની પહેલાં જ અમે દર્શન કરીને નીકળી ગયાં હતાં. મને મહાદેવે ઘણી મુસીબતોમાંથી ઉગાર્યો છે. તેમની ભક્તિ મને શાંતિ અને સુખ આપે છે એથી મારાથી થશે ત્યાં સુધી હું નિભાવીશ.’

culture news religion religious places shravan festivals gujarati community news gujaratis of mumbai columnists gujarati mid day mumbai life and style