ભક્તિ એટલે પરમ તત્ત્વની સાથે સતત અંતરમનથી જોડાયેલા રહેવાની પ્રક્રિયા

20 August, 2025 02:51 PM IST  |  Mumbai | Morari Bapu

ભક્તિ એટલે અંધશ્રદ્ધા નહીં. ભક્તિ એટલે તો પરમ તત્ત્વની સાથે સતત અંતરમનથી જોડાયેલા રહેવું. જરા પણ ક્યારેય વિભક્ત ન થવું એનું નામ ભક્ત‌િ.

પ્રતીકાત્મક તસવીર

એક બહુ સામાન્ય કહેવાય એવો પ્રશ્ન પૂછું, ભક્તિ કોને કહેવાય?

ભક્તિ એટલે બહુ ટૂંકો અર્થ કરશો નહીં. હું સતત આ વાત કહેતો આવ્યો છું કે ભક્તિ એટલે કેવળ ઘેલછા નહીં, ભક્તિ એટલે કેવળ આવેગ નહીં. લોકો કહે છે એમ પ્રેમમાં નેમ ક્યાં? પ્રેમીને જેટલો નેમ નિભાવતાં આવડે એવું દુનિયામાં કોઈને ન આવડે. મીરા ક્યારેય બેતાલમાં નાચી છે? એક દાખલો તો બતાવો. જ્યારે નાચી છે ત્યારે સ્વરમાં અને તાલમાં. બેતાલમાં ક્યારેય તે નાચી નથી. જેણે પ્રેમ કર્યો છે હરિને તેની કરતાલો કોઈ દિવસ બેતાલ ન જાય. ક્યારેય એવું બને જ નહીં.

ભક્તિ એટલે અંધશ્રદ્ધા નહીં. ભક્તિ એટલે તો પરમ તત્ત્વની સાથે સતત અંતરમનથી જોડાયેલા રહેવું. જરા પણ ક્યારેય વિભક્ત ન થવું એનું નામ ભક્ત‌િ.

કુતૂહલ શબ્દ તો બહુ જ પાતળો શબ્દ છે, હળવો શબ્દ છે. કુતૂહલ એને કહેવાય જેની પાછળ તમને જવાબ મળે કે ન મળે એની કંઈ બહુ ચિંતા નથી હોતી. પૂછ્યું, પૃચ્છા કરી, સવાલ કર્યો, જાણવાનો પ્રયાસ કર્યો એને કુતૂહલ કહે છે. જેની પાછળ તમને કોઈ તૃષા નથી; જેની પાછળ કોઈ પીડ નહીં, એ કુતૂહલ છે. આપણું બાળક ચાલતાં શીખે એનું જે કુતૂહલ છે એ ચાલવા પૂરતું જ હોય. એ ગતિમાં બાળકના મનમાં મંઝિલની કોઈ ચિંતા હોતી નથી, કારણ કે બાળકના દિમાગમાં મંઝિલના જે વિચાર છે એનો ઉદય નથી થયો. એક વિષયી કક્ષાનું કુતૂહલ છે. ઈશ્વરની બાબતમાં કુતૂહલ ઘણાને થાય પણ એ કુતૂહલ કંઈ પરિણામ નથી લાવતું.

મંઝિલનું કંઈ ઠેકાણું નથી. ઘણા માણસો ભક્તિ પણ કુતૂહલથી કરે છે. કુતૂહલ – જેમાં કોઈ રસ નથી, બસ પ્રશ્નાર્થવશ એ કરતા જાય છે પણ કુતૂહલમાં અટકવાનું નથી.

આની ઉપર એક શાસ્ત્રીય ભૂમિકા છે, એને જિજ્ઞાસા કહે છે.

‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા!’

જિજ્ઞાસા બૌદ્ધિક હોય છે, જિજ્ઞાસા સદૈવ બૌદ્ધિક જ હોય છે. સમજ વધારવા, ન સમજાતું હોય એને ખોલવા. પોતાને બૌદ્ધિક સંતોષ થાય એટલા માટે જિજ્ઞાસા આવી. ઊંચું સ્તર છે જિજ્ઞાસા, બહુ સારી વાત છે જિજ્ઞાસા. જિજ્ઞાસા બૌદ્ધિક હોય છે પણ એ બૌદ્ધિક જિજ્ઞાસામાં શ્રદ્ધા હોવી જરૂરી છે. સમર્પણ નહીં હોય તો બુદ્ધિમાં કાણું છે અને એ બુદ્ધિના પાત્રમાં રહેલું કાણું જિજ્ઞાસાની પૂર્તિ માટે આવેલું અમૃત ન ઝીલી શકે, એમાંથી અમૃત વહી જશે. બહુ જ વચ્ચેની સ્થિતિ છે આ જિજ્ઞાસા.

culture news religion religious places life and style Morari Bapu columnists gujarati mid day mumbai