23 August, 2026 05:37 PM IST | Amethi | Alpa Nirmal
અમેઠી પાસેના રામપુર પવારા ગામના દત્તેહરેશ્વરનાથ મહાદેવ.
શ્રાવણ મહિનો વૈદિક કૅલેન્ડરનો ખૂબ જ પવિત્ર મહિનો છે. કૈલાસપતિને સમર્પિત આ માસમાં જ સમુદ્રમંથનની મહત્ત્વપૂર્ણ ઘટના બની હતી. આથી શિવભક્તો આ દિવસોમાં શંકર ભગવાનની વિશેષ પૂજા કરે છે. હરિયાળી ત્રીજ, નાગપંચમી, પુત્રદા એકાદશી, રક્ષાબંધન, શીતળા સાતમ, જન્માષ્ટમી તથા અષ્ટદિવસીય જૈન પર્વ પર્યુષણની શરૂઆત પણ આ પાવન મહિનામાં થાય છે. તહેવારોની હારમાળા ધરાવતા શ્રાવણ માસમાં આવતા ગુરુવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી આજે જઈએ એવા શિવાલયે જ્યાં નીલકંઠને રાખડી બાંધવાની અનોખી પરંપરા છે. ભાઈ-બહેનના નિર્મળ પ્રેમના પ્રતીકરૂપે ભેટ આપવાની પ્રથા અન્વયે તીર્થાટનપ્રેમીઓને આજે એક નહીં બે તીર્થસ્થળોની માનસયાત્રાનું સુંદર ભેટણું.
દેશની રાજનીતિવિષયક ચર્ચાઓમાં સુરખીઓમાં રહેતા નેહરુ-ગાંધી પરિવારનો ગઢ અમેઠી મૂળે કૃષ્ણ અને બલરામની બચપનની ભૂમિ છે. યાદવો માટે અહીંનું નંદમહરધામ આસ્થાનું કેન્દ્ર છે. એ સાથે જ અસુરોના નાશ માટે માતા પાર્વતીએ અહીં જ મા કાલીનું સ્વરૂપ ધારણ કર્યાની માન્યતા હોવાથી મહાકાલીની પ્રાગટ્યભૂમિ તરીકે આ ભૂમિ પુરાણો અને ગ્રંથોમાં વર્ણિત છે. એક સમયે ગાઢ જંગલોથી આચ્છાદિત આ ધરતી પર અનેક પૌરાણિક અને પ્રાચીન મંદિરો પણ છે જેમાં આજના મુખ્ય નાયક દત્તેહરેશ્વરનું મંદિર પણ છે. દંથરેશ્વર તરીકે પણ જાણીતા આ શિવલિંગ માટે કહેવાય છે કે પાંડુપુત્ર અર્જુને આ શિવલિંગની સ્થાપના અને પૂજા કરી હતી. એ પછી લાંબા કાળ સુધી એ અન્ય ઋષિમુનિઓ દ્વારા પૂજાતું ગયું અને કાળક્રમે આજુબાજુની જમીન ઊંચકાઈ આવતાં ત્યાં ટેકરી બની ગઈ. આથી શિવલિંગ જમીનમાં દટાઈ ગયું. રામપુર પવારા ગામના રહેવાસી આલોક સિંહ ‘મિડ-ડે’ને કહે છે, ‘એ પછી અઢીસો-ત્રણસો પહેલાં અમારા ગામની જ એક વ્યક્તિને આ શિવલિંગનું સપનું આવ્યું અને તેણે આ સ્થળે ખોદકામ શરૂ કર્યું. ખોદતાં-ખોદતાં પ્રાચીન શિવલિંગ તો મળ્યું, પણ જેમ-જેમ આજુબાજુની જમીન ખોદતા જાય એમ-એમ આ શિવલિંગ ધરતીમાં ધસતું જાય. એ પછી ગ્રામવાસીઓએ સુઝાવ આપ્યો કે હવે આજુબાજુ વધુ ખોદવાની જરૂર નથી, રુદ્રનાથની ઇચ્છા છે કે તેમનો આટલો જ ભાગ ઉપર રહે અને પૂજાય. એટલે વધુ ખોદકામ કરવાને બદલે અમારા વડવાઓએ એની આજુબાજુ મંદિર બનાવી દીધું.’
કુદરતી તળાવના કિનારે આવેલું આ મંદિર આ ગામનું તો ખરું જ, પણ આજુબાજુના ૨૦૦ કિલોમીટરમાં વસતા ભક્તજનોનું શ્રદ્ધેય ધામ છે, કારણ કે દંથરેશ્વર મહાદેવ અને હરવા ભવાનીમાતા બેઉ પુરાણકાળથી આ ભૂમિનાં સંરક્ષક દેવ છે. મંદિરના નિર્માણકર્તાના પરિવારજન આલોક સિંહ કહે છે, ‘આ દેવોના દેવ સાથે બીજી એક કથા પણ જોડાયેલી છે જેનું કનેક્શન તેમના નામ સાથે છે. કહે છે કે મોગલ સૈનિકો આ પ્રાચીન શિવલિંગને તોડવા આવ્યા અને લિંગ પર ભાલાનો એક પ્રહાર કર્યો ત્યારે એમાંથી પીળા રંગના અસંખ્ય તતૈયા (ભમરા) નીકળ્યા અને એ ભમરાના ડંખથી ત્રાસી જઈને સેના ભાગી ગઈ. ત્યારથી મહાદેવ દઠિયારેશ્વર (તતૈયાને ગ્રામીણ ઉત્તર પ્રદેશમાં દતૈયા/બરેયા/દઠિયા/ડાઢિયા પણ કહેવાય છે) દાથિયારેશ્વર, દંતારેશ્વર, દંથરેશ્વર જેવા નામે ઓળખાવા લાગ્યા.’
શિવલિંગને રાખડી બાંધવાની પરંપરા ક્યારથી શરૂ થઈ એ પ્રશ્નના ઉત્તરમાં આલોક સિંહ કહે છે, ‘જુઓ, આ પ્રકારની પૂજા કોઈ પુરાણોમાં વર્ણિત નથી, પરંતુ કોઈ મહિલાએ ભાવાવેશમાં આ દિવસે મહાદેવને રાખડી સર્મપિત કરી હશે. ત્યારથી અહીંની દરેક વયની બહેનો-દીકરીઓ શિવજીના લિંગ પર અન્ય પૂજાપાની સાથે રાખડીઓ ચડાવે છે અને મનોમન ભોલેનાથને પોતાના ભાઈ માનીને રક્ષા કરવાની પ્રાર્થના કરે છે. આમેય શ્રાવણ મહિનામાં ગ્રામવાસીઓનો દિવસ કૈલાશપતિનાં દર્શન કરવાથી અને જળ ચડાવવાની વિધિથી જ શરૂ થાય છે. એમાં આવતી પૂર્ણિમા વિશેષ બની રહે છે. બહેનો એ દિવસે મહાદેવને ભોગ ચડાવવા ખાસ મીઠાઈ લઈ આવે છે.’
૨૦૨૨માં ઉત્તર પ્રદેશ રાજ્ય પર્યટન વિભાગ દ્વારા આ સ્થળને પર્યટનસ્થળરૂપે સ્વીકૃતિ મળી છે. એ પછી નાનકડા મંદિરની આજુબાજુની જમીનમાં પેવર બ્લૉક્સ લગાડવા સાથે બાઉન્ડરી વૉલ તેમ જ નાનો-મોટો ગેટ બન્યાં છે. નાનકડો યાત્રી નિવાસ બ્લૉક બનાવવામાં આવ્યો છે તેમ જ પરિસરમાં ઉદ્યાન બનાવવાનું કાર્ય ચાલુ છે. જોકે નોટિસેબલ અહીંનું તળાવ છે. કુદરતી રીતે નિર્માણ પામેલા તળાવને વધુ ખોદીને ઊંડું તેમ જ વિશાળ બનાવવામાં આવ્યું છે. એની આજુબાજુ વૉકવે બનાવ્યો છે અને બેન્ચ મૂકી છે. આલોક સિંહ કહે છે, ‘આ તળાવ પણ પવિત્ર છે. એમાં માછીમારી નથી થતી. થોડા દસકાઓ પહેલાં અહીંથી કોઈએ માછલી પકડીને ખાધી હતી તો તેના બહુત બૂરા હાલ હુઆ થા. એ પછી આ તળાવ પૂજનીય મનાય છે. આ જળ પીવાથી કે શરીર પર ચોપડવાથી રોગ-વ્યાધિ દૂર થયાના દાખલા પણ બન્યા છે.’
હવે વાત કરીએ શિવલિંગની. પ્રાકૃતિક રીતે લંબગોળ આકાર ધરાવતા, આખા ચૉકલેટી રંગના લિંગના ઉપરના ભાગ પર સફેદ ટપકાંની ડિઝાઇન છે અને એ પણ નૅચરલ છે. કહે છે કે શિવલિંગ અત્યારે જેટલું દેખાય છે એના કરતાં અનેકગણું એ જમીનની અંદર ધરબાયેલું છે. ગોળ ગુંબજ અને ફક્ત ગર્ભગૃહ ધરાવતા જૂના કેસરિયા મંદિર ફરતે દેવી માતાની મૂર્તિઓ, હનુમાનજી, ગણપતિજી વગેરે બિરાજે છે. જોકે નૂતનીકરણ થયા પછી મોટા કમળનું ફૂલ ધરાવતો ગેટ, શંકર ભગવાનની ૨૪-૨૫ લાંબી ઊભી મૂર્તિ અને એની સાથે જોડાયેલી મગરની મુખાકૃતિ ધરાવતું દ્વાર ગ્રામ્યજનો સહિત બાળકોનું આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરનો હરિયાળો પરિસર, શાંત તળાવ અને સપોર્ટિવ ગામવાસીઓ મહાનગરની પ્રજાને મોહિત કરી દે છે.
દત્તેહરેશ્વર નાથ સાથે ગામવાસીઓ ફક્ત બળેવ જ નહીં, હોળી અને દીપાવલિ જેવા તહેવારો પણ ઊજવે છે. એમાં પણ શિવરાત્રિએ તો અહીં મેળો ભરાય છે.
તિલોઈ તહસીલમાં આવેલા આ મંદિરે જવા અમેઠી રેલવે-સ્ટેશનથી બાય રોડ ૬૧ કિલોમીટરનું ટ્રાવેલ કરવું પડે છે અને મુંબઈથી અમેઠી જવા રેલગાડી દ્વારા ૧૬૦૦ કિલોમીટરનું. આગળ કહ્યું એમ અહીં રહેવા માટે પર્યટન મંત્રાલયે મંદિરના પરિસરમાં બ્લૉક બનાવ્યા છે, પણ ત્યાં સાધુઓ અને ઋષિઓ સિવાય કોઈ રાતવાસો કરતું નથી કારણ કે એમાં બીજી કોઈ સગવડ નથી. નાનકડા ગામ રામપુરા પવારામાં ચા-પાણી-બિસ્કિટ મળી જાય, વિશેષ કશું નહીં. આથી યાત્રીઓને અમેઠીમાં જ રહેવું સુગમ પડે છે. અમેઠીમાં રહેવા અને જમવાની સગવડ સાથે સ્થાનિક મંદિરો તથા આજુબાજુના વિસ્તારોનાં પ્રાચીન, પૉપ્યુલર મંદિરોનાં દર્શનાર્થે જવા વાહનો મળી રહે છે.
ખજરાના ગણેશજીના નામે ફક્ત ઇન્દોરની નહીં, વિશ્વની સૌથી મોટી અને જાયન્ટ રાખડી બાંધવાનો રેકૉર્ડ નોંધાયેલો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરના સાંસ્કૃતિક સમિતિના સભ્યોએ ગણેશજી માટે હિન્દુસ્તાનના નકશા ઉપરાંત અહીંનાં પ્રમુખ તીર્થોનાં ચિત્રો સમાવતી દેશી-વિદેશી ફૂલોની રાખડી તૈયાર કરાવી છે. ગયા વર્ષે અહીં ૧૯૬ સ્ક્વેરફુટ ક્ષેત્રફળ ધરાવતી ૨૫૧ કિલોની રાખડી બંધાઈ હતી. કલકત્તાના કારીગરો દ્વારા ૧૦૦ કિલો ફૂલો દ્વારા બનાવાયેલા આ રક્ષાસૂત્રને વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. એ સાથે ગયા વર્ષે ખજરાના ગણેશ પ્રત્યેના અહોભાવને દર્શાવવા એક પરિવારે પોતાના ખર્ચે ૪૦x૪૦ ઇંચની ગણનાયકને પ્રિય વસ્તુઓમાંથી બનાવાયેલી રાખડી બાંધી હતી.
જો ભોલેબાબાને જગતપિતા અને મા પાર્વતીને સૌનાં માતા મનાય તો ગજાનન મહારાજ ‘રિશ્તે મેં હમારે ભાઈ લગતે હૈં’ એ ન્યાયે લાખો મહિલાઓ ઉજ્જૈનના બડા ગણપતિને દેશ-વિદેશથી રાખડીઓ મોકલે છે. ૧૨૦ વર્ષ પહેલાં બનેલા આ મંદિરના ગન્નુબાપ્પા અમેરિકામાં રહેતાં એક ભારતીય મહિલાને એટલા પ્રિય છે કે તે દર વર્ષે પોતાના દેશથી સોનાની ગિનીવાળી રાખડી પ્યારે ભૈયા માટે મોકલે છે. એ જ રીતે બે વર્ષ પહેલાં એક બહેને આ મહાકાયને તેમની સાઇઝને અનુરૂપ ૧૫ કિલો ચાંદીની રાખડી બાંધી હતી. જોકે દરેક રાખડી ભગવાનને બાંધવી શક્ય નથી હોતી, પરંતુ દરેક રક્ષાસૂત્રને પૂજારી બાપ્પાનાં ચરણોમાં સમર્પિત જરૂર કરી દે છે અને સ્પેશ્યલ રાખડીઓ મોકલનારી બહેનોનાં નામ ગોત્રનું ઉચ્ચારણ કરીને વક્રતુંડને બાંધે છે. મહાકાલ કૉરિડોરમાં જ આવેલું બડે ગણેશ મંદિર ભક્તોનું વન ઑફ ધ મોસ્ટ ફેવરિટ મંદિર છે.
ઉજ્જૈન કેવી રીતે જવાય, ક્યારે જવાય એ વિશે લખવાનો કોઈ પૉઇન્ટ જ નથી; કારણ કે ઉજ્જૈન ત્યારે જ જવાય જ્યારે મહાકાલ પોતે બોલાવે. ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક શ્રી મહાકાલ અહીં મૃત્યુના દેવતાના સ્વરૂપમાં છે, પરંતુ ભારતની હજારો બહેનો તથા અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, દુબઈ, સિંગાપોરમાં રહેતી સેંકડો બહેનો આ મહાકાલને પોતાનો ભાઈ માને છે. એટલે કેટલાય દશકાઓથી તેઓ બાબાને અચૂક રાખડી મોકલે છે. અને હા, રુદ્રનાથ ભલે અહીં મૃત્યુના દેવરૂપે છે, પણ બહેનોના પ્રેમના પ્રતીકરૂપી રાખડીને બળેવના દિવસે બહુ પ્રેમથી ધારણ કરે છે. કહે છે કે જે બહેનને ભાઈ નથી હોતો તે બહેન મહાકાલને પોતાનો ભાઈ બનાવે છે. જોકે મહાકાલ દેશદુનિયાની હજારો બહેનના વીરા ભલે બને, તેમને ફક્ત પૂજારી પરિવારની મહિલાઓએ બનાવેલી જ રાખી બંધાય છે. હા, બાબાને બંધાતી રાખડી તૈયાર કરતાં પહેલાં એ બહેનોએ કેટલાક નિયમો પાળવાના રહે છે અને મહિલાઓ એનું ચુસ્તપણે પાલન કરે છે. તેઓ આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે. એની સાથે સ્નાનાદિ કર્યા બાદ શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને ઉચ્ચ કોટિની જરી, લેસ, કાપડ, આભલાં, સોના-ચાંદીના સિક્કા વગેરેથી રાખડી તૈયાર કરે છે. ૧૨, ૧૫, ૨૦ ઇંચનો વ્યાસ ધરાવતી આવી પાંચ-છ રાખડીઓ તૈયાર કરતાં બહેનોને સાતથી ૧૦ દિવસ લાગે છે. એ પછી શ્રાવણ સુદ પૂનમના મળસકે થતી ભસ્મ આરતી દરમ્યાન પુરુષ પૂજારીઓ મહાકાલને વિવિધ પવિત્ર પ્રવાહીઓથી સ્નાન કરાવીને સંપૂર્ણ શણગાર કરે છે. એ પછી ભસ્મનો અભિષેક થાય છે અને એ દરમ્યાન બાકાયદા આખા શિવલિંગની ફરતે રાખડીઓ બંધાય છે. આ સમયે પૂજારીના પરિવારની મહિલાઓ પણ મંદિરમાં હાજર રહે છે અને લાડકા ભાઈએ પોતે બનાવેલી રાખડી પહેરી છે એ જોઈને ભાવવિભોર થઈ જાય છે.
આમ તો રૌદ્ર રૂપના આ દેવ શણગાર થતાં જ જાજરમાન અને રાજસી જ લાગે છે, પરંતુ રાખડી બંધાતાં તેમનું રૂપ ઑર ખીલી ઊઠે છે. બળેવના આખા દિવસે ભોલેબાબા બધી જ રાખડી પહેરી રાખે છે. એ પછી જન્માષ્ટમી સુધી નાગેશ્વરને કોઈ એક રાખડી બાંધી રખાય છે. આ દિવસે પ્રભુને ૧૧,૦૦૦ લાડુનો ભોગ પણ ધરાવવામાં આવે છે. લાડુનો એ પ્રસાદ ધારણ કર્યા બાદ પૂજારી પરિવારની બહેનો તેમના માસિક ઉપવાસનાં પારણાં કરે છે.
ઉજ્જૈન કેવી રીતે જવાય અને ક્યાં રહેવાય એ માહિતીથી તીર્થપ્રેમીઓ વાકેફ જ હોય. એટલે એ કહેવાની જરૂર નથી. હા, એટલું જાણી લો કે મહાકાલને રાખડી બંધાતી જોવી હોય તો બળેવના દિવસની ભસ્મ આરતીનું બુકિંગ વહેલાસર કરાવી લો.