બજરંગબલી બારેમાસ

14 April, 2025 07:15 AM IST  |  Chhattisgarh | Alpa Nirmal

આમ તો હનુમાન જયંતી ગઈ કાલે હતી, પરંતુ રામસુત ફક્ત વાર કે તહેવારે પુજાતા દેવ નથી. મહાદેવનો અવતાર તો દરરોજ પુજાય છે, બારેમાસ સ્મરાય છે.

છત્તીસગઢ રાજ્યના રતનપુરમાં ગિરજાબંધ હનુમાન મંદિરમાં બજરંગ બલી સ્ત્રી સ્વરૂપે બિરાજે છે

આમ તો હનુમાન જયંતી ગઈ કાલે હતી, પરંતુ રામસુત ફક્ત વાર કે તહેવારે પુજાતા દેવ નથી. મહાદેવનો અવતાર તો દરરોજ પુજાય છે, બારેમાસ સ્મરાય છે. વળી અંજનીનંદન આબાલવૃદ્ધ દરેકના ફેવરિટ પણ છે અને તેમનાં દરેક સ્વરૂપ પણ સર્વ સ્થાને વંદિત છે. જોકે આજે આપણે હનુમાનજીના  એવા અનોખા મંદિરે જઈશું જે વિશ્વમાં ફક્ત અહીં જ છે અને એકમાત્ર છે

તમે હનુમાનજીનાં વિવિધ રૂપો જોયાં હશે. બાળ રૂપ, મર્યાદા પુરુષોત્તમના સેવક રૂપ, અશોક વાટિકામાં સીતાજીને સંદેશો પહોંચાડવા જતા દૂત રૂપ, લક્ષ્મણજી માટે સંજીવની પહાડ ઉપાડી આવનાર જીવનરક્ષક રૂપ, પોતાની પૂંછડીએ આગ ચાંપી આખીયે લંકાને બાળનાર વીર રૂપ, યુદ્ધના મેદાનમાં બાલી, મેઘનાથ અને રાવણ સાથે લડનાર યોદ્ધા રૂપ અને રામ રાજાના રાજ્યાભિષેક બાદ અયોધ્યાના વૃદ્ધ સંરક્ષક રૂપ. વિવિધ મંદિરોમાં કેસરીનંદનની પ્રતિમાઓ, તસવીરો આવાં વિવિધ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ ભારતના છત્તીસગઢ રાજ્યના રતનપુરમાં ગિરજાબંધ હનુમાન મંદિરમાં બજરંગ બલી સ્ત્રી સ્વરૂપે બિરાજે છે. યસ, દેવી સ્વરૂપે. જેમનો દેવીમાતાની જેમ શણગાર થાય છે ને નારીની જેમ તેમને નાકમાં નથ પણ પહેરાવાય છે.

આશ્ચર્ય થયું? થાય જ કારણ કે પવનસુત બાલ બ્રહ્‍મચારી છે. વળી તેમના ચરિત્રમાં ક્યાંય અષ્ટ નવનિધિ દાતાએ સ્ત્રીવેશ ધારણ કરી કોઈ લીલા કરી હોય એવો ઉલ્લેખ નથી. ઇન ફૅક્ટ, સ્ત્રીઓએ હનુમાનજીને સ્પર્શ કરાય કે નહીં એ માન્યતા પર પણ ભારે વિવાદો થયા છે અને થાય છે. એવામાં હનુમાનજી મહિલાના અવતારરૂપે બિરાજે એટલે અચરજ થાય જ. બટ રાજ્યના મુખ્ય શહેર બિલાસપુરથી ૨૫ કિલોમીટરના અંતરે આવેલા રતનપુરમાં નારી રૂપના આંજનેય છે અને આ મૂર્તિ આજકાલની નહીં, ૧૦ હજાર વર્ષો પૂર્વેની છે.

વેલ, મારુતિ નારીરૂપે કેમ છે? એની કથા બહુ લાંબી નથી, વળી પુરાણોમાં ક્યાંય આલેખાયેલી નથી. પરંતુ સ્થાનિક લોકોની માન્યતા અનુસાર કહેવાય છે કે દસ હજાર વર્ષો પહેલાં અહીં પૃથ્વી દેવજુ નામે રાજા રાજ્ય કરતો હતો. ધર્મપ્રિય આ રાજા કુષ્ઠ રોગની ચપેટમાં આવી ગયો. કુષ્ઠ રોગ એ સમયમાં રાજરોગ કહેવાતો જેનો કોઈ ઇલાજ નહોતો. છતાંય રાજાએ અનેક ઉપચારો કરાવ્યા પરંતુ તેનો અસાધ્ય રોગ મટ્યો નહીં. અંતે તેમણે પવનસુતની ઉપાસના કરવાનું શરૂ કર્યું. રાત-દિવસ રાજવી હનુમાનની પૂજાઅર્ચના કરતો. વિવિધ ભોગ ચડાવે, મંત્રોચ્ચાર કરે સાથે પોતે કઠિન તપસ્યા કરતો. આખરે હનુમાનજીએ ભોળેનાથના અવતાર, ભક્તની આવી અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈ ગયા અને રાજાના સપનામાં આવ્યા. તેમણે પૃથ્વીરાજાને દર્શન દઈ કહ્યું કે નજીકમાં એક જગ્યાએ સરોવર ખોદાવો, જ્યાંથી જળધારા નીકળશે. એ જળમાં સ્નાન કરવાથી કુષ્ઠ રોગ દૂર થશે. પૃથ્વી દેવજુએ હનુમાનજીએ જણાવ્યા અનુસાર કર્યું અને ખરેખર સરોવર માટે ખાડો ખોદતાં એમાંથી સરવણી ફૂટી. રાજાએ એ પાણીથી સ્નાન કરતાં તેમનો રક્તપિત્ત રોગ દૂર થયો અને ફરીથી તેઓ સુંદર તથા સુદ્દઢ થઈ ગયા.

રાજાની સાથે થયેલા આ ચમત્કારની વાતો દૂર-સુદૂર ફેલાઈ ગઈ અને જિજ્ઞાસુઓનાં ટોળેટોળાં આ પવિત્ર જળાશયનાં દર્શન કરવા, સ્નાન કરવા આવવા લાગ્યા. થોડા વખત બાદ રાજાને ફરી સ્વપ્ન આવ્યું, જેમાં સંકેત થયો કે એ સરોવરમાં એક દૈવી પ્રતિમા છે. રાજાએ પોતાના સેવકો પાસે આખા જળાશયની તલાશ કરાવડાવી અને એમાંથી હનુમાનજીની નારી રૂપની પ્રતિમા સાંપડી. જે રાજાએ નિર્મિત કરાવેલા મંદિરમાં સ્થાપિત કરાવી. ત્યારથી અહીં વાનરદેવ સ્ત્રી રૂપે પુજાય છે. જોકે  આ કથાની સાથે અન્ય કહાની પણ છે. એ અનુસાર એમ મનાય છે કે આ સ્થળે મહામાયા કુંડ પૂર્વેથી જ હતો. રાજાએ કરેલી ઉપાસનાથી પ્રસન્ન થઈ હનુમાનજી રાજાને સ્વપ્નમાં આવ્યા અને આદેશ કર્યો કે તું એક મંદિર બનાવ. રાજાએ પ્રભુનો આદેશ માની સુંદર મંદિર નિર્માણ કરાવ્યું. દેવાલયનું કામ પૂર્ણતાએ હતું ત્યારે ફરીથી મહાબલી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે મહામાયા કુંડમાં એક મૂર્તિ છે. એ મૂર્તિનું સ્થાપન એ નિર્માણ કરાવેલા મંદિરમાં કર. પૃથ્વી દેવજુએ આરાધ્ય દેવના નિર્દેશન પ્રમાણે કર્યું અને એ મૂર્તિની સ્થાપના બાદ રાજા બીમારીમાંથી મુક્ત થઈ ગયા.

આ બેઉ કથાઓનું કોઈ પ્રમાણ નથી એટલે કઈ કેટલી સત્ય છે એ કહી ન શકાય. એ જ રીતે આટલાં હજારો વર્ષોમાં અહીં કોણે પૂજા કરી, ઉપરાંત ભૌગોલિક ઊથલપાથલો, રાજકીય અપ-ડાઉન્સ દરમિયાન આ મંદિર કોણે સાચવ્યું એ પ્રશ્નોનો પણ કોઈ ઉત્તર નથી. પરંતુ સત્ય એ છે કે બિલાસપુરની આસપાસના વિસ્તારોમાં આ સંકટમોચનને માતા હનુમાન કહેવાય છે અને અહીંના સ્થાનિકો બડે ભક્તિભાવ સે માતા હનુમાનનો સોળ શૃંગાર રચી પૂજા કરે છે.

સુગંધિત ચોખા દુબરાજ માટે ફેમસ બિલાસપુરનો વિસ્તાર પૌરણિક કાળમાં દક્ષિણ કોસલ રાજ્ય (દશરથ રાજાના રાજ્ય)નો હિસ્સો હતો. એ પછી અહીં મલ્લાર, શ્રીપુરા, તુમ્માના, રત્નપુરા જેવા નાના-નાના રાજવીઓના દેશ બન્યા. પાંચમી સદીમાં રતનપુરના કલચુરી રાજવંશે એ દરેક નાના પ્રદેશોને હસ્તગત કરી લીધા અને રતનાપુરાને (જ્યાં માતા હનુમાનનું મંદિર છે) પોતાની રાજધાની બનાવી. એ પછી ૧૭મી સદીમાં અહીં મરાઠા સામ્રાજ્યનું વર્ચસ્વ આવ્યું અને તેમણે પણ રતનપુરને જ રાજધાની તરીકે કાયમ રાખી. ભોસલે વંશ બાદ મોગલોએ પણ થોડો સમય અહીં રાજ્ય કર્યું અને ત્યાર બાદ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આખાય પ્રદેશનો કબજો પોતાના હાથમાં લીધો.

બિલાસપુર-રતનપુરનો આ ઇતિહાસનો અહીં ઉલ્લેખ કરવાનું કારણ એ કે જ્યારથી આ પ્રદેશની તવારીખમાં નોંધ લેવાઈ છે ત્યારથી અહીં હિન્દુ સામ્રાજ્યોનું રાજ્ય હતું એવું ફલિત થાય છે. એટલે ૧૦ હજાર વર્ષ પહેલાંના હનુમાનજી સચવાય, પુજાય એ વાત માનવામાં આવે એવી છે. ઍક્ચ્યુઅલી, રતનપુરનું માહામાયા મંદિર દેવી દુર્ગાની બાવન શક્તિપીઠોમાંનું એક છે, જે કલચુરી રાજવી રાજા રત્નદેવે ૧૨-૧૩મી શતાબ્દી દરમિયાન બનાવડાવ્યું છે. કહેવાય છે કે આ સ્થાને સ્વયં માતા કાલીએ રાજા રત્નદેવને દર્શન આપ્યાં હતાં અને એ પછી રાજાએ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીને સમર્પિત સુંદર મંદિર બનાવ્યું હતું. પરંતુ માન્યતા પ્રમાણે મહાકાલીએ આ મંદિરનો ત્યાગ કર્યો. બાદમાં ૧૫મી સદીમાં રાજા બહારસાએ અહીં માતા સરસ્વતી અને માતા લક્ષ્મીજીનું દેવાલય બનાવડાવ્યું જે હજી પણ અડીખમ ઊભું છે. આ મહામાયા રતનપુર રાજ્યની કુળદેવી મનાય છે અને આ મંદિરના પરિસરમાં માતાજીઓ ઉપરાંત હનુમાનજી, શંકર ભગવાન આદિ પણ બિરાજમાન છે. જોકે આપણા ગિરજાબંધ હનુમાનજીનું મંદિર અહીંથી ૪ કિલોમીટર દૂર છે. પણ માતા હનુમાનનાં દર્શન કરવા આવો સાથે આ મહામાયા સિદ્ધ પીઠ, કાલભૈરવ મંદિર સાથે અહીંના પર્વતની ટોચે આવેલા જીર્ણ કિલ્લાની અંદરના પ્રાચીન કડેઈડોલ શિવમંદિરનાં પણ દર્શન થશે.

મુંબઈથી બિલાસપુર જવા ગયા, કલકત્તા જતી અનેક ટ્રેનો મળે છે તો શાલીમાર એક્સપ્રેસ, જ્ઞાનેશ્વરી એક્સપ્રેસનું અંતિમ ગંતવ્યસ્થાન બિલાસપુર જ છે. પણ જો આ સાડાઅગિયારસો કિલોમીટરની જર્નીમાં ચોવીસ કલાક ન વેડફવા હોય તો મહાનગર મુમ્બાપુરીથી બિલાસપુરની સીધી હવાઈ સર્વિસ પણ ઉપલબ્ધ છે.

હા, બિલાસપુરનું ઍરપોર્ટ નાનું છે અને અન્ડર-ડેવલપિંગ છે. પરંતુ અહીં સરકારી, ખાનગી પરિવહન સર્વિસ ખૂબ સરસ છે. રેલવે-સ્ટેશન, હવાઈ મથક કે રાજ્યની રાજધાની રાયપુરથી મંદિરે જવા અનેક પ્રકારની રોડ ટ્રાન્સપોર્ટની સુવિધા મળી રહે છે.

યાત્રાળુઓને રહેવા માટે ઇન્ડિયાના સ્માર્ટ સિટી પ્રોગ્રામમાં સિલેક્ટ થયેલું બિલાસપુર ઉત્તમ ચૉઇસ બની રહેશે. આ શહેરમાં ટૉપ રેટેડ, ફાઇવ સ્ટાર, ફોર સ્ટાર, થ્રી સ્ટાર હોટેલ્સથી લઈને લૉજ અને ગેસ્ટહાઉસના મબલક ઑપ્શન છે. એ જ રીતે જમવામાં બિલાસપુરનાં વ્યંજનો બડે પ્રખ્યાત હૈં. સુગંધિત ચોખાની નમકીન આઇટમો, મીઠાઈઓ સાથે શરબતી ઘઉંના ગુલગુલા (ભજિયાં) તેમ જ અનેક પ્રકારની લીલી ભાજીઓમાંથી બનતા શાક સ્વાદશોખીનોને મોજ કરાવી દેશે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

 માતા હનુમાનજીનું મંદિર સવારે ૭થી સાંજે ૮ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. અહીં ભગવાનને સોળ શણગાર કરવામાં આવે છે. અનેક ભક્તો માતાને વસ્ત્ર, આભૂષણો ખાસ કરીને નથ ભેટ કરે છે.

 રતનપુરસ્થિત સિદ્ધ શક્તિ પીઠ શ્રી મહામાયા મંદિરમાં રહેવાની સુવિધા છે. જ્યાં અતિ નિમ્ન દરોમાં ઍર-કન્ડિશન્ડ અને નૉર્મલ રૂમો મળી રહે છે. હા, એમાં જમવાની સગવડ નથી, જે યાત્રાળુએ જાતે કરવાની રહે છે.

 રતનપુરમાં હનુમાનજી મંદિર, મહામાયા દેવી મંદિર ઉપરાંત રામ ટેકરી મંદિર, ઘાટ બંધ (૨૮ કિલોમીટર) પુરાના કિલ્લા, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર દર્શનીય છે. તો બિલાસપુરથી નજીક મલ્હારમાં પાતાલેશ્વર મંદિર, દેવરી અને ડિંડેશ્વરી (દેવરાની-જેઠાની) મંદિર તેમ જ ભીમ કીચક મંદિર છઠ્ઠી-સાતમી સદીના રાજવીઓએ આપણને આપેલાં આભૂષણ રૂપ અદ્ભુત સ્મારકો છે જેના વિશે ચીની ટ્રાવેલર હ્યુ એન સાંગે પોતાના પુસ્તકમાં લખ્યુ છે. ત્યાં પણ જઈને જ આવજો.

 એક સમયે મધ્ય પ્રદેશ રાજ્યનો ભાગ રહેનારો આ પ્રદેશ વિકાસ તથા શહેરીકરણની દૃષ્ટિએ પા-પા પગલી ભરી રહ્યો છે, પરંતુ પ્રાકૃતિક સુંદરતાની દૃષ્ટિએ આ પ્રદેશ ઉત્તુંગ છે, ઉત્કૃષ્ટ છે.

ગિરજાબંધ હનુમાનજી મંદિરમાં મળતા પ્રસાદના લાડવા ખૂબ સ્વાદિષ્ટ હોય છે. ડોન્ટ મિસ.

રતનપુરનું માહામાયા મંદિર દેવી દુર્ગાની બાવન શક્તિપીઠોમાંનું એક છે, જે કલચુરી રાજવી રાજા રત્નદેવે ૧૨-૧૩મી શતાબ્દી દરમિયાન બનાવડાવ્યું છે.

chhattisgarh culture news life and style religion religious places columnists alpa nirmal gujarati mid-day national news