27 August, 2025 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દૂર્વા
ગણપતિબાપ્પાને દૂર્વા ખૂબ પસંદ છે. દૂર્વા અર્પણ કરવાથી પ્રસન્ન થઈને વિઘ્નો દૂર કરતા હોવાની માન્યતા છે. દૂર્વાને પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. એની ઊર્જા ઘરમાં શાંતિ અને સકારાત્મકતા લાવે છે. આયુર્વેદ પ્રમાણે દૂર્વામાં ખાસ ઔષધિય ગુણો હોય છે.
દૂર્વા લોહીને શુદ્ધ કરીને શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. દૂર્વાના સેવનથી પાચનતંત્ર મજબૂત બને છે અને ગૅસ, અપચાની સમસ્યામાંથી રાહત મળે છે. દૂર્વા આપણા હૃદયના સ્વાસ્થ્યને સારું રાખે છે અને બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દૂર્વામાં કુદરતી રીતે જ ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણ હોય છે જે શરીરમાં સોજો ઓછો કરવાનું અને દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ બને છે. દૂર્વા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. દૂર્વાનું સેવન માનસિક શાંતિ આપે છે અને તનાવને ઓછો કરે છે. દૂર્વાને ડાયરેક્ટ ન ખાઈ શકાય કારણ કે એ કઠોર અને સ્વાદમાં કડવી હોય છે. તાજી દૂર્વાનો થોડો રસ કાઢીને એને પાણીમાં મિક્સ કરીને પી શકાય. એ સિવાય તમે દૂર્વાને સૂકવીને એનો પાઉડર બનાવીને પાણીમાં મિક્સ કરીને પી શકો. દૂર્વાના સૂકા પાનને પાણીમાં ઉકાળીને એની હર્બલ ચા બનાવીને પણ પી શકાય. એ વાતનું ધ્યાન રાખવું કે દૂર્વાનું સેવન હંમેશાં ઓછા પ્રમાણમાં કરવું જોઈએ નહીંતર પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે.